તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસી બની પ્રો-બોડી:વેક્સિનના 2 ડોઝ લેનારા 15 ડોક્ટરોમાં 20થી 40 દિવસમાં કોરોના સામેના એન્ટીબોડી ડેવલપ થયા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૈજ્ઞાનિક પુરાવા પણ રસી કારગત હોવાનું પુરવાર કરે છે માટે વેક્સિનથી દૂર ભાગશો નહીં

ભરત સૂર્યવંશી | સુરત શહેરમાં અત્યાર સુધી 2.48 લાખથી વધુલોકોએ રસી મુકાવી છે. જેમાં હેલ્થ વર્કર, ડોક્ટરો, ફ્રંટ લાઇનર્સ, 60 વર્ષથી વધુના સહિતના લોકોનો સમાવેશ થાય છે. નિયમ મુજબ રસીના બે ડોઝ લીધા પછીના 20 દિવસ પછી શરીરમાં એન્ટીબોડી બને છે. દિવ્ય ભાસ્કરે બંને ડોઝ લીધા હોય અને તે પછી 20 કે તેથી વધુ દિવસો થયા હોય તેવા 15 જેટલા તબીબો કે જેમણે પોતાના એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યા હતા, તેમની સાથે વાતચીત કરી હતી. તમામ ડોક્ટરોનું કહેવું છે કે રસી લીધા પછી શરીરમાં એન્ટીબોડી જનરેટ થાય છે. તમામ ડોક્ટરના એન્ટીબોડીરિપોર્ટ પોઝિટિવ મળ્યા છે. જોકે એન્ટીબોડી માટે વપરાતી ટેસ્ટ કીટની કંપનીઓ દ્વારા જે કટઓફ રાખવામાં આવ્યા છે તે મુજબ એકથી વધુ એન્ટીબોડી વેલ્યુ બતાવે તો તે પોઝિટિવ કહી શકાય. 15 ડોક્ટરોમાં બેથી લઇને 130 સુધીની વેલ્યુ જોવા મળી છે. જેમાં સૌથી વધુ બે ડોક્ટરોમાં જોવા મળી છે. આ બંને ડોક્ટરોને અગાઉ કોરોના થયો હતો. જોકે આશ્ચર્યની વાત એ છે કે બે ડોઝ લીધા પછીના 32 દિવસે એક તબીબને કોરોના પણ થયો હતો. તમામ ડોક્ટરોએ કોવિશિલ્ડ વેક્સિન લીધી છે. ડોક્ટરોનું કહેવું છે કે વેક્સિન લીધા પછી પણ કોરોનાથી બચવા માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે. તેનું કારણ એ છે કે એન્ટીબોડી હોય તેવા વ્યક્તિ એન્ટીબોડી વિનાના વ્યક્તિને મળે તો તેમાંથી પણ ચેપ લાગવાની સંભાવના છે. એન્ટીબોડી શરીરમાં કેટલા દિવસ સુધી રહે છે તે હજુ સુધી સ્પષ્ટ નથી.

કોરોના થયો હતો તેવા બે ડોક્ટરોમાં એન્ટીબોડી 130થી વધુ, એકથી વધુ વેલ્યુ આવે તો એન્ટીબોડી બની ગણાય

રસીથી એન્ટીબોડી બને છે પણ કેટલો સમય રહે તે હજુ અસ્પષ્ટ
નામ : ડો. વિનોદ શાહ (69)
પહેલો ડોઝ : 16 જાન્યુઆરી
બીજો ડોઝ : 17 ફેબ્રુઆરી
રસીથી એન્ટીબોડી બને છે. તે કેટલો સમય સુધી રહે તે અંગે હજુ કોઇ રિસર્ચ થયું નથી. પરંતુ બંને ડોઝ લીધા પછી પણ કોરોના થઇ શકે છે. એટલે માસ્ક પહેરવું જરૂરી છે.

કોરોના થયા પછી રસી લીધી, એન્ટીબોડી સૌથી વધુ આવી
​​​​​​​નામ : ડો. હિતેન્દ્ર મોદી (68)
પહેલો ડોઝ : 20 ડિસેમ્બર
બીજો ડોઝ : 18 ફેબ્રુઆરી
ડિસેમ્બરમાં કોરોના થયો હતો. જાન્યુઆરીમાં રસી મુકાવી હતી. મને લાગે છે કે કોરોના થયા પછી એન્ટીબોડી ડેવલપ થયા હતા. રસી લીધા બાદ તેમાં વધારો થયો છે.

વેક્સિન લેવાથી શરીરમાં એન્ટીબોડી ડેવલપ થાય છે
નામ : ડો. નીતિન ગર્ગ (50)
પહેલો ડોઝ : 16 જાન્યુઆરી
બીજો ડોઝ : 17 ફેબ્રુઆરી
રસી લીધાના 15 દિવસે એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યા હતા. જેમાં 7 વેલ્યુ આવી છે. આનો અર્થ એ છે કે એન્ટીબોડી ડેવલપ થયા છે. મેં માતા-પિતાને પણ રસી મુકાવી છે.

જુલાઇમાં કોરોના, ફેબ્રુ.માં રસી લીધી, એન્ટીબોડી 150થી વધુ
નામ : ડો. અશોક પટેલ (52)

પહેલો ડોઝ : 21 જાન્યુઆરી
બીજો ડોઝ : 18 ફેબ્રુઆરી
જુલાઇમાં કોરોના થયો હતો. હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી. વેક્સિન લીધા પછી એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યા હતા. જેમાં પોઝિટિવનું પ્રમાણ 150થી વધુ છે.

કોરોનાનો IGG ટેસ્ટ નેગેટીવ પણ રસી બાદ એન્ટીબોડી બની
​​​​​​​નામ : ડો. ધિરેન પટેલ (48)

પહેલો ડોઝ : 23 જાન્યુઆરી
બીજો ડોઝ : 20 ફેબ્રુઆરી
એક્સ્પોઝર વધારે હોવાથી રસી લેતા પહેલા કોરોનાના IGG (એન્ટીબોડી) કરાવ્યા હતા. જે નેગેટીવ આવ્યો હતો. રસી લીધાના 30 દિવસે એન્ટીબોડી પોઝિટિવ આવ્યા છે.

એન્ટીબોડી પોઝિટિવ આવે છતાં માસ્ક પહેરવું જરૂરી છે
નામ : ડો. રોનક નાગોરી (39)
પહેલો ડોઝ : 16 જાન્યુઆરી
બીજો ડોઝ : 15 ફેબ્રુઆરી
રસીના બંને ડોઝ લીધા પછી 20 દિવસે એન્ટીબોડીના ટેસ્ટ કરાવ્યો હતો.જોકે વેક્સિન લીધા પછી પણ તમામ લોકોએ માસ્ક પહેરવું જરૂરી છે. જેથી અન્ય કોઇને ચેપ લાગે નહીં.

રસી પહેલા એન્ટીબોડી વેલ્યુ 0.6 હતી પછી 1.13 થઇ
નામ : ડો. અનિલ ગોસ્વામી (60)

પહેલો ડોઝ : જાન્યુઆરી
બીજો ડોઝ : ફેબ્રુઆરી
રસી લીધા પહેલા પણ એન્ટીબોડી ચેક કરાવ્યા હતા. જે માત્ર 0.6 હતા. રસી લીધાના 32 દિવસ પછી ફરીથી મેં એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યો હતો જેમાં 1.13 વેલ્યુ જોવા મળી છે.

રસી લીધાના 20 દિવસ પછી એન્ટીબોડી બની હતી
નામ : ડો. મહેન્દ્ર ચૌહાણ (57)

પહેલો ડોઝ : 16 જાન્યુઆરી
બીજો ડોઝ : 17 ફેબ્રુઆરી
મને હજી કોરોના થયો નથી. વેક્સિન શરૂ થઇ તે દિવસે પહેલો ડોઝ લીધો હતો. બંને ડોઝ પૂરા થયાના 15થી 20 દિવસ પછી એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યો હતો.

રસીના બે ડોઝ પછી કોરોના થયો, પણ લક્ષણો સામાન્ય
નામ : હિરલ શાહ (41)

પહેલો ડોઝ : 16 જાન્યુઆરી
બીજો ડોઝ : 17 ફેબ્રુઆરી
રસીના બંને ડોઝ લીધાના 32 દિવસ પછી કોરોના થયો છે. જોકે ડોક્ટરના કહેવા મુજબ રસી લીધી હોવાના કારણે લક્ષણો માત્ર સામાન્ય જોવા મળ્યા છે.

પહેલા ક્યારેય કોરોના થયો નથી, રસીથી એન્ટીબોડી બન્યા
​​​​​​​નામ : ડો. મિતાલી ગર્ગ (48)

પહેલો ડોઝ : 16 જાન્યુઆરી
બીજો ડોઝ : 17 ફેબ્રુઆરી
અગાઉ કોરોના થયો નથી. રસી લીધાના 20 દિવસ પછી એન્ટીબોડી કરાવ્યા હતા, જે પોઝિટિવ આવ્યા છે. આનો અર્થ એ થાય છે કે રસીથી શરીરમાં એન્ટીબોડી બને છે.

​​​​​

અન્ય સમાચારો પણ છે...