ઠગાઈ:સુરતના આધેડને ન્યૂઝિલેન્ડના વિઝા-નોકરી આપવાની લાલચે 16.22 લાખની છેતરપિંડી ચેન્નાઈના ઠગે આચરી

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
આધેડની ફરિયાદ લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
આધેડની ફરિયાદ લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • પાંચ વર્ષમાં ટુકડે ટુકડે આધેડે રૂપિયા ચૂકવ્યાં હતાં

સુરતના બેગમપુરા વિસ્તારમાં રહેતા આધેડને ન્યૂઝિલેન્ડ મોકલવાની વાત કરી ચેન્નાઈનો ઠગબાજ 16.22 લાખ પડાવી ગયો હોવાની ઘટના સામેં આવી છે.પાંચ વર્ષ અગાઉ ટેલિફોનિક સંપર્કમાં આવેલા ઠગબાજે આધેડને વાતોમાં ફોસલાવી અલગ અલગ ચાર્જ પેટે અને વિઝા અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે. વિદેશના વિઝા અને ન્યૂઝિલેન્ડમાં નોકરી અપાવવાના નામે ઠગબાજનો ભોગ બનેલા આધેડએ રૂપિયાની માગ કરતા જાનથી મારી નાખવાની ધમકી મળતા જ ન્યાય માટે પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે.

પ્રોસેસિંગના નામે રૂપિયા મગાયા
બેગમપુરા હસાબી બિલ્ડીંગ કુતબીવાડી આમખાસમાં રહેતા 43 વર્ષીય હાબીલ શબ્બીરભાઇ મીઠાઇવાલા નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 2016માં ઓક્ટોબર મહિનામાં તેમણે એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેને ન્યૂઝિલેન્ડના વિઝા અપાવી ન્યૂઝિલેન્ડ મોકલી ત્યાં નોકરી અપાવવાની લાલચ આપી હતી.અજાણ્યા ઇસમની વાતોમાં ભોળવાઈ ગયેલા હાબીલે વિઝા પ્રોસેસ, ડોક્યુમેન્ટસહીત વિવિધ પ્રોસેસના નામે પૈસા આપ્યા હતા.

રૂપિયા પરત ન આપ્યા
છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન હાબીલે ટુકડે ટુકડે રૂપિયા 16.22 લાખ ચૂકવી દીધા હતા. ત્યારબાદ પણ અજાણ્યા ઈસમે ન્યૂઝિલેન્ડમાં નોકરી નહીં અપાવી વધુ પૈસાની માંગણીઓ ચાલુ રાખી હતી. હાબીલભાઈને પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનું માલુમ પડતા તેમણે પોતાની રકમ પાછી માગી હતી. જોકે ઠગબાજ ઈસમે પૈસા પરત આપવાના બદલે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે હાબીલ ભાઈએ ન્યાય માટે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સી.રાજેશકુમાર (ઉ.વ.45) તે આર.કે.એચ.આર સર્વિસના મેનેજીંગ ડિરેક્ટર આર.કે. ગ્રુપ ઓફ કમ્પની ઠે- નવો નં- ૧૩, જુનો નંબર- ૦૭, પહેલો માળ ધાંડાપાની સ્ટ્રીટ, ટી નગર ચેન્નઇ સામે રૂપીયા 16.22 લાખની ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.