પ્રસંશનીય કામગીરી:મહિલાને દુઃખાવો વધતા સુરતમાં 108 એમ્બ્યુલન્સને રસ્તાની સાઈડમાં રાખીને  EMTએ ડિલિવરી કરાવી

સુરતએક મહિનો પહેલા
બાળકીને જન્મ આપ્યા બાદ માતાને સારવાર માટે સિવિલ લવાઈ હતી.
  • નવજાત બાળકી અને માતાની તબિયત સારી હોવાનું તબીબોએ કહ્યું

'બહુ દુઃખે છે, બાળક નીચે સરકતું હોય એમ લાગે છે',-આ સાંભળી 108 એમ્બ્યુલન્સની EMTએ સૂઝબૂઝ વાપરી એમ્બ્યુલન્સ રોડ બાજુએ ઉભી કરાવી 2 મિનિટમાં જ પ્રસુતિ કરાવી એક નવજાત બાળકીને જન્મ અપાવ્યો હોવાની વધુ એક પ્રસંશનીય કામગીરી સામે આવી છે. લિંબાયત 108 લોકેશનની EMTએ એક જ અઠવાડિયામાં બીજીવાર ચાલુ એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી સાબિત કર્યું છે કે, વિશ્વાસ અને અનુભવથી દરેક કામ શક્ય બનાવી શકાય છે. પ્રસુતા યાસ્મીન સૈયદના પરિવારે EMT અને પાયલોટનો આભાર વ્યક્ત કરી કહ્યું હતું કે, દીકરી અપાવનાર 108ની સેવાને હું ક્યારેય નહીં ભૂલું. આજે એક સંપૂર્ણ પરિવારની વ્યાખ્યા પૂરું થઈ, સુરત સિવિલ હોસ્પિટલ લવાયેલી પ્રસુતા અને 2.2 કિલોની નવજાત બેબીની તબિયત સારી હોવાનું ડોક્ટરોએ જણાવી EMT દીક્ષિતાની સારી કામગીરી બદલ પીઠ થબથબાવી હતી.

108 એમ્બ્યુલન્સમાં જ માતા અને બાળકીને સિવિલ લવાયા હતાં.
108 એમ્બ્યુલન્સમાં જ માતા અને બાળકીને સિવિલ લવાયા હતાં.

લગ્નના 10 વર્ષે દીકરીનો જન્મ
તસ્લિમ શા (પ્રસુતાની બહેન) એ જણાવ્યું હતું કે, યાસ્મીન મીરાજ સૈયદ (ઉ.વ. 30 (રહે. લીંબાયત મીઠીખાડી રતનજી નગર)ના લગ્નને લગભગ 10 વર્ષ થઈ ગયા છે. આ બીજી પ્રસુતિ હતી. સિવિલમાં જ સારવાર ચાલી રહી છે. પ્રસુતિનો દુઃખાવો તો રાતથી થઈ રહ્યો હતો. પરંતુ યાસ્મીને કહ્યું જ ન હતું. સવાર પડતા દુઃખાવો વધ્યો ત્યારે જાણ કરતા જ 108ને કોલ કરી દીધો હતો.કોલ મળતા જ 108ની એમ્બ્યુલન્સ તાત્કાલિક દોડી આવી હતી. યાસ્મીનને લઈ સિવિલ જ આવી રહ્યા હતા. અને રસ્તામાં જ પ્રસુતિ થઈ ગઈ. દીકરીએ જન્મ લીધો હોવાનું જાણતા જ યાસ્મીનના ચહેરા પર સ્મીત આવી ગયું હતું. પ્રસુતિ બાદ માતા દીકરીને 108ની ટીમ સિવિલ લઈ આવી હતી. જ્યાં બન્નેને પ્રાથમિક સારવાર આપી વોર્ડમાં શિફ્ટ ક્યાં હતા.

બાળકી અને માતાની તબિયત સાધારણ હોવાનું તબીબોએ કહ્યું હતું.
બાળકી અને માતાની તબિયત સાધારણ હોવાનું તબીબોએ કહ્યું હતું.

સમય બગાડ્યા વગર પ્રસુતી કરાવી
દીક્ષિતા (108 EMT લિંબાયત લોકેશન)એ જણાવ્યું હતું કે, સગર્ભાને એમ્બ્યુલન્સમાં લીધા બાદ રસ્તામાં જ પ્રસુતીની પીડા વધી ગઈ હતી. બહુ દુઃખે છે, બાળક નીચે સરકતું હોય એમ લાગે છે એવું કહેતા જ મેં પાયલોટને કહી એમ્બ્યુલન્સ ખરવર નગર પાસે રોડ બાજુએ ઉભી કરાવી દીધી હતી. ત્યારબાદ માત્ર 2 મિનિટમાં જ પ્રસુતિ કરાવી દીકરીને જન્મ અપાવવામાં સફળ થઈ હતી. નાળથી નવજાત બાળકીને માતાથી અલગ કરી સાફ કરી બન્નેને તાત્કાલિક સિવિલ લઈ આવી હતી.સિવિલ આવતા જ મેડિકલ ઓફિસરને બોલાવી લાવી હતી. સિસ્ટરો પણ એમ્બ્યુલન્સમાં પ્રસુતિ થઈ હોવાનું સાંભળી દોડી આવ્યા હતાં. બન્નેને તાત્કાલિક પ્રસુતિ રૂમમાં લઈ પ્રાથમિક સારવાર આપી હતી. નવજાત બાળકી લગભગ 2.2 કિલોની હેલ્ધી હોવાનું કહી શકાય છે. આનંદની વાત એ છે કે,આ અઠવાડિયામાં બીજી પ્રસુતી એમ્બ્યુલન્સમાં કરાવ્યાનો આનંદ છે.