સ્ટેટ જીએસટીએ ઓપરેશન ક્લિન સુરત અંતર્ગત બોગસ પેઢીઓ પર તવાઈ જારી રાખી છે. વધુ 20 પેઢી પર તપાસ કરતા માલુમ પડ્યું કે 11 પેઢી તો બોગસ હતી જેમણે 110 કરોડના બિલ માર્કેટમાં ફરતા કરી દીધા હતા. મળતી વિગતો અનુસાર, આ બિલોના આધારે 19.80 કરોડની વેરાશાખ પાસઓન કરવામાં આવી હતી. સી.એ. નિરજ બજાજ કહે છે કે, આવા બોગસ લોકો સામે કડક પગલાં ભરવાની પણ એટલી જ જરૂર છે. અગાઉ જીએસટીએ આવા કિસ્સાઓમાં અનેકની ધરપકડ પણ કરી હતી.
સતર્કતા અને કડકાઈ જ તેનો ઇલાજ છે. સ્ટેટ જીએસટીના સૂત્રોએ કહ્યું કે કુલ 20 પેઢીઓને ત્યાં તપાસ કરી હતી જેમાં 11 બોગસ મળી આવી હતી. આ પૈકી 10 પેઢીઓના ડોક્યુમેન્ટ તો બોગસ હતા જ્યારે એક પેઢીમાં ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરાયો હતો. એટલે કે બીજાના ડોકયુમેન્ટના આધારે પેઢી શરૂ કરી દીધી હતી. દસેય પેઢીઓમાં તપાસ થતાં એક પણ આરોપી મળી આવ્યો ન હતો. હાલ બોગસ પેઢીઓ ઊભી કરનારા લોકોની શોધખોળ ચાલી રહી છે.
પાસઓન થયેલી ક્રેડિટ રિકવર થવી પણ જરૂરી
અધિકારીઓ કહે છે કે, વેરાશાખ પાસઓન કરવામાં આવી છે. એટલે છેલ્લે આ વેરાશાખનો ઉપયોગ કોણે કર્યો એ જાણવું જરૂરી બની જાય છે. ડિપાર્ટમેન્ટ હાલ આવા જ ખરા ચીટરોને શોધી રહ્યો છે. એડવોકેટ ઝમીર શેખ કહે છે કે, બોગસ બિલિંગમાં રિકવરી મુખ્ય બાબત છે, જે ક્રેડિટ પાસઓન થઈ છે તે રિકવર કરવાનું અભિયાન પણ જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.