લાઇફ ટાઇમ ગ્રુપ નામની લેભાગુ કંપનીમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણના નામે 1200 લોકોના 15 કરોડ રૂપિયા ચાઊં કરનારા કંપનીના ચાર ડિરેક્ટરોને સુરત સીઆઇડી ક્રાઇમે ઝડપી પાડયા છે. ઝડપાયેલા આરોપીઓમાં નરેશ ભીખુ પટેલ(રહે,જલાશિવ સોસા,બિલીમોરા), પ્રકાશ રમેશ પટેલ(રહે,મહાવીર કોમ્પલેક્ષ, જુના વલસાડ), સંદીપ મનુ પટેલ(રહે,ધકવાડા માળી ફળિયા, નવસારી) અને પ્રજ્ઞેશ હરિલાલ પટેલ(રહે,વેલવાય, કુંડી ફળિયા, વલસાડ)ને સીઆઈડી ક્રાઇમે કોર્ટમાં રજૂ કર્યા હતા.
કોર્ટએ તમામને 17મી તારીખ સુધીના પોલીસ રિમાન્ડ આપ્યા છે. જેમાં આરોપી પ્રકાશ પટેલ અને નરેશ પટેલ બિલીમોરામાં વર્ષ 2017માં ચીટિંગમાં પકડાયો હતો. જયારે પ્રજ્ઞેશ પટેલ વલસાડ, પારડી, નવસારી રૂરલ અને બિલીમોરામાં ચીટિંગ અને દારૂના ગુનામાં પકડાયો હતો. ઉપરાંત સંદીપ પટેલ સુરત ક્રાઇમબ્રાંચ અને બિલીમોરામાં ચીટિંગના ગુનામાં પકડાયો હતો. આ ટોળકીનો માત્ર બિલીમોરાના રોકાણકારો ભોગ બન્યા છે. લાઇફ ટાઇમ ગ્રુપે પેન્શન, ફિક્સ ડિપોઝીટ, મંથલી ઈન્કમ પ્લાન, જેવી જુદી જુદી લોભામણી સ્કીમો ખોલી હતી. આ સ્કીમોમાં લેભાગુ કંપનીના ડિરેકટરોએ 16 એજન્ટો મારફતે 1200 જેટલા લોકો પાસેથી 10 કરોડની રકમ રોકાણ કરાવી હતી.
અચાનક કંપનીને નુકશાન થતા વર્ષ 2014માં કંપનીના તાળાં લાગી ગયા હતા. ત્યાર પછી રોકાણકારોને વ્યાજ સાથે 15 કરોડની રકમ આપવાની થતી હતી. જો કે લેભાગુ કંપનીના ડિરેકટરોએ લોકોની કરોડોની રકમ ઓહ્યા કરી છેલ્લા 10 વર્ષથી ભાગતા ફરતા હતા. આ બાબતે રોકાણકારે વર્ષ 2021માં સીઆઈડી ક્રાઇમમાં ગુનો નોંધાવ્યો હતો. ત્યાર પછી ડિરેકટરો ભાગતા ફરતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.