• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 17 Convicts In 14 Misdemeanor Or Gangrape Cases In Last 1 Month, Court Sentences From 10 Years To Life Imprisonment In Surat

સુરત 'કેપિટલ' પનિશમેન્ટ:છેલ્લા 1 મહિનામાં 14 દુષ્કર્મ-ગેંગરેપ કેસમાં 17 આરોપીઓને સજા, કોર્ટે 10 વર્ષથી લઈને મરે ત્યાં સુધી જેલની સજાઓ ફટકારી

સુરત16 દિવસ પહેલા
  • 8 આરોપીઓને આજીવન કે મરે ત્યાં સુધી જેલની સજા ફટકારાઈ

સુરત રેપની સાથે હવે કેપિટલ પનિશમેન્ટનું પણ કેપિટલ બની ગયું છે. છેલ્લા 1 મહિનામાં દુષ્કર્મ કેસમાં 17 આરોપીઓને સુરતની કોર્ટે સજા ફટકારી છે. 17 નરાધમોને 10 વર્ષથી લઈને મરે ત્યાં સુધીની જેલની સજા ફટકારવામાં આવી છે. આઠ આરોપીઓને આજીવન કે મરે ત્યાં સુધી જેલની સજા ફટકારાઈ છે. જ્યારે પાંચ આરોપીઓને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સાથે 4 આરોપીઓને 20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.

1 એપ્રિલ
ખટોદારમાં રહેતી 14 વર્ષની કિશોરીનું અપહરણ કરી તેની પર બળાત્કાર ગુજારવા સંદર્ભના કેસની કોર્ટમાં ચાલેલી ટ્રાયલ બાદ 23 વર્ષીય આરોપીને કોર્ટે કસુરવાર ઠેરવી 10 વર્ષની સજા, 10 હજાર દંડ અને પીડિતાને 50 હજારનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો. વર્ષ 2021માં આરોપી રહિમ શેખ 14 વર્ષની કિશોરીને લગ્નની લાલચે મધ્યપ્રદેશ ભગાવી ગયો હતો. બસમાં જ આરોપીએ બળાત્કાર ગુજાર્યો હતો. ઘરના સભ્યોએ કિશોરીના અપહરણ બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. આરોપીને જેલમાં મોકલ્યા બાદ તેની સામેની ટ્રાયલ ચાલી હતી. જેમાં ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો.

5 એપ્રિલ
ડભોલીની 15 વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપી ભગાવી જઈ બળાત્કાર કરનાર મૂળ ભાવનગરના 23 વર્ષીય આરોપીને કોર્ટે 20 વર્ષની સજા, 20 હજારનો દંડ અને દંડ નહીં ભરે તો વધુ 1 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. ઉપરાંત પીડિતાને 4.38 લાખનું વળતર આપવાનો હુકમ કર્યો હતો. 8મી જૂન, 2021ના રોજ ડભોલીની 15 વર્ષીય સગીરા ચિઠ્ઠી લખીને ઘરેથી જતી રહી હતી. તેણીએ લખ્યું હતું કે મને શોધવાનો પ્રયાસ કરશો નહીં, હું 25 હજાર લઇ જાઉં છું. કિશોરી અંગે પોલીસને જાણ કરતા હીરા ઘસવાનુ કામ કરતો આરોપી મનોજ બારૈયા લગ્નની લાલચ આપીને ભગાવી ગયો હતો. પોલીસ તપાસમાં આરોપી અને પીડિતા પકડાઇ ગયા હતા. આરોપી ધમકી આપતો હતો કે કિશોરી મળવા નહીં આવે તો તે ફાંસો ખાઈને મરી જશે. તે કિશોરીને કોફી શોપમા લઇ જઇ, ધમકી આપી શારિરીક સંબંધ બાંધતો હતો. ઘરેથી ભાગી બંને લક્ઝરીમાં બેસી ભાવનગર ગયા હતા. લક્ઝરીમાં પણ રેપ કર્યો હતો.

6 એપ્રિલ
સગરામપુરામાં 8 વર્ષની બાળકીને રૂ. 10ની લાલચ આપી આરોપી પોતાના ઘરમાં ખેંચી જઈ બળાત્કાર કર્યો હતો. જેમાં 21 વર્ષીય આરોપી અફરોજ મહેરાબ ખાનને આજીવન કેદ (અંતિમ શ્વાસ સુધી)ની સજાનો હુકમ કર્યો હતો. કોર્ટે આરોપીને એક લાખનો દંડ પણ કર્યો હતો અને પીડિતાને રૂપિયા 7 લાખ વળતર પેટે આપવા પણ જણાવ્યું હતું. આ ઉપરાંત કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, બનાવથી ભોગ બનનાર બાળાના બાકીની સામાન્ય જીંદગી ઉપર પણ અસર પડી છે અને બળાત્કારનો ગુનો માત્ર શરીરને અસર કરે તેવો ગુનો તો છે પરંતુ વ્યક્તિના આત્માનું મૃત્યુ થાય તેવો ગુનો બને છે. મૂળ બિહારના અને સુરતમાં રહેતો અફરોજખાન 2 વર્ષ પહેલા પોતાના ઘરમાં હતો ત્યારે પાડોશમાં રહેતી 8 વર્ષીય બાળા ગુટકા લેવા માટે આવી હતી. આ દરમિયાન આરોપીએ તેનો હાથ પકડીને રૂ.10ની લાલચ આપી પોતાના રૂમમાં લઇ ગયો હતો અને બાળકીના હોઠ પર કરડયો હતો અને ગુપ્તાંગ સાથે છેડછાડ કરી હતી. જો કે,આ દરમિયાન એક યુવકે દરવાજો ખખડાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

7 એપ્રિલ
કતારગામ ખાતે રહેતી કિશોરીને નવરાત્રિના સમયે ડુમસ લઇ જઇ તેની સાથેના ફોટા પાડી બાદમાં બ્લેકમેઇલ કરી પોતાના રૂમ પર લઇ જઈને બળાત્કાર ગુજારનારા આરોપીને કોર્ટે 10 વર્ષની સજા અને રૂ. 10 હજાર દંડ તેમજ દંડ ન ભરે તો વધુ 2 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. કોર્ટે પીડિતાના નાલ્સાની વિક્ટીમ કોમ્પેનસેશન સ્કીમ હેઠળ રૂ.7 લાખ આપવાનું પણ જણાવ્યું હતું. પુણાગામ ખાતે રહેતો 23 વર્ષીય આરોપી ચિંતન અશોક ભડીયાદરા 16 વર્ષની સગીરાના સંપર્કમાં આવ્યા બાદ તેને ઓકટોબર-2018માં નવરાત્રિ વખતે વનમાળી જંકશનથી ડુમસ લઇ જઈ તેની સાથેના ફોડા પાડી બાદમાં આ ફોટાના આધારે બ્લેકમેઇલ કરી, આરોપીના જન્મદિવસે મીનીબજાર ખાતેના ફ્લેટ પર બોલાવી કિશોરી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં ફોટાના સહારે બદનામ કરવાની ધમકી આપી બીજીવાર પણ બળાત્કાર ગુજાર્યો હતો.

11 એપ્રિલ
મોટા વરાછામાં દસ વર્ષની બાળકીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનારા બાળકીના દુરના સગા એવા 19 વર્ષીય આરોપીને કોર્ટે 20 વર્ષની સજાની ફટકારી હતી. સાથે કોર્ટે આરોપીને રૂપિયા દસ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. પીડિતા બાળકીને કોર્ટે રૂપિયા સાત લાખ આપવાનો પણ ઓર્ડર કર્યો હતો. ફરિયાદીએ ભાવનગરમાં રહેતા પોતાના દુરના મામાના દીકરા એવા આરોપી બાલા ભુપત સાથળીયા કે જે બેરોજગાર હોવાથી અને તે નોકરી શોધતો હોવાથી પોતાની પાસે સુરત બોલાવી લીધો હતો. જોકે,આરોપી બાલા સાથળીયાએ ઘરમાં જ રહેતી દસ વર્ષની બાળકી પર નજર બગાડી હતી અને તેને લગ્નની લાલચ આપીને ભગાવી ગયો હતો. બાળકી મળી ન આવતા પરિવાર દ્વારા અમરોલી પોલીસ મથકમા ફરિયાદ નોંધવામાં આવી હતી. તપાસ કરાતા આરોપી અને બાળકી મળી આવ્યા હતા. આરોપી બાળકીને ભગાવીને બસ મારફતે મોરબી લઈ ગયો અને ત્યાં તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.

12 એપ્રિલ
સચિન જીઆઇડીસી ખાતે 4 વર્ષની માસુમ બાળકીને ચોકલેટની લાલચે પોતાના રૂમમાં લઇ જઈ બળાત્કાર ગુજારનારા આરોપીને કોર્ટે મરે ત્યાં સુધી જેલની સજાનો હુકમ કર્યો હતો. ફાસ્ટ ટ્રેકસ્પેશિયલ જજ આરતી વ્યાસની કોર્ટે પીડિતાને રૂપિયા 9 લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો હતો. કોર્ટે નોંધ્યુ હતું કે, આરોપી પિતાના મિત્ર હતા અને જ્યારે એક પિતા સમાન વિશ્વસનીય વ્યક્તિ આવા પ્રકારનું દુષ્કૃત્ય કરે તો ભોગ બનનારના માનસ ઉપર આવા પ્રકારના ગુનાની ખૂબ જ ગંભીર અસર આજીવન રહે છે. સરકાર તરફે એપીપી યોગેશ પાટીલે દલીલો કરી હતી. 9 એપ્રિલ, 2019ના રોજ ફરિયાદીની ચાર વર્ષની દીકરી પર પિતાના મિત્ર એવા આરોપી ગોપાલ ઉર્ફે કુબેર ઓમપ્રકાશ મૌર્ય ( મૂળ રહે. તા. અતરરા, યુ.પી.)એ બાળકીને ચોકલેટની લાલચે પોતાના રૂમમાં લઇ જઈ, માર મારી બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના બાદ પોલીસે સીસીટીવીની મદદથી આરોપીની ધરપકડ કરી હતી. બાળકીની સાથે ચાર વર્ષના ભાઇએ પણ જુબાની આપી હતી. બાળકે આરોપીને કોર્ટમાં ઓળખી બતાવ્યો હતો અને દસથી વધુ સવાલોના જવાબ પણ આપ્યા હતા.

13 એપ્રિલ
તા. 15મી ડિસેમ્બર, 2019ના રોજ સચિન જીઆઇડીસી ખાતે રામલીલા કાર્યક્રમમાંથી ચાર વર્ષની બાળકીને ઉઠાવી જઇ તેની સાથે બળાત્કાર અને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરવાના જઘન્ય બનાવમાં કોર્ટે આરોપી શશિબિંદ ઉર્ફે ચિકના નિશાદને તકસીરવાર ઠેરવી અંતિમ શ્વાસ સુધી જેલની સજાનો હુકમ કર્યો હતો. કોર્ટે પીડિતા બાળકીને રૂપિયા છ લાખના વળતરનો હુકમ પણ કર્યો હતો. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલ કરી હતી. કોર્ટે પોતાના હુકમમાં ટાંક્યું હતું કે બાળાના શરીરે જ નહીં પરંતુ આત્મા પર પણ અસર થઈ છે. કોર્ટે 36 મૈખિક પુરાવા અને 104 દસ્તાવેજી પુરાવાના આધારે આરોપીને સજા કરી હતી. જેમાં લાસ્ટ સીન ટુગેધર, મેડિકલ પુરાવા અને ખુદ બાળકીની જુબાનીનો સમાવેશ થતો હતો.

19 એપ્રિલ
ફુલવાડીમાં પોતાના મકાનમાં જ 16 વર્ષની કિશોરી પર બે થી ત્રણ વાર બળાત્કાર કરનાર અબ્દુલ કાદર મેમણને વધારાના સત્ર ન્યાયાધિશ પ્રકાશચંદ્ર કાલાની કોર્ટે 10 વર્ષની સજા, 1 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 2 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. પીડિતાને 7 લાખના વળતરનો હુકમ પણ કોર્ટે કર્યો હતો. ઉપરાંત કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે આવા ગુનામાં હળવાશ રાખવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જશે.કિશોરી ડુમસ રોડ પર હતી ત્યારે બે સંતાનનો પિતા એવો આરોપીએ ક્યાં જવુ છે એમ પુછતા કિશોરીએ ચોક જવાનું કહેતા આરોપીએ તેને રિક્ષામાં બેસાડી હતી. પરંતુ ચોકની જગ્યાએ આરોપી તેને સીધો ઘર લઇ ગયો હતો. જ્યાં કિશોરીએ ઘરે જવાનું કહેતા આરોપીએ કહ્યું હતું કે, હાલ કોરોના કર્ફ્યુ હોય આજે રાત્રે અહીં જ સૂઈ જા. મારી પત્નીને તલાક આપ્યા છે હું તને પત્ની તરીકે રાખીશ એમ કહી 4 દિવસ ગોંધી રાખી રેપ કર્યો હતો.

20 એપ્રિલ
21મી ઓકટોબર, 2017ના રોજ ફરિયાદની 6 વર્ષની દીકરી ઘર આંગણે રમી રહી હતી ત્યારે ઘરના સભ્યો એક પૂજામાં ગયા હતા આવીને જોયુ તો બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નિકળતુ હતુ અને તેણી રડી રહી હતી. માતાએ આપવીતી પૂછતા બાળકીએ જણાવ્યુ હતુ કે તે ઘર પાસે રમી રહી હતી ત્યારે બાજુમા રહેતા ધર્મેન્દ્ર વિનોદ રામે બિસ્કીટની લાલચ આપીને બદકામ કર્યું હતુ. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ બોલાવીને બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને બીજી તરફ પોલીસે આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ લઇ જેલ હવાલે કર્યો હતો. આરોપી ધર્મેન્દ્ર વિનોદ રામે સામેની ચાર્જશીટ રજૂ થયા બાદ ટ્રાયલ ચાલી હતી અને એપીપી દિપેશ દવેની દલીલોના આધારે કોર્ટે આરોપીને આજીવન કેદની સજા કરી હતી. બિહારના આરોપી યુવાને ગુજારેલા બળાત્કારના લીધે બાળકીના ગુપ્તાંગમાં ઓપરેશન કરવાની ફરજ પડી હતી અને 7 દિવસ સારવાર ચાલી હતી. અલબત્ત, બાળકીએ પોતાની જુબાની મક્કમતાથી આપી હતી અને મેડકિલ ઉપરાંત બાળકીની જુબાનીના આધારે જ કોર્ટે આરોપીને સજા કરી હતી.

25 એપ્રિલ
બાર વર્ષ અગાઉના યુવતી પર આચરાયેલાં ચકચારી ડુમસ ગેંગરેપ પ્રકરણમાં સેશન્સ કોર્ટ દ્વારા વધુ બે આરોપીઓ કનૈયા ભૂમિહાર અને રાજકુમાર ભૂમિહારને જીવે ત્યાં સુધી જેલની સજાનો હુકમ કર્યો હતો. અગાઉ બે આરોપીઓ જીતેન્દ્ર અને કમલનયનને પણ આજીવન કેદની સજા કરાઈ હતી. આ સાથે આ કેસમાં અત્યાર સુધી ચાર આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. બે આરોપીઓ આ ગુનો આચર્યા બાદ ફરાર થઈ ગયા હતા અને તેમની સામેનો કેસ બાદમાં ચાલ્યો હતો. કોર્ટે પીડિતા યુવતીને રૂપિયા પાંચ લાખના વળતરનો પણ હુકમ કર્યો હતો.સરકાર તરફે એપીપી જીતેન્દ્ર પારડીવાલાએ દલીલો કરી હતી. ભોગ બનનાર પોતાના મંગેતર(હાલના પતિ )સાથે 28 ઓકટો. 2011એ સાંજે ડુમસ ચોપાટી ફરવા ગયા હતા. જ્યાં બાંકડા પર બેઠા હતા. ત્યારે આરોપીઓએ પતિને માર મારી બુમ પાડશે તો મારી નાંખીશું એવી ધમકી આપી હતી. ત્યારબાદ મહિલાના કપડા ફાડી નાંખી આરોપીઓએ બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન પતિ ફરી બચાવવા ગયો તો તેને માર મારી મહિલાની ઇજાર વડે તેના હાથ બાંધી દીધા હતા. પતિની સોનાની ચેઇન,ફોન મળી 14 હજારની લુંટ ચલાવી હતી.

25 એપ્રિલ
વર્ષ 2020માં અમરોલીમાંથી આરોપી અશ્વની ત્રિવેણી ગુપ્તા અને પત્ની પાર્વતી ગુપ્તા ( મૂળ રહે. યુ.પી. કાનપુર) 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપીને ઉત્તર પ્રદેશ લઇ ગયા હતા અને ત્યાં પોતાના જુદા-જુદા સંબંધીને ત્યાં લઇ જઇને પતિએ સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. જો કે, સગીરા હેમખેમ ઘરે આવી હતી ત્યારે તેણે જે જુબાની કહી હતી તેના આધારે આરોપી ગુપ્તા દંપતિ સામે ફરિયાદ નોંધાતા બંનેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં એપીપી સુરેશ પાટીલે દલીલ કરી હતી કે આરોપીએ સગીરાને ગર્ભવતી બનાવી છે અને પત્નીએ સમગ્ર ગુનામાં પુરતો સાથ આપ્યો છે. દલીલો બાદ કોર્ટે આરોપીઓને સજાનો હુકમ કર્યો હતો. કોર્ટે આરોપી ગુપ્તા દંપતિને કસુરવાર ઠેરવી આરોપી પતિને રેપના ગુનામાં મરે ત્યાં સુધી કેદની સજા અને પત્નીને 10 વર્ષની કડક સજાનો હુકમ કર્યો હતો.

26 એપ્રિલ
પાંચ વર્ષ અગાઉ લિનિયર બસ સ્ટેશન પર બિમાર હાલતમાં બેઠેલી મહિલાને તબેલા પાસે લઈ જઇ તેની પર બળાત્કાર ગુજારનારા 2 આરોપી છોટારામ કુસવાહ અને રામુસિંગ રાજપૂતને કોર્ટે 20-20 વર્ષની સજા ફટકારી હતી. આ ઉપરાંત રૂપિયા 20 હજારના દંડનો હુકમ પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોર્ટે પીડિત મહિલાને રૂપિયા પાંચ લાખ વળતર તરીકે આપવાનો પણ આદેશ કર્યો હતો. પીડિતા મહિલા અમદાવાદથી સુરત આવી હતી અને બસ સ્ટોપ પાસે બેઠી હતી ત્યારે આરોપીઓ તેની પાસે આવ્યા હતા અને ક્યાં જવુ છે એમ પુછયુ હતુ. મહિલાને ચક્કર આવતા હોય તેઓ મહિલાને વિશ્વાસમાં લઇને અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં ગાય-ભેંસના તબેલા હતા અને ભજન વાગી રહ્યા હતા. ત્યારબાદ બંને આરોપીઓએ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં તેને પેરાશીટામોલની 7- 8 ગોળીઓ ઉપરાંત અન્ય ગોળીઓ પીવડાવી દીધી હતી જેથી મહિલાને વોમિટ થતા તેઓ મહિલાને સ્મીમેર હોસ્પિટલ પાસે છોડીને ભાગી ગયા હતા.

29 એપ્રિલ
મૂળ ઉત્તર પ્રદેશના વતની શ્રમજીવી પરિવાર વરાછા બોમ્બે માર્કેટ પાસે આવેલી ગણેશનગર ઝુપડપટ્ટીમાં રહે છે. તા.14-1-2018ના રોજ શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી. તેના પિતા રિક્ષા લઇને વર્દી પર ગયા હતા. જ્યારે માતા પાણી ભરવા માટે ગઇ હતી. આ દરમિયાનમાં મૂળ ઝારખંડના સાહેબગંજ જિલ્લાના વતની અને પડોશમાં રહેતા 24 વર્ષના કૃષ્ણાકુમાર ઉર્ફે ચંદન સંજય પાસવાનની બાળકી પર નજર બગડી હતી. આરોપીએ બાળકીને ટીવી જોવા માટે પોતાના ઘરે બોલાવી હતી. બાદમાં આરોપી બાળ‌કીને રૂમમાં લઈ જઈ દરવાજો બંધ કરી દીધો હતો. અને બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતું. આ દરમિયાનમાં બાળકીની માતા આવી જતા બાળકી ઘર પાસે રમતી દેખાઈ ન હતી. આથી તેને શોધખોળ આદરી હતી. ત્યારે આરોપી કૃષ્ણાના રૂમનો દરવાજો બંધ દેખાતા બાળકીની માતાએ દરવાજો ખખડાવ્યો હતો. કૃષ્ણાએ દરવાજો ખોલતા તેની દિકરી પલંગ પર સુતી હતી અને રડતી હતી. બનાવ અંગે વરાછા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી કૃષ્ણાની ધરપકડ કરી હતી. આ કેસ કોર્ટમાં જતા વિશેષ ન્યાયાધિશ આર.એ.વ્યાસે આરોપી કૃષ્ણાને તકસીરવાર ઠરાવી 10 વર્ષની જેલની સજા અને રૂપિયા 10 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.

30 એપ્રિલ
9મી ડિસેમ્બર, 2020ના રોજ સચિન જીઆઇડીસી ખાતે રહેતા અને કડીકામ કરતા પરિવારની 5 વર્ષ અને 11 મહિનાની દીકરી છે. માતા-પિતા સૂઈ રહ્યા હતા ત્યારે આરોપી ત્યાં આવ્યો હતો જો કે કોઈએ ચોર આવ્યો હોવાની બૂમ પાડતા આરોપી ભાગી ગયો પરંતુ એ અગાઉ તેણે બાળકીને સૂતા જોઈ લીધી હતી. બાદમાં તે ફરી આવ્યો હતો અને બાળકીને સુતેલી હાલતમાં ઉંચકી જઈ નજીકના ઇન્ડસ્ટ્રીયલ એરિયાની ઝાડી ઝાખરીમાં લઇ જઈ બળાત્કાર ગુજારી ત્યાંથી ભાગી ગયો હતો. જો કે, પોલીસ તપાસમાં આરોપીની ઓળખ થતાં તેની ધરપકડ કરાઈ હતી અને બાદમાં તેની સામે ટ્રાયલ ચાલી હતી. બાળકીએ પણ આરોપીને ઓળખી બતાવી તેની સામે જુબાની આપી હતી. સચિન જીઆઇડીસી ખાતે માતા-પિતા સાથે સુતેલી 6 વર્ષની બાળકીનું અપહરણ કરી નજીકના ઝાડી ઝાખરામાં લઇ જઈ બળાત્કાર ગુજારના મૂળ બિહારના રહેવાસી એવા આરોપી મૂકેશ સાહને સ્પે. પોક્સો જજ અને ચોથા એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ આશા નિલેશકુમાર અંજારિયાની કોર્ટ આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.