શિવસેનાના બળવાખોર MLAની જગ્યા બદલાશે!:સુરતથી એકનાથ શિંદે સહિત શિવસેનાના બધા ધારાસભ્યોને ગુવાહાટી ખસેડાશે, 3 બસમાં એરપોર્ટ લઈ જવાશે

સુરત3 મહિનો પહેલા
એકનાથ શિંદે શિવસેનાના ધારાસભ્યો સાથે સુરત આવી જતાં હોટલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
  • CM ઉદ્ધવનો સંદેશો લઈને પહોંચેલા બે નેતા મનાવવામાં નિષ્ફળ
  • શિંદે સિવિલમાં મળ્યા બાદ દાખલ ધારાસભ્યને હોટલ લવાયા
  • શિવસેનાના બળવાખોર MLAની ભાજપ સાથે ગઠબંધનની જીદ

મહારાષ્ટ્રની રાજનીતિમાં 'ખજૂરાહોકાંડ' સર્જાયો છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ભડકો થયો છે. શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત 30થી વધુ ધારાસભ્ય સોમવારની સાંજથી સંપર્કવિહોણા બન્યા હતા, એમાં NCPના એક ધારાસભ્ય પણ સામેલ છે. તેઓ સુરતની ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં રોકાયા છે. જોકે, હવે આ ધારાસભ્યોને આસામના ગુવાહાટી ખસેડવાની તૈયારીઓ કરવામાં આવી છે. ધારાસભ્યોને એરપોર્ટ લઈ જવા માટે ત્રણ બસ હોટલ લાવવામાં આવી છે.

ધારાસભ્યોને એરપોર્ટ લઈ જવા ત્રણ બસ આવી.
ધારાસભ્યોને એરપોર્ટ લઈ જવા ત્રણ બસ આવી.

ધારાસભ્યોને ખાસ વિમાન મારફતે લઇ જવાશે
ત્રણ બસ લા મેરિડિયન હોટલ ખાતે પહોંચી ગઈ છે. જેમાંથી એક બસ હોટલ પરિસરમાં ગઈ છે ત્યારે બે બસ હજુ હોટલ પરિસરની બહાર જ છે. ગણેશ નામની બસ હોટલ પરિસરમાં ગઈ છે. જ્યારે મા કૃપા અને નીતા નામની બસ હોટેલ કેમ્પસની બહાર જ છે. હોટલની અંદરથી બસમાં તમામ ધારાસભ્યોને સુરક્ષિત રીતે સુરત એરપોર્ટ લઈ જવામાં આવશે. જ્યાં લગભગ સાડા બાર વાગ્યા આસપાસ આસામના ગુવાહાટી ખાતે તમામ ધારાસભ્યોને ખાસ વિમાન મારફતે લઇ જવામાં આવશે.

બસમાં તમામ ધારાસભ્યોને સુરક્ષિત રીતે સુરત એરપોર્ટ લઈ જવામાં આવશે.
બસમાં તમામ ધારાસભ્યોને સુરક્ષિત રીતે સુરત એરપોર્ટ લઈ જવામાં આવશે.

બળવાખોર ધારાસભ્યોના મનામણા નિષ્ફળ
બપોર બાદ મહારાષ્ટ્ર ભાજપના બે ધારાસભ્ય સંજય કૂટે અને રાહુલ નારવેકર હોટલ પહોંચ્યા હતા. ત્યારબાદ શિવસેનાના બે નેતા મિલિન્દ નારવેકર અને રવિન્દ્ર ફાટક મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો સંદેશો લઈ હોટલ ખાતે પહોંચ્યા હતા. થોડીવાર માટે પોલીસ દ્વારા અટકાવ્યા હતા. ત્યારબાદ પૂછપરછ કરીને હોટલમાં પ્રવેશ આપ્યો હતો. હાલ બંને નેતાઓ હોટલથી રવાના થઈ ગયા છે અને બળવાખોર ધારાસભ્યોના મનામણા નિષ્ફળ ગયા છે. બળવાખોર ધારાસભ્યોએ ભાજપ સાથે સરકાર બનાવવાની માગ મૂકી હતી. ત્યારે હવે મહારાષ્ટ્રના પૂર્વ CM ફડણવીસ રાત્રે કે સવારે સુરત આવી તેની શક્યતાઓ સેવવામાં આવી રહી છે. જ્યારે શિંદેએ સિવિલમાં દાખલ ધારાસભ્ય નિતીન દેશમુખની મુલાકાત લીધી હતી. ત્યારબાદ નિતીન દેશમુખને હોટલ લવાયા હતા.

શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની માગ
શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સાથે શિવસેનાના બે નેતા દ્વારા મનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બળવાખોર ધારાસભ્યોએ બે માગ મૂકી હતી. જેમાં મહારાષ્ટ્રની જે અઘાડી ગઠબંધનની સરકાર છે તે છૂટી પાડવામાં આવે અને ભાજપ સાથે સરકાર બનાવવામાં આવે. આ સાથે જ વિવિધ મંડળના શિવસેનાના તેઓ લીડર હતા તે પદેથી દૂર કરાયા હતા ફરીથી જ તેમને આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

શિવસેનાના ધારાસભ્ય મિલિન્દ નારવેકર અને રવિન્દ્ર ફાટક સુરત પહોંચ્યા.
શિવસેનાના ધારાસભ્ય મિલિન્દ નારવેકર અને રવિન્દ્ર ફાટક સુરત પહોંચ્યા.

કયા કયા ધારાસભ્યો સંપર્કવિહોણા?

  1. શહાજી બાપુ પાટીલ
  2. મહેશ શિંદે સતારા
  3. ભરત ગોગવળે
  4. મહેન્દ્ર દળવી
  5. મહેશ થોરવે
  6. વિશ્વનાથ ભોઈર
  7. સંજય રાઠોડ
  8. સંદીપાન ભૂમરે
  9. ઉદયસિંહ રાજપૂત
  10. સંજય શિરસાઠ
  11. રમેશ બોરણારે
  12. પ્રદીપ જયસ્વાલ
  13. અબ્દુલ સત્તાર
  14. તાનાજી સાવંત
  15. સુહાસ કાંદે
  16. પ્રકાશ અબીટકર
  17. પ્રતાપ સરનાઈક
  18. ગીતા જૈન
  19. શ્રીકાંત શિંદે
  20. રાજન વિચારે
  21. બાલાજી કેકનિકર
  22. ગુલાબરાવ પાટીલ
  23. શંભુરાજ દેસાઈ
  24. ચિંતામણ વણગા
  25. અનિલ બાબર
  26. જ્ઞાનેશ્વર ચૌગુલે
  27. રાયમૂલકર
  28. લતા સોનવણ
  29. યામિની જાધવ
  30. નીતિન દેશમુખ બાળાપૂર

નીતિન દેશમુખની તબિયત લથડી
મહારાષ્ટ્રથી સુરત આવેલા શિવસેનાના 30થી વધુ ધારાસભ્યોમાંથી એક ધારાસભ્યની તબિયત લથડી હતી. નીતિન દેશમુખ બાળાપૂર(અકોલા)ની તબિયત લથડી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.સવારે ચાર વાગ્યે સિવિલ લવાયા હોવાથી સિવિલ હોસ્પિટલમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.હાલ નીતિન દેશમુખને સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડીંગના સ્પેશિયલ રૂમમાં સારવાર અપાઈ રહી છે.

સિવિલ હોસ્પિટલમાં પણ પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
સિવિલ હોસ્પિટલમાં પણ પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

માથાકૂટ બાદ તબિયત લથડી
નીતિન દેશમુખને અહીં લાવવા બદલ એકનાથ શિંદે સાથે ઉગ્ર બોલ ચાલ થઈ હતી. તેઓ હોટલની બહાર આવવા ઈચ્છતા હતા, પરંતુ પોલીસે તેમને રોક્યા બાદ નીતિન દેશમુખે બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મચારીઓ સાથે પણ માથાકૂટ કરી હતી. ત્યાર બાદ તેઓ હોટલમાં બહાર આવીને બેસી ગયા હતા, પણ કોઈ વાહન ન હોવાને કારણે તેઓ ત્યાં 15 મિનિટ સુધી બેસી રહ્યા હતા. ત્યાર બાદ તેમની તબિયત લથડતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

હોટલમાં આવતા-જતા લોકોની પૂછપરછ સઘન કરાઈ છે.
હોટલમાં આવતા-જતા લોકોની પૂછપરછ સઘન કરાઈ છે.

હોટલમાં 25થી વધુ રૂમ બુક કરાવ્યા
મહારાષ્ટ્રની સરકાર સામે સંખ્યાબળ ભેગું કરવા ભાજપ દ્વારા ક્વાયત હાથ ધરવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે મહારાષ્ટ્રના શિવસેનાના ધારાસભ્યોને સુરતની લા મેરિડિયન હોટલમાં રાખવા માટે 25થી વધુ રૂમ બુક અગાઉથી કરાવવામાં આવ્યા હતા. સી.આર.પાટીલ સુરતમાં ગઇકાલે મોડી રાત્રે ધારાસભ્યોને મળીને વહેલી સવારે ગાંધીનગર જવા રવાના થયા હોવાનું સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

રાજકીય ઊથલપાથલનાં એંધાણ
મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચૂંટણી બાદ શિવસેનામાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. અસંતુષ્ટ ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા હોવાની ગઈકાલથી ચર્ચા ચાલી રહી હતી. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે સુરતની ડુમ્મસ મેરિડિયન હોટલ ખાતે 30થી વધારે નારાજ શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેની આગેવાનીમાં સુરત આવી પહોંચ્યા છે. રાજકીય રીતે કોઈ મોટી ઊથલપાથલ થવાનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે. બપોર બાદ એકનાથ શિંદે મીડિયાને સંબોધન કરે તેવી શક્યતા છે.

સી.આર.પાટીલે સોમવારે સાંજે જ યોગના તમામ કાર્યક્રમમાં જવાનું રદ કરી દીધું હતું. (ફાઈલ તસવીર)
સી.આર.પાટીલે સોમવારે સાંજે જ યોગના તમામ કાર્યક્રમમાં જવાનું રદ કરી દીધું હતું. (ફાઈલ તસવીર)

પાટીલે કાર્યક્રમમાં જવાનું રદ કર્યું
મહત્ત્વની બાબત એ છે કે આજે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા વિશ્વ યોગ દિવસના તમામ કાર્યક્રમોમાં જોવાનું રદ કરી દીધું હોવાનું ગઈકાલે રાત્રે જ જાણવા મળ્યું હતું. વિશ્વ યોગ દિવસના સી.આર.પાટીલના તમામ કાર્યક્રમ રદ કરવા પાછળ શિવસેના નારાજ ધારાસભ્ય સાથેની મુલાકાત પણ હોય શકે છે. સી.આર.પાટીલ પોતે મરાઠી છે. તેઓ મુંબઈના શિવસેનાના ધારાસભ્યો સાથે ખૂબ સારી રીતે સંપર્કમાં છે. દેવેન્દ્ર ફડણવીસ અને સી.આર.પાટીલ દ્વારા આ ગુપ્ત રાહે નારાજ શિવસેનાના ધારાસભ્યોને પોતાના તરફેણમાં લાવવા માટેનો પ્રયાસ શરૂ કરાયો હોય એ પ્રકારની ચર્ચા ચાલી રહી છે. શિવસેનાના ધારાસભ્ય હાલ તેમના જ પક્ષના નેતાઓથી નારાજ હોય એવી ચર્ચા વહેતી થઈ છે.

હોટલ બહાર ચુસ્ત પોલીસનો કાફલો તહેનાત કરાયો છે.
હોટલ બહાર ચુસ્ત પોલીસનો કાફલો તહેનાત કરાયો છે.

મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ
શિવસેના નારાજ ધારાસભ્યોને ભાજપ તરફેણમાં લાવવા માટે દેવેન્દ્ર ફડણવીસ અને સી.આર.પાટીલ દ્વારા ઓપરેશન હાથ ધરાયું હોવાનું સામે આવી રહ્યું છે. મુંબઈના તમામ શિવસેનાના ધારાસભ્ય અને સુરતમાં રોકાણ કરવામાં આવ્યું હતું. આજે તેઓ ભાજપ સાથે મળીને કોઈ મોટી જાહેરાત કરી શકે એવી પણ શક્યતા નકારી શકાય એમ નથી. મોટી રાજકીય હિલચાલને કારણે સી.આર.પાટીલ દ્વારા ગઈકાલે જ વિશ્વ યોગા દિવસના કાર્યક્રમમાં જવાનું રદ કર્યાનો મેસેજ મીડિયામાં આપી દેવાયો હતો. આ રાજકીય ઊથલપાથલને કારણે તેઓ અહીં વ્યસ્ત હોવાને કારણે યોગ દિવસમાં હાજરી આપી ન શક્યા હોય એવું પ્રબળપણે શક્યતા છે. હવે આ નારાજ ધારાસભ્યો સાથે ભારતીય જનતા પાર્ટી કયા પ્રકારની ગોઠવણ કરે છે એના પર સૌકોઈની નજર છે. જો આ નારાજ ધારાસભ્ય શિવસેનાના ભારતીય જનતા પાર્ટી સાથે આવવા તૈયાર થાય તો મહારાષ્ટ્ર અને રાજનીતિમાં ભૂકંપ આવી શકે છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે. ફાઈલ તસવીર.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે. ફાઈલ તસવીર.

સતત થઈ રહેલી ઉપેક્ષાથી શિંદે નારાજ
શિવસેનામાં સતત થઈ રહેલી ઉપેક્ષાથી કદાવર મંત્રી એકનાથ શિંદે નારાજ છે. તેઓ ગઈકાલ સાંજથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો ફોન પણ ઉઠાવતા નથી.

એનસીપી અધ્યક્ષ ઉદ્ધવને મળ્યા, સંજય રાઉતનો દિલ્હી પ્રવાસ સ્થગતિ
રાજકીય ઉથલપાથલના પગલે એનસીપી મહારાષ્ટ્રના અધ્યક્ષ જયંત પાટિલે ઉદ્ધવ ઠાકરે સાથે માતોશ્રીમાં મુલાકાત કરી હતી. શિવસેનાના સાંસદ સંજય રાઉતે દિલ્હી પ્રવાસ રદ્દ કર્યો છે. તેઓ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે શરદ પવારના નિવાસ સ્થાને યોજાનાર બેઠકમાં ભાગ લેવા જવાના હતા.

રાજ્યસભા અને વિધાનપરિષદની ચૂંટણી પછી નારાજ છે
જ્યારે 2019ની ચૂંટણીનું પરિણામ આવ્યું હતું ત્યારે શિવસેનાએ શિંદેને ધારાસભ્ય દળના નેતા બનાવાયા હતા. તેઓ બાળ ઠાકરે સમયથી પાર્ટી સાથે જોડાયેલા છે. થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં રાજ્યસભા અને વિધાનપરિષદની ચૂંટણીમાં શિવસેનાએ તેમને સાઈડલાઈન કર્યા હતા. ત્યાર પછી તેઓ નારાજ છે.

હોટલની આસપાસ પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
હોટલની આસપાસ પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

તો મહારાષ્ટ્ર સરકાર પડી જશે
મહારાષ્ટ્રમાં જો 13 ધારાસભ્યો બળવો કરશે તો સરકાર પડી જશે. વાસ્તવમાં રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેને 153 ધારાસભ્યોનું સમર્થન મળ્યુ છે. સરકાર બનાવવા માટે 144 ધારાસભ્યો જોઈએ.કારણ કે હાલમાં એક બેઠક ખાલી છે. જો શિવસેનામાં ભાગલા પડશે તો કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ પક્ષ બદલી શકે છે.