તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હીટ એન્ડ રન:તાપીના ડોલવણમાં કારની અડફેટે આવેલા 17 વર્ષીય સગીરે 6 દિવસ મોત સામે લડ્યા બાદ છેલ્લા શ્વાસ લીધા, 4 બહેનોનો એકનો એક ભાઈ હતો

તાપી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાર અને મૃતક સગીરની ફાઈલ તસવીર. - Divya Bhaskar
કાર અને મૃતક સગીરની ફાઈલ તસવીર.
  • અકસ્માત બાદ કાર ચાલક કાર ઘટના સ્થળે જ છોડીને ભાગી ગયા બાદ પોલીસ સ્ટેશનમાં હાજર થયો

તાપી જિલ્લામાં ડોલવણના ગાંધી ઓવારા નજીક બેફામ કારની અડફેટે ઘવાયેલા 4 બહેનોના એકના એક ભાઈનું આજે સિવિલ હોસ્પિટલમાં 6 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું હતું. 28મી ઓગસ્ટના રોજ બુહારી ગામ બનેવીને મિત્ર સાથે મોપેડ પર લેવા જઈ રહેલા સાહિલને કારે અડફેટે લેતા બન્ને મિત્રો ઘવાયા હતા. બન્ને મિત્રોને તાત્કાલિક સારવાર માટે નજીકની રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા બાદ સાહિલને ગંભીર હાલતમાં સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

સગીર બનેવીને લેવા મિત્ર સાથે જઈ રહ્યો હતો
લિંકન ચૌધરી (મૃતક સાહિલના બનેવી) એ જણાવ્યું હતું કે તેઓ સુરત નોકરી કરે છે. પહેલીવાર સાળા સાહિલને બુહારી ગામ એસટી ડેપો પર લેવા બોલાવ્યો હતો. જોકે ડેપો પર નહીં દેખાતા એના મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. ફોન નહીં ઉપાડતા ઘરે ફોન કર્યો હતો. ત્યારે નીકળી ગયો હોવાનું જાણવા મળતા રાહ જોતો હતો. એવામાં જ 108માંથી ફોન આવ્યોને ખબર પડી સાહિલ અને તેના મિત્રનો અકસ્માત થયો છે અને વ્યારા રેફરલ લઈ ગયા છે.

એકના એક દીકરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ
વધુમાં જણાવ્યું હતું કે રેફરલ હોસ્પિટલ પહોંચતા સાહિલને ગંભીર ઇજાઓ થઈ હતી. તાત્કાલિક સુરત લઈ આવ્યા હતા. લગભગ 6 દિવસ સુધી મોત સામે લડી રહેલા સાહિલે આજે વહેલી સવારે હિંમત હારી છેલ્લા શ્વાસ લીધા હતા. ચાર બહેનોનો એકનો એક ભાઈ અલવિદા કરી ગયો હોવાનું જાણવા મળતા જ ચારેય બહેનો શોકમાં ગરકાવ થઈ ગઈ હતી.

કાર ચાલક દારૂના નશામાં હોવાની આશંકા
વધુમાં જણાવ્યું હતું અકસ્માત બાદ કાર ચાલક કાર ઘટના સ્થળે જ છોડીને ભાગી ગયો હતો. એટલું જ નહીં પણ બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. કારનો ચાલક નશામાં કાર ચલાવતો હોય અને સાહિલને અડફેટે લીધો હોય એવી આશંકા છે. જોકે પોલીસ તપાસ કરી રહી છે.