સૂચના:પાલિકાના નવા ભવનની FSI વધતા આર્કિટેક્ટને 11.89 કરોડ ફી ચૂકવાશે

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાયી સમિતિએ ફેબ્રુઆરીમાં ટેન્ડર જાહેર કરવા સૂચના આપી

રિંગરોડ સ્થિત જૂની સબજેલ વાળી જમીનમાં મનપાના નવા મુખ્ય વહીવટી ભવનનું નિર્માણ કરાશે. આ વહીવટી ભવનમાં રાજ્ય તથા કેન્દ્ર સરકાર તાબાની કચેરીઓને પણ સમાવી લેવા વડાપ્રધાને કરેલાં આગ્રહ બાદ અલગ અલગ 2 ટાવરના બાંધકામની ડિઝાઇનને ટોલ બિલ્ડિંગ પોલિસીનો લાભ મળતા 3.50ની FSI વધીને હવે 5.4ની FSI ઉપયોગમાં લેવાશે. જેના પગલે અગાઉ 14.10 લાખ સ્ક્વેર ફૂટનું બાંધકામ વધીને હવે 23.50 લાખ સ્ક્વેર ફૂટનું થશે.

આ પ્રક્રિયાને પગલે સુચિત ભવન નિર્માણના આર્કિટેક્ટ કન્સલ્ટન્સીએ માંગેલો ફી વધારો ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટિએ મંજુર રાખી ફેબ્રુઆરીના અંત સુધીમાં નિર્માણ કાર્ય માટે ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરવા સૂચના આપી હતી. રિંગરોડ પર દક્ષિણ ગુજરાતની સૌથી ઊંચી બિલ્ડિંગ તરીકે નિર્માણ થનાર પાલિકાના નવા વહીવટી ભવનમાં રાજ્ય તથા કેન્દ્ર સરકારની ઓફિસો સમાવી લેવા તૈયારી કરી લેવાઇ છે. આ ભવનમાં કયા વિભાગને કેટલા સ્પેશની જરૂર છે? તેની માહિતી મેળવી અમદાવાદની આઇએનઆઇ ડિઝાઇન સ્ટુડિયો કંપની દ્વારા ડિઝાઇન તેમજ તેનું આર્કિટેક્ચર તૈયાર કરાઇ રહ્યું છે.

આ ભવનને ટોલ બિલ્ડિંગ નોટિફિકેશનનો લાભ મળતા FSIમાં વધારાને પગલે વધુ ઓફિસોને સમાવી લેવાશે. આ અંગેની ડિઝાઇન બનાવનાર આઇએનઆઇ કંપનીની પહેલાં 8.15 કરોડ ફી નક્કી થઇ હતી. જોકે, FSI વધતા ઇજારદારે ફીમાં વધારો કરી 12.31 કરોડ ફી નક્કી કરવા માંગ કરતી દરખાસ્ત ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ થતાં લાંબી ચર્ચાના અંતે 10 ટકા ઘટાડા બાદ કન્સલ્ટન્સીની કુલ 11.89 કરોડ ફી નક્કી થઇ હતી. સ્થાયી સમિતિએ દરખાસ્તને મંજૂરી આપી ફેબ્રુઆરીના અંત સુધીમાં નિર્માણ કાર્યની ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરવા પણ સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...