સુરતમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. હાલ યુવાનો અને સગીરોમાં મોબાઇલ જાણે લતનું સ્વરૂપ પકડી ચૂક્યો છે, ત્યારે ઇચ્છાપોરના કવાસ ગામમાં મોબાઇલ ફોનમાં ગેમ રમવા બાબતે ઠપકો આપનારા પિતાની સગીર પુત્રએ હત્યા કરી નાખી હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. શરૂઆતમાં સગીરે હત્યાને અકસ્માતની ઘટનામાં ખપાવી દેવાના પ્રયાસ બાદ પોલીસ તપાસ દરમિયાન હત્યા થઇ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
પોલીસને મામલો શંકાસ્પદ લાગ્યો
સુરત શહેર પોલીસના એસીપી એ.કે. વર્માએ જણાવ્યું હતું કે કવાસ ગામમાં રહેતા 40 વર્ષીય અર્જુન અરુણ સરકારને મંગળવારે રાત્રે નવી સિવિલ હોસ્પિટલમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યો હતો. આ યુવાન 6 દિવસ પહેલાં બાથરૂમમાં પડી જતાં ઇજા થયાની હિસ્ટ્રી તેના 17 વર્ષીય સગીર પુત્ર અને પરિવારે જણાવી હતી. નવી સિવિલ હોસ્પિટલ દ્વારા ઇચ્છાપોર પોલીસને જણાવવામાં આવતાં પોલીસ જ્યારે ઇન્કવેસ્ટ ભરવા આવી હતી ત્યારે મામલો શંકાસ્પદ લાગ્યો હતો.
પોલીસ-તપાસમાં હત્યાનો ઘટસ્ફોટ થયો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘટનાની જાણ બાદ પોલીસ ઇન્સ્પેક્ટર એન. એ. દેસાઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતાં જ મામલો અકસ્માતનો નહીં, પરંતુ હત્યાનો હોવાનું સ્પષ્ટ થયું હતું. 40 વર્ષીય શખસની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી. હત્યારા અને તેની હત્યાનું કારણ જોકે વધુ ચોંકાવનારું હતું. આ યુવાનની હત્યા તેના જ 17 વર્ષના સગીર પુત્રએ કરી હોવાનું પોલીસની તપાસમાં ખૂલ્યું હતું.
પિતાએ ફોન લઇ લેતાં પુત્રએ હત્યા કરી
મોબાઇલ ફોનમાં ગેમ રમવાની લતે ચઢી ગયેલા સગીર પુત્ર પાસેથી પિતાએ મોબાઇલ ફોન લઇ લીધો હતો, જેને લઇને ઝઘડો થતાં આ સગીરે પિતા ઉપર હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. પોસ્ટમોર્ટમમાં હત્યાનો ઘટસ્ફોટ થતાં પોલીસ ઇન્સ્પેક્ટર એન. એ. દેસાઇએ હત્યાનો ગુનો નોંધ્યો હતો. જોકે આરોપી સગીર હોવાથી તેને ડિટેઇન કર્યો હતો. આ ઘટનાએ વધુ એક વખત સગીરોમાં બાળકોમાં વધી રહેલા મોબાઇલ ફોનના એડિક્શન સામે લાલબત્તી ચીંધી છે.
આરોપીએ માતાને પણ ગેરમાર્ગે દોરી
પોલીસે વધુમાં કહ્યું હતું કે આરોપીએ માતાને પણ ગેરમાર્ગે દોરી હતી. મંગળવારે સાંજે પિતા સાથે મોબાઇલ ફોન ગેમ રમવાની બાબતે ઝઘડો થતાં પુત્રએ પિતાનું ગળું દબાવી દીધું હતું. માતાને પણ સાચી હકીકત જણાવી ન હતી. જોકે પતિની હત્યા પુત્રએ કરી હોવાનું બહાર આવતાં માતા પોતે ફરિયાદી બની હતી.
બાળકો મોબાઇલમાં હિંસક ગેમ રમે છે
સુરત સિવિલ હોસ્પિટલના માનસિક રોગ વિભાગના સહ-પ્રાધ્યાપક ડો. કમલેશ દવેએ જણાવ્યું હતું કે કિશોરાવસ્થામાં બાળકોને ગુસ્સો ખૂબ આવે છે અને તેમને ના પાડીએ તો તેઓ ગુસ્સે થઇ જાય છે અને હિંસા કરે છે. બાળકો મોબાઇલમાં હિંસક ગેમ રમે છે, જેથી તેમને હિંસા કરવી સામાન્ય બાબત લાગે છે અને તે રિયલ લાઇફમાં પણ હિંસા કરી બેસે છે. સોશિયલ મીડિયા અને ફિલ્મોનો પણ બાળકો પર ખૂબ પ્રભાવ પડી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.