કાર્યવાહી:ઉધના-લિંબાયતમાં કચરો ન ઉપડતાં 150 ફરિયાદો, કોન્ટ્રાક્ટરને નોટિસ

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડોર ટુ ડોર ગાર્બેજની કામગીરીના છીંડા સામે આવતા કાર્યવાહી

ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરીમાં છીંડાં મામલે કોર્પોરેટરોએ ગાર્બેજ કલેક્શન એજન્સીઓ સામે પાલિકામાં મીટિંગમાં અનિયમિતતા, ગેરવર્તણૂક, કચરો નહીં ઉઠાવવા સહિતની ફરિયાદ કરી હતી. જેથી આરોગ્ય સમિતિ અધ્યક્ષ દર્શિની કોઠિયાએ તમામ બેદરકાર એજન્સીઓનો ઉધડો લઈ ઉધના, લિંબાયતની એજન્સીને નોટિસ ફટકારી છે. આરોગ્ય સમિતિ ચેરમેન દર્શિની કોઠિયાની અધ્યક્ષતામાં પાલિકાના તમામ ‌ઝોનનાં નાયબ આરોગ્ય અધિકારીઓ તથા તમામ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન એજન્સીઓ સાથે મિટિંગ યોજાઈ હતી.

જેમાં, ગાર્બેજ કલેક્શન અંગે તમામ ઝોનમાંથી કોર્પોરેટરો સાથે ગેરવર્તણૂકની ફરિયાદ સંદર્ભે એજન્સીઓને તેમના સ્ટાફને શહેરીજનો, કોર્પોરેટરો સાથે સભ્યતાપૂર્વક વર્તન કરવા સૂચના આપી હતી. કચરાે ગાડી પર લટકાવી લઇ જવાને બદલે યોગ્ય રીતે વેસ્ટ કલેક્ટ કરવા સૂચના અપાઇ હતી.

જ્યારે લિંબાયત તથા ઉધના ઝોનના ડોર ટુ ડોરની ઓમ સ્વચ્છતા એજન્સી અંગે 150 ફરિયાદ આવી હતી તેમજ કોર્પોરેટરોની પણ ઘણી ફરિયાદો થતાં આ એજન્સીને નોટિસ ફટકારી અઠવાડિયામાં ખૂલાસો કરવા જણાવાયું હતું. દર્શિની કોઠિયાએ કહ્યું કે, આ એજન્સી સામે 150 લેખિત, મૌખિક, વિડિયો મોકલી ઓન લાઇન ફરિયાદો છે. તેથી નોટિસ ફટકારી છે. જેમાં, સુધારો નહીં કરાઇ તો એજન્સીનું લાયસન્સ રદ્દ કરવા, દંડ વધારવા, પ્રચાર પ્રસારની પીએએસ સિસ્ટમનો ઉપયોગ કરવા આદેશ આપ્યો છે.

ચેરમેને વીડિયો સાથે ફરિયાદ કરી હતી
કચરો ઉઠાવવા બાબતે બેદરકારી દાખવનાર ડોર ટુ ડોર કચરા ગાડીના સ્ટાફને કહેવા જતા ખૂદ આરોગ્ય સમિતિ ચેરમેન દર્શિની કોઠિયાને અગાઉ કડવો અનુભવ થયો હતો. તેમણે કહ્યું હતું કે,‘મારી સાથે પણ ઉદ્ધત વર્તન કરાયું હતું. કચરા ગાડીના સ્ટાફે થાય તે કરી લો કહ્યું હતું. તેથી મોબાઈલમાં ફોટો પાડીને મારે ફરિયાદ કરવી પડી હતી.’

અન્ય સમાચારો પણ છે...