નાના વરાછામાં રહેતી 56 વર્ષીય વિધવાએ સોશિયલ મીડિયા થકી લંડન રહેતા યુવકની સાથે લગ્ન કરવાના ચક્કરમાં 12.15 લાખની રોકડ અને દાગીના ગુમાવ્યા છે. ગઠિયાએ લંડન રહેતો હોવાની અને નામ આશીષ હોવાનું કહી વિધવા સાથે છેતરપિંડી કરી હતી. તેણે વિધવાને કહ્યું કે તમે વિધવા છો અને હું એકલો છું, તો આપણે જીવનસાથી બની જઈએ. બોલો શું વિચાર છે? મારી રેમન્ડ કંપનીની શોપ છે તેમજ રાજકોટમાં જમીન-ફાર્મ છે. હું તમને લંડન લઈ જઈશ.તેવું કહી છેતરપિંડી કરનારને ઝડપી લેવામાં આવ્યો હતો.
લગ્ન કરવાના ચક્કરમાં 12.15 લાખની રોકડ અને દાગીના ગુમાવ્યાં
ગઠિયાએ વિધવાનો પાસપોર્ટ અને વિઝાની પ્રોસેસ ચાલુ કરાવી હોવાનું કહી ‘રાજકોટમાં મારી જમીનનું કામ કરતા મહેશ ગોસ્વામીને આંગડિયામાં રૂપિયા મોકલી આપ, તે મને મોકલી દેશે’ એવું કહેતાં વિધવાએ બે પાર્ટમાં 5.15 લાખ મોકલી આપ્યા હતા. રકમ મળી જતાં ગઠિયાએ કહ્યું કે વિમાનમાં સોનાના દાગીના લાવી શકાશે નહિ. આથી તમે દાગીના પણ મહેશને આપી દો. ગઠિયાએ તેના સાગરીતને કામરેજ ચાર રસ્તા પાસે દાગીના લેવા મોકલ્યો હતો. જ્યાં ગઠિયાના સાગરીતે પહેલા તો વિધવાનો તેનો ફોટો બતાવ્યો હતો. આથી વિધવાએ વિશ્વાસ કરી તેને 13 તોલાના સોનાના દાગીના રૂ. 7 લાખની કિંમતના આપી દીધા હતા.
રોકડ-દાગીના મળી ગયા હોવાનો ફોટો પણ મોકલ્યો
અઠવાડિયા પછી ઠગ આશિષે વિધવાને દાગીના મળી ગયા હોવાનો ફોટો પણ બતાવ્યો હતો. ત્યાર પછી વિધવા સાથે વાત કરવાનું ઓછું કરી દીધું હતું. આખરે લંડન ન લઈ જતાં વિધવાએ દાગીના અને રોકડની માગણી કરી તો ગઠિયો વાયદા કરવા માંડ્યો હતો. આખરે વિધવાએ પરિવારને આ બાબતે જાણ કરી હતી. છેવટે વિધવાએ સાઇબર ક્રાઇમમાં આ અંગે અરજી આપી હતી. જેના આધારે સાઇબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યો છે. વિધવા સાથે ગઠિયો એક વર્ષ પહેલાં સંપર્કમાં આવ્યો હતો.
રૂપિયા અને દાગીના લીધા બાદ સંપર્ક બંધ કરી દીધો
રૂપિયા અને દાગીના મેળવી લીધા બાદ ઇન્સ્ટાગ્રામ પર આશિષ પટેલના નામથી વાતચીત કરનાર વ્યક્તિએ મહિલા સાથે વાતચીત કરવાનું ઓછું કરી દીધું હતું. અને મહિલાએ રૂપિયા અને દાગીના પરત માંગતા તે ખોટા વાયદાઓ કરતો હતો જેથી આખરે મહિલાને પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનો અહેસાસ થતા મહિલાએ 5.15 લાખ રોકડા અને 7 લાખના દાગીના મળી કુલ 12.15 લાખની ઠગાઈની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવી હતી.
છેતપીંડી કરનારને પોલીસે મોરબીથી ઝડપી પાડયો
આ સમગ્ર બનાવ અંગે સુરત સાયબર ક્રાઈમના એસીપી યુવરાજ ગોહિલે જણાવ્યું હતું કે મહિલાની ફરિયાદના આધારે તપાસ શરુ કરવામાં આવી હતી અને આ ગુનામાં મોરબી જિલ્લાના આમરણ ગામ ખાતે રહેતા આરોપી મહેશભાઈ લાભુપરી ગોસાઈની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી 7 લાખના કિંમતના દાગીના પણ રીકવર કરવામાં આવ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપી કરીયાણાના વેપાર સાથે સંકળાયેલો છે. આરોપીએ ફેક ઇન્સટાગ્રામ આઈ.ડી. બનાવી ઠગાઈ આચરી હતી. તેમજ આરોપીએ આવી રીતે અન્ય કોઈ સાથે ઠગાઈ કરી છે કે કેમ તે મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.