ભાસ્કર એક્સક્લૂઝિવ:14 મહિનાની ‘સ્કૂલ બંધી’થી સ્ટેશનરી-યુનિફોર્મ વેપારને 2000 કરોડનો ફટકો, 500 ફેક્ટરી બંધ; સ્ટેશનરી સેક્ટરને 1 હજાર કરોડનું નુકસાન

સુરત5 મહિનો પહેલાલેખક: અનુપ મિશ્રા
  • કૉપી લિંક
પેકિંગ નથી ખૂલ્યાં: સુરતમાં એક વેપારીના ગોડાઉનમાં 1 વર્ષથી સ્ટેશનરી આઈટમનું પેકિંગ પણ ખૂલી શક્યું નથી. ખોટ ખાઈને ભાડા ભરવાની નોબત.  - Divya Bhaskar
પેકિંગ નથી ખૂલ્યાં: સુરતમાં એક વેપારીના ગોડાઉનમાં 1 વર્ષથી સ્ટેશનરી આઈટમનું પેકિંગ પણ ખૂલી શક્યું નથી. ખોટ ખાઈને ભાડા ભરવાની નોબત. 
  • કોરાનાકાળમાં ગુજરાતમાં બુક્સ, નોટ-ચોપડા, યુનિફોર્મની માગ જ ખતમ
  • વેપારીઓ સ્ટેશનરી અને સ્કૂલ યુનિફોર્મનો બિઝનેસ છોડીને બીજો ધંધો કરવા મજબૂર
  • કાગળના ભાવ 15% સુધી વધી જતા હાલત કફોડી બની, ખોટ વધીને 4 હજાર કરોડે પહોંચવાનું અનુમાન

કોરોના મહામારીને કારણે 14 મહિનાથી સ્કૂલો બંધ છે અને બાળકો ઓનલાઇન અભ્યાસ કરી રહ્યાં છે. પરીક્ષા પણ ઓનલાઇન થઇ રહી છે. શિક્ષણની આ નવી પેટર્ને સ્ટેશનરી, સ્કૂલ યુનિફોર્મ તથા શિક્ષણ સાથે જોડાયેલા અન્ય વેપારીઓની કમર તોડી નાખી છે. સ્ટેશનરીના વેપારમાં મેન્યુફેક્ચરર્સ, રિટેલર્સ અને હોલસેલર્સને છેલ્લા 1 વર્ષમાં 1 હજાર કરોડ રૂ.ની ખોટ ગઇ છે. બુક સેલર અને સ્ટેશનરી એસોસિએશનના જણાવ્યા પ્રમાણે આ ખોટ 2 હજાર કરોડ રૂપિયાથી પણ વધારે છે.

બુક્સ-નોટબુક: ગોડાઉન બુક્સ-નોટબુકથી ભરેલા પડ્યાં છે. ફેક્ટરીઓ બંધ હોવાથી મશીનો ખરાબ થતા ઘણા વેપારીઓએ મશીનો વેચી દીધા
બુક્સ-નોટબુક: ગોડાઉન બુક્સ-નોટબુકથી ભરેલા પડ્યાં છે. ફેક્ટરીઓ બંધ હોવાથી મશીનો ખરાબ થતા ઘણા વેપારીઓએ મશીનો વેચી દીધા

કાગળના ભાવ 15 ટકા ભાવ વધ્યા
કોરોનાની ત્રીજી લહેરની આશંકાને કારણે આગામી કેટલાક મહિનામાં આ ખોટ બમણી થઇને 4 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. સ્થિતિ એ છે કે બુક્સ અને નોટ-ચોપડા છાપતી અનેક ફેક્ટરીઓ મહિનાઓથી બંધ છે, કેમ કે ઓર્ડર જ નથી. સ્ટેશનરી સેક્ટરમાં મંદી છતાં કાગળના ભાવ ઘટવાને બદલે વધ્યા છે. 1 વર્ષમાં કાગળના ભાવ 15% સુધી વધી ગયા છે. સ્કૂલો બંધ હોવાથી બુક્સ, નોટ-ચોપડા, પેન-પેન્સિલ, સ્કૂલ યુનિફોર્મ તથા અન્ય સ્ટેશનરી આઇટમ્સની માગ સાવ ઘટી ગઇ છે.

યુનિફોર્મનો બગાડ: ફેક્ટરીઓમાં તૈયાર થયેલા સ્કૂલ યુનિફોર્મ પડ્યા રહીને બગડી ગયા છે. અનેક જગ્યાએથી ઉંદર કાતરી ગયા છે.
યુનિફોર્મનો બગાડ: ફેક્ટરીઓમાં તૈયાર થયેલા સ્કૂલ યુનિફોર્મ પડ્યા રહીને બગડી ગયા છે. અનેક જગ્યાએથી ઉંદર કાતરી ગયા છે.

અનેક વેપારીની ફેક્ટરીઓ બંધ
કોરોના પૂર્વે નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સ્ટેશનરી, સ્કૂલ યુનિફોર્મ મેન્યુફેક્ચર્સ પાસે હજારો-લાખો રૂપિયાના ઓર્ડર આવતા અને તેમણે દિવસ-રાત કામ કરવું પડતું હતું. હવે તેઓ ફેક્ટરીઓ બંધ કરીને ઘેર બેઠા છે. ફેક્ટરીઓમાં તૈયાર માલ ખરાબ થઇ રહ્યો છે. વાલીઓનું કહેવું છે કે ઓનલાઇન સ્ટડીને કારણે બુક્સની જરૂર જ નથી પડતી તો શું કામ ખરીદીએ?

12000થી વધુ વેપારીઓ પર સંકટ
ગુજરાત બુક સેલર એન્ડ સ્ટેશનરી એસોસિયેશનના પ્રમુખ નરેશ શાહે કહ્યું કે એક વર્ષમાં સ્ટેશનરી વેપાર ઠપ થઇ ગયો છે. સ્ટેશનરીની કોઈ વસ્તુ વેચાઈ રહી છે. તેના કારણે સમગ્ર રાજ્યના 12,000થી વધુ સ્ટેશનરી બુક્સ રિટેલર તથા હોલસેલર માટે પરિવારનું ગુજરાન મુશ્કેલ થઇ રહ્યું છે. એક વર્ષમાં 1000 કરોડ રૂ.થી વધુ નુકસાન થયું છે.

500 સ્ટેશનરી ફેક્ટરીને તાળાં
સમગ્ર ગુજરાતમાં બુક્સ અને નોટબુક છાપતી અને સ્ટેશનરી બનાવતી આશરે 500 ફેક્ટરીને તાળાં વાગી ગયાં છે. લાંબા સમયથી બંધ હોવાથી અનેક ફેક્ટરીઓના મશીન બગડી ગયાં છે, જે વેચી દેવા પડ્યાં છે. અનેક વેપારીઓએ નુકસાનને કારણે ફેક્ટરીઓ બંધ કરી દીધી અને મશીનો અડધા ભાવે વેચી કાઢ્યાં. જેમની ભાડે ફેક્ટરીઓ હતી તેમણે કામ બંધ કરી દીધું.

સુરત શહેરમાં 300થી વધુ દુકાન
એકલા સુરત શહેરમાં સ્ટેશનરીની 300થી વધુ દુકાનો છે. દુકાનકારો કહે છે કે ગત 1 વર્ષથી સ્કૂલ-કોલેજના બુક-નોટબુક વેચાયા નથી. સ્ટેશનરી આઈટમ પણ કોઈ ખરીદવા નથી આવતું. સવારે દુકાન ખૂલવાથી લઇને સાંજ સુધી ફક્ત પેન, પેન્સિલ કે પછી ગેમ્સની આઈટમ વેચાય છે. અભ્યાસની વસ્તુઓ કોઈ ખરીદતું નથી. ગત 1 વર્ષમાં વેપાર સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે.

13 રૂપિયા મોંઘો થયો કાગળ
સ્ટેશનરી વેપાર ઠપ છે પણ કાગળના ભાવ ઘટવાના બદલે વધ્યા છે. જે પેપર 52 રૂપિયે કિલોના ભાવે મળતો હતો તે હવે 65 રૂપિયે કિલો થઇ ગયો છે. વેપારીઓ કહે છે કે આ સ્થિતિમાં કાગળ ખરીદવાનું ભારે પડી રહ્યું છે. આગામી બે મહિનામાં કાગળના ભાવ હજુ વધી શકે છે. ગત એક વર્ષમાં વેપાર કે માગ વિના જ પેપર 13 રૂપિયા પ્રતિ કિ.ગ્રા. મોંઘો થઈ ગયો છે.

  • કોરોનાની ત્રીજી લહેરની આશંકા છે, જેમાં બાળકોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. એવામાં સ્કૂલ સંબંધિત તમામ વેપાર પર માઠી અસર થશે. આગામી એક વર્ષ સુધી સ્કૂલો ખૂલે એવું લાગતું નથી. આ કારણે સ્ટેશનરી, સ્કૂલ ઓટો વાન સંચાલક, સ્કૂલ યુનિફોર્મ મટીરિયલ સપ્લાયર સહિત અન્ય વેપારીઓની હાલત કફોડી થઈ ચૂકી છે અને આગળ તેનાથી પણ વધુ બદતર સ્થિતિ થવાની છે. જે રીતે કોરોના અસર કરી રહ્યો છે તેનાથી ઓનલાઈન એજ્યુકેશન પર વધારે ભાર મુકાઈ રહ્યો છે. > દીપક રાજગુરુ, પ્રવક્તા, સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મહામંડળ

સ્કૂલ યુનિફોર્મ બનાવવાનું બંધ કરીને નોકરી શરૂ કરી
સ્કૂલ યુનિફોર્મ બનાવતા રસિકભાઇએ જણાવ્યું કે અમારો વેપાર સંપૂર્ણપણે બંધ થઇ ચૂક્યો છે. દર વર્ષે 50 લાખનો વેપાર થઇ જતો પણ આ વખતે બધું બંધ છે. મારા દીકરના પગારથી ઘર ચલાવું છું. સુરતમાં સ્કૂલ યુનિફોર્મની અંદાજે 100 દુકાન છે. મોટા વેપારીઓ પણ છે. સ્કૂલ યુનિફોર્મનો સુરતમાં વાર્ષિક 100 કરોડ અને આખા ગુજરાતમાં 1,500 કરોડ રૂ.નો વેપાર થતો હતો. માગ ન હોવાથી વેપારીઓએ બીજો કોઇ ધંધો શરૂ કરી દીધો છે.

ફેક્ટરીઓમાં ઉંદર બુક્સ, નોટ બુક્સ, યુનિફોર્મ કાતરી ગયા
કોરોનાને કારણે ડિજિટલ એજ્યુકેશનનું ચલણ શરૂ થઇ ગયું છે. હવે કમ્પ્યૂટર, ટેબ્લેટ કે એન્ડ્રોઇડ મોબાઇલથી ઓનલાઇન અભ્યાસ થાય છે, જેમાં બુક્સની કે નોટબુક્સની જરૂર નથી પડતી. સ્ટેશનરી આઇટમ્સની માગ ઘટી ગઇ છે. સ્થિતિ એવી છે કે ફેક્ટરીઓમાં તૈયાર યુનિફોર્મ, બુક્સ અને નોટ-ચોપડા ઉંદરો કાતરી રહ્યા છે. હવે ચોમાસુ પણ આવી જતાં યુનિફોર્મ, બુક્સ, નોટ-ચોપડા સાચવવા મુશ્કેલ બનશે.