લંડનના સપના બતાવી છેતરનાર ઝડપાયો:સુરતની વિધવાને લગ્ન કરી ઈંગ્લેન્ડ લઈ જવાની લાલચ આપી દાગીના સહિતના 12 લાખ પડાવનાર મોરબીથી પકડાયો

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિધવા મહિલાને લગ્ન કરી લંડન લઇ જવાની લાલચ આપી રૂ 12 લાખ થી વધુની છેતરપિંડી કરનાર ઝડપાયો - Divya Bhaskar
વિધવા મહિલાને લગ્ન કરી લંડન લઇ જવાની લાલચ આપી રૂ 12 લાખ થી વધુની છેતરપિંડી કરનાર ઝડપાયો

સુરતમાં રહેતી 56 વર્ષીય વિધવા મહિલાને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી મિત્રતા કેળવ્યા બાદ લગ્ન કરી લંડન લઇ જવાની લાલચ આપી ભેજાબાજે 5.15 લાખ રોકડા તેમજ 7 લાખના દાગીના પડાવી લીધા હતા. જો કે મહિલાને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે તપાસ કરી મોરબી જિલ્લામાંથી આરોપીને ઝડપી પાડી તેની પાસેથી 7 લાખના દાગીના કબજે કર્યા હતા.

લગ્નની લાલચ આપી મહિલાને લંડન જવાની લાલચ આપી

સુરતમાં રહેતી 56 વર્ષીય વિધવા મહિલાને વર્ષ 2022ના ફ્રેબુઆરી મહિનામાં ઇન્સ્ટાગ્રામમાં આશિષ પટેલ નામના આઈ.ડી. પરથી મેસેજ આવ્યો હતો અને બંને વચ્ચે વાતચીત શરુ થઇ હતી.બંને દરરોજ વાતચીત કરતા હતા અને બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. દરમ્યાન મહિલાએ પોતાની બધી વાત તેને કરી હતી. જેથી આશિષે જણાવ્યું હતું કે તમે વિધવા છો અને હું પણ એકલો છું તો આપને બંને જીવનસાથી બની જઈએ તેમ કહી મહિલાનો વિશ્વાસ કેળવી લીધો હતો. અને બાદમાં હાલ હું લંડનમાં રહું છું અને મારે રેમન્ડ કંપનીની શોપ છે. તેમજ રાજકોટમાં જમીન તથા ફર્મ આવેલા છે, હું તારી સાથે લગ્ન કરી તને પણ લંડન ખાતે લઇ જઈશ તેવી લાલચ આપી વિશ્વાસમાં લઇ લીધા હતા.

મહિલાના રૂપિયા ને દાગીના પડાવી લીધા

વધુમાં મહિલાને લગ્ન કરી લંડન લઇ જવાનું કહી તેમના પાસપોર્ટ અને વિઝાની પ્રોસેસ ચાલુ કરવાનું જણાવી રાજકોટમાં તેની જમીનનું કામ કરતા મહેશભાઈ ગૌસ્વામીને આંગડીયા મારફતે 5.15 લાખ મોકલવાનું કહેતા મહિલાએ ટુકડે ટુકડે રુપિયા મોકલી આપ્યા હતા.ત્યારબાદ આશિષે તમારી પાસે સોનાના દાગીના હોય તો તે તમે વિમાનમાં લઇને આવી શકશો નહી જેથી તમે મારા કામદારને દાગીના લેવા મોકલીશ તમારા બધા દાગીના તેને આપી દેજો તમે લંડન આવશો ત્યારે તમને દાગીના પરત આપી દઈશ તેમ જણાવી કામરેજ ચાર રસ્તા ખાતે એક વ્યક્તિ આવ્યો હતો જેને મહિલાએ 7 લાખની કિમતના દાગીના પણ આપી દીધા હતા.

રૂપિયા અને દાગીના લીધા બાદ સંપર્ક બંધ કરી દીધો

રૂપિયા અને દાગીના મેળવી લીધા બાદ ઇન્સ્ટાગ્રામ પર આશિષ પટેલના નામથી વાતચીત કરનાર વ્યક્તિએ મહિલા સાથે વાતચીત કરવાનું ઓછું કરી દીધું હતું. અને મહિલાએ રૂપિયા અને દાગીના પરત માંગતા તે ખોટા વાયદાઓ કરતો હતો જેથી આખરે મહિલાને પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનો અહેસાસ થતા મહિલાએ 5.15 લાખ રોકડા અને 7 લાખના દાગીના મળી કુલ 12.15 લાખની ઠગાઈની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવી હતી.

છેતપીંડી કરનાર ને પોલીસે મોરબી થી ઝડપી પાડયો

આ સમગ્ર બનાવ અંગે સુરત સાયબર ક્રાઈમના એસીપી યુવરાજ ગોહિલે જણાવ્યું હતું કે મહિલાની ફરિયાદના આધારે તપાસ શરુ કરવામાં આવી હતી અને આ ગુનામાં મોરબી જિલ્લાના આમરણ ગામ ખાતે રહેતા આરોપી મહેશભાઈ લાભુપરી ગોસાઈ ની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી 7 લાખના કિમંતના દાગીના પણ રીકવર કરવામાં આવ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આરોપી કરીયાણાના વેપાર સાથે સંકળાયેલો છે. આરોપીએ ફેક ઇન્સટાગ્રામ આઈ.ડી. બનાવી ઠગાઈ આચરી હતી. તેમજ આરોપીએ આવી રીતે અન્ય કોઈ સાથે ઠગાઈ કરી છે કે કેમ તે મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...