દુર્ઘટના:​​​​​​​સુરતના ભેસ્તાન આવાસમાં જર્જરિત બિલ્ડિંગની સીલિંગ તૂટીને રમી રહેલાં બાળકો પર પડી, 11 વર્ષની કિશોરીનું મોત

​​​​​​​સુરતએક મહિનો પહેલા
સ્લેબ માથ પર પડતાં કિશોરીનું સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.(ફાઈલ તસવીર).
  • મૂળ યુપીના રહેવાસી પરિવારે પુત્રી ગુમાવી

સુરતના ભેસ્તાન આવાસમાં ફરી એકવાર રમી રહેલી માસૂમ કિશોરી પર બિલ્ડિંગની સીલિંગ તૂટી પડતાં મોતને ભેટી હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. ગુરુવારની બપોરે બનેલી ઘટના બાદ સ્થાનિક લોકોએ પાલિકા સામે રોષ વ્યકત કર્યો હતો. સામાજિક કાર્યકર્તા હનુમાનજીએ જણાવ્યું હતું કે 6-8 મહિનામાં આ ત્રીજો અકસ્માત કહી શકાય છે. જર્જરિત બિલ્ડિંગનાં પોપડાં પડવાથી અનેક લોકો ઘવાયા છે.

બિલ્ડિંગમાંથી અવારનવાર પોપડાં પડતાં હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી હતી.
બિલ્ડિંગમાંથી અવારનવાર પોપડાં પડતાં હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી હતી.

સ્લેબ પડતાં ભાગદોડ મચી
મોહમ્મદ ફારુખ શેખ ઇસ્માઇલ (દીકરીના પિતા)એ જણાવ્યું હતું કે ગુલકશા (ઉં.વ. 11) ધોરણ-6માં અભ્યાસ કરતી હતી. ગુરુવારે બપોરે અચાનક વરસાદ શરૂ થઈ જતાં રમતાં રમતાં ઘર તરફ આવી રહી હતી. અચાનક બિલ્ડિંગ નંબર-13ની સીલિંગનો સ્લેબ 50 ફૂટ ઉપરથી ગુલકશા ઉપર પડતાં ભાગદોડ મચી ગઇ હતી. તેને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ગુલકશાનું આજે સવારે મોત નીપજ્યું હતું. તેઓ યુપીના રહેવાસી છે. તેમને સાત બાળક છે. ગુલકશા 6 નંબરની દીકરી હતી. પહેલી પત્નીનાં 5 બાળક અને બીજી પત્નીનાં બે બાળકમાં ગુલકશા બીજી પત્નીની દીકરી હતી.

સ્લેબનો કાટમાળ પડતાં કિશોરી સહિતના લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
સ્લેબનો કાટમાળ પડતાં કિશોરી સહિતના લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

વારંવાર દુર્ઘટના સર્જાતી હોવાની ફરિયાદ
હનુમાન ઉર્ફે રમાકાત શુકલા (સામાજિક કાર્યકર્તા)એ જણાવ્યું હતું કે 6 મહિનામાં જર્જરિત બિલ્ડિંગના સ્લેબ પડવાની ઘટનામાં લગભગ 3 જણનાં મોત થયાં હોય એમ કહી શકાય છે. અનેક લોકો વારંવાર આવી ઘટનામાં ઘવાયા છે. પાલિકાનું ઉદાસીન વલણ આવાસમાં રહેતા લોકો માટે જોખમી બન્યું છે. ન્યાય નહિ મળે તો આંદોલન કરીશું.