કાર્યવાહી:કતારગામની ઉમિયા ડેરીમાંથી ભેળસેળવાળું 113 કિલો ઘી જપ્ત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 13 કિલો માવો સીઝ, ફરિયાદ મળતા કાર્યવાહી

કતારગામની ઉમિયા ડેરી પર ફૂડ વિભાગ દ્વારા ભેળસેળ બાબતે ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ફૂડ વિભાગે ભેળસેળવાળું 113 કિલો ઘી જપ્ત કર્યુ હતું. ઉમિયા ડેરીના માલિક દ્વારા ભેળસેળ વાળું ઘી વેચવામાં આવતું હોવાની પાલિકાના આરોગ્ય વિભાગને વારંવાર ફરિયાદો કરાઇ હતી. આ ફરિયાદના પગલે ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી.

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઉમિયા ડેરીમાં વેચાતા પદાર્થોના સેમ્પલિંગ લેવાની શરૂઆત કરતા આસપાસની ડેરી સંચાલકો અને મીઠાઈના દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે. પાલિકાના ફૂડ વિભાગ દ્વારા ઉમિયા ડેરી સામે કરાયેલી કાર્યવાહી ભેળસેળવાળું 113 કિલો ઘી તેમજ 13 કિલો માવાના જથ્થાને પણ સીઝ કરવામાં આવ્યો.

ઉમિયા ડેરીમાંથી ઘી અને માવાના લીધેલાં સેમ્પલનો જ્યાં સુધી લેબોરેટરી રિપોર્ટ ના આવે ત્યાં સુધી આ જથ્થામાંથી ઘીનું કે માવાનું વેચાણ ન કરવાની સુચના ડેરીના માલિકને આપવામાં આવી છે. ઉમિયા ડેરી દ્વારા ભેળસેળવાળું ઘીનું વેચાણ કરાઇ રહ્યું હોવાની પાલિકાને વારંવાર ફરિયાદ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...