સુરત મહાપાલિકા 1344 કરોડનું દેશનું સૌથી ઉંચુ વહીવટી ભવન બનાવશે. જેમાં 4 માળ અંડરગ્રાઉન્ડમાં 4400 વાહનો પાર્ક થશે. ભૂમિપૂજનના આઠ વર્ષ બાદ નવા વહીવટી ભવનના નિર્માણના ટેન્ડરને શનિવારે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી હતી.
પાલિકાના નવા વહીવટી ભવન નિર્માણ માટે અગાઉ ટેન્ડર જાહેર કરાયા બાદ પણ પ્રતિસાદ ન મળતાં બીજા પ્રયાસમાં સિંગલ ટેન્ડર છતાં PSP એજન્સીને 1344 કરોડનું ટેન્ડર મંજૂર રખાયું હતું. 8 વર્ષથી વિવાદોમાં અટવાયેલાં પ્રોજેક્ટની કોસ્ટ વધતા પાલિકાએ 1089 કરોડના ખર્ચના અંદાજ સાથે ટેન્ડર જાહેર કર્યાં હતાં.
જોકે શનિવારે 23.33 ટકા ઊંચી કિંમતે ટેન્ડર સોંપાતા પાલિકા પર આર્થિક ભારણ વધવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ હતી. ડુમસ સી-ફેસ પ્રોજેક્ટના ઝડપથી વિકાસ માટે ગયા અઠવાડિયે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સાથે પાલિકા અધિકારીઓની સંકલન બેઠક મળી હતી.
વહીવટી ભવન 36 મહિનામાં બનશે, દક્ષિણ ગુજરાતની 105.4 મીટરની સૌથી ઉંચી બિલ્ડિંગ હશે
આઇકોનિક વહીવટી ભવનના નિર્માણ માટે પાલિકાએ રજૂ કરેલા 1089 કરોડના અંદાજ સામે એકમાત્ર ટેન્ડરર PSP પ્રોજેક્ટે 1364 કરોડની બીડ ભરી હતી. જેમાં 20 કરોડનો ઘટાડો પાલિકાએ કરાવ્યો હોવાનું સ્ટેન્ડિંગે જણાવ્યું હતું. આ ઇમારત 36 મહિનામાં સાકાર કરવાની શરતે ટેન્ડર સોંપાયું હતું. જેમાં 5 વર્ષના ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સને સમાવી લેવાયું છે.
લોકોની સરળતા માટે નવા ભવનમાં 36 લીફટ મુકાશે
હેલીપેડ સાથેની સુવિધા ધરાવતી દ.ગુ.ની સૌથી ઉંચી ઇમારત અને દેશની સૌથી વધુ ઉંચાઇ ધરાવતી સરકારી કચેરી સુરત પાલિકાના સૂચિત નવા વહીવટી ભવનમાં 36 લીફ્ટની સુવિધા રહેશે.
1500 કાર અને 2900 ટુવ્હિલ પાર્ક થઇ શકશે
ગ્રાઉન્ડ પ્લસ 27 માળની બંને બિલ્ડિંગ શહેરની સૌથી ઊંચી ઇમારત બની જશે. બિલ્ડિંગના ગ્રાઉન્ડથી 4 માળ સુધી નીચે બૅઝમેન્ટ બનશે. જ્યાં 1500 કાર, 2900 ટુવ્હિલ પાર્ક થઇ શકશે.
200 લોકોની ક્ષમતાવાળું બોર્ડ મિટિંગ હોલ બનશે
નવા ભવનમાં જનરલ બોર્ડ મિટિંગ હોલમાં 200 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાશે. 100ની કેપેસિટીવાળું સ્ટેન્ડિંગ કમિટી હોલ, 35 લોકોની ક્ષમતા વાળા 6 કમિટી રૂમ, 50ની કેપેસિટી વાળી કમિશનર ઓફિસ હશે.
35% પાણી બચશે, વપરાયેલું પાણી બિલ્ડિંગમાં રિ-યૂઝ થશે
105.4 મીટર ઊંચાઇના બે ટાવરના ટેરેસ પર સોલાર પ્લાન્ટ સ્થપાશે. જેથી બિલ્ડિંગમાં વીજળી ઉપકરણો કાર્યરત રહે તે માટે આધુનિક પાવર પ્લાન્ટ પણ ગોઠવાશે. બિલ્ડિંગની સમગ્ર ઓફિસોમાં વપરાશ પાત્ર વીજળી પૈકી 7 ટકા એનર્જી સોલાર પ્લાન્ટ પર નિર્ભર રહેશે.
ટાવર-A, મિટિંગ રૂમ, લાયબ્રેરી સિક્યોરીટી એન્ડ સર્વેલન્સ રૂમ
ટાવર-Aમાં કચેરીઓ રહેશે. જેમાં પ્રથમ 4 માળ સુધી પોડિયમ સ્લોટ એટલે જાહેર જનતાને ઉપયોગી નાગરીક સુવિધા કેન્દ્ર, સિટિંગ એરિયા, મિટિંગ રૂમ, લાયબ્રેરી, સિક્યોરીટી & સર્વેલન્સ રૂમ, ચૂંટાયેલી-વહીવટી પાંખની ઓફિસો રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.