ઉત્તરાયણના દિવસે શહેરની લગભગ તમામ ઇમારતો પર બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધીની ઉંમરના લોકો પતંગ ચગાવતા નજરે પડે છે. પરંતુ આ વખતે સુરતમાં બનેલો સૌથી મોટો અને મહાકાય પતંગ બીજા બધા પતંગોની પેચ કાપશે. સુરતમાં રહેતા અને છેલ્લા 10 વર્ષથી અજય રાણા મોટા પતંગ બનાવી રહ્યા છે. તેઓએ 4 ફૂટથી લઈને 10 ફૂટ સુધીના મોટા પતંગ બનાવતા આવ્યા છે. ગયા વર્ષે તેમણે 25 ફૂટનો પતંગ બનાવ્યો હતો અને આ વર્ષે તેમણે પતંગ રસિકની ડિમાન્ડને લઈને 12 ફૂટનો મોટો પતંગ તૈયાર કર્યો છે. આ પતંગ બનાવવા માટે તેમને 6 દિવસ લાગ્યા છે.
સ્ટોપ રેપનો સંદેશ પણ પતંગ પર લખ્યો
ગયા વર્ષે તેઓએ કોરોનાની થીમ પર પતંગ બનાવ્યો હતો. જ્યારે આ વર્ષે તેઓએ ઓમિક્રોનથી બચવાનો સંદેશ પતંગ પર આપ્યો છે. લોકોને માસ્ક પહેરવાની પણ અપીલ કરી છે. એટલું જ નહીં બાળકીઓ પર જે બળાત્કારની ઘટનાઓ બને છે, તેના માટે જાગૃતિ લાવવા સ્ટોપ રેપનો સંદેશ પણ આ પતંગ થકી આપવામાં આવ્યો છે. ગણપતિનો તહેવાર હોય કે નવરાત્રીનો તહેવાર હોય જનજાગૃતિ માટેના સંદેશ આપવા ખૂબ જ જરૂરી બની રહે છે. નવરાત્રિ દરમિયાન ટેટૂ કરાવવામાં આવે છે તો ગણપતિ દરમિયાન ગણેશ મંડપમાં અલગ અલગ તેમનું આયોજન કરીને સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે.
લોકોને વધુમાં વધુ જાગૃત થઇને માસ્ક પહેરવા અપીલ
અજય રાણાએ જણાવ્યું કે હું દર વર્ષે કંઇક નવા પ્રકારની થીમ ઉપર મોટા મહાકાય પતંગ બનાવું છું. ઉતરાયણનો તહેવાર એક પ્રકારે લોક સંદેશ આપવા માટેનો પણ મહત્વનો બની રહે છે. અલગ-અલગ સમાજની સમસ્યાઓને ઉજાગર કરવા અને તેમાંથી બહાર આવવા માટેના સંદેશો હું લખું છું. આ વખતે કોરોના સંક્રમણ દરમિયાન અલગ-અલગ વેરિયન્ટને કારણે આપણે મુશ્કેલીમાં મુકાયા છે. ઓમિક્રોન વેરિયન્ટ સામે આપણે સુરક્ષિત રહેવા માટે વેક્સિનની સાથે માસ્ક ખૂબ જરૂરી છે. હું લોકોને વધુમાં વધુ જાગૃત થઇને માસ્ક પહેરવા માટે અપીલ કરી રહ્યો છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.