તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 107 Deaths In 30 Days In 5 Villages Of Mahuva Taluka Of Surat, Only 39 Corona Tests, Other Cold cough, Death Due To Fever

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સુરતના મહુવા તાલુકાનાં 5 ગામમાં 30 દિવસમાં 107 મોત, માત્ર 39નાં જ કોરોના ટેસ્ટ, અન્ય શરદી-ખાંસી, તાવથી મર્યાની નોંધ

સુરત4 મહિનો પહેલાલેખક: જયેશ નાયક
  • કૉપી લિંક
પહેલી તસવીરમાં માતાવિહોણી બે પુત્રીઓના પિતાને કોરોના ભરખી ગયો, બીજી તસવીર - શેખપુરમાં આખા પરિવારને કોરોના ભરખી જતાં ઘરને તાળું મારી દેવું પડ્યું - Divya Bhaskar
પહેલી તસવીરમાં માતાવિહોણી બે પુત્રીઓના પિતાને કોરોના ભરખી ગયો, બીજી તસવીર - શેખપુરમાં આખા પરિવારને કોરોના ભરખી જતાં ઘરને તાળું મારી દેવું પડ્યું
  • સરકાર કહે છે મહુવા તાલુકાનાં 69 ગામોમાં એક માસમાં 3 મોત
  • ભાસ્કરે ગ્રાઉન્ડ ઝીરો પર જઈ જોયું તો માત્ર 5 ગામમાં જ 107 મોત જણાયાં
  • ગ્રામજનોના ટેસ્ટિંગ ન થતાં ગંભીર બીમારીમાં સપડાઇને મોતના મુખમાં ધકેલાય છે
  • તાલુકાના શેખપુર, બામણિયા, અનાવલ, કોષ-આંગલધરા, કરચેલિયામાં ગંભીર પરિસ્થિતિ

મહુવા તાલુકાના શેખપુર ગામે કોરોનાએ મચાવેલી તબાહી અંગે રિયાલિટી ચેક કરવા દિવ્ય ભાસ્કરની ટીમ ગામમાં ગઈ હતી. જ્યાં જયંતીભાઈ પટેલના ઘરને તાળંુ મારેલું હતું. જે અંગે પૂછતાં જાણવા મળ્યું હતું આ પરિવારને કોરોના ભરખી ગયો છે. પહેલા વકીલ પુત્ર મેહુલ પટેલનું કોરોનાથી મોત થયા બાદ માતા સીતાબહેન અને પિતા જયંતીભાઈનું પણ કોરાેનાને કારણે મોત થતાં આખરે ઘરને તાળું મારવાના વારો આવ્યો છે. પાંચ ગામમાં રિયાલિટી ચેક કરતાં 107ના મોત નિપજ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં છે. જેમાં માત્ર 39 લોકોના જ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જ્યારે બીજાના શરદી ખાંસી તાવ સહિતની બીમારીને કારણે મોત નિપજ્યા છે. આશ્ચર્યની વાત એ કે તંત્રના કહેવા મુજબ 69 ગામોમાં એપ્રિલ મહિના દરમિયાન 3 મોત થયા છે.

બામણિયા ગામમાં 10 લોકોના મોત
મહુવા તાલુકાના શેખપુરની હકીકત જાણવા ગામના અગ્રણી પરિમલભાઈને પૂછતા જણાવ્યું હતું કે ગામમાં છેલ્લા એક મહિનામાં કોરોનાને કારણે 37 લોકોના મોત નીપજ્યા છે. જેમાં 11 લોકોએ જ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. બાકીના શરદી, ખાંસી, તાવ સહિતની બીમારીને કારણે મોત નિપજ્યું છે. ત્યારબાદ બામણિયા ગામના સરપંચે જણાવ્યું હતું કે અમારા ગામમાં એક માસમાં 22 વ્યક્તિના મોત થયા છે. જેમાં 10 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જ્યારે બીજા 12 લોકો અન્ય બીમારીને કારણે મોતના મુખમાં ધકેલાયા છે.

ગ્રામીણ વિસ્તાર ટેસ્ટિંગ અને વેક્સિનેશનમાં પાછળ
આગળ જતાં કોષ-આંગલધરા ગામના ધનંજય પટેલે કહ્યું કે, અમારા ગામમાં છેલ્લા એક મહિનામાં 30 લોકોના મોત નિપજ્યાં છે. જેમાંથી 10 લોકોના કોરોનાની બીમારીને કારણે મોત નિપજ્યા છે. બાકીના 20 લોકોના અન્ય બીમારીને કારણે મોત નિપજ્યા છે. કરચેલિયા ગામમાં કલ્પેશભાઈ શાહે પરિસ્થિતિથી વાકેફ કરતાં કહ્યું હતું કે કોરોનાની સેકન્ડવેવ અમારા ગામ માટે ઘણી ભયાનક સાબિત થઈ છે. એક મહિનામાં 18 લોકોના મોત નીપજ્યા છે. જેમાં 8 લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યા હતાં. ગ્રામિણ વિસ્તારમાં કોરોના ટેસ્ટ અને વેક્સીનેશનથી અળગા રહે છે અને સમયસર સારવાર ન કરાવતાં અંતે ગંભીર પરિસ્થિતમાં મુકાઇ જાય છે.

લાઇવ 1 - સમય - બપોરે 1.30 વાગ્યે, સ્થળ - પટેલ પરિવારનું બંધ પડેલું ઘર
શેખપુરમાં આખા પરિવારને કોરોના ભરખી જતાં ઘરને તાળું મારી દેવું પડ્યું

મહુવા તાલુકાના શેખપુર ગામે કોરોના આખા પરિવારને ભરખી ગયો. પહેલા વકીલ પુત્ર અને ત્યારબાદ માતા અને પિતાના મોતથી ઘરે તાળુ લાગી ગયુ છે. વકિલ મેહુલ જયંતીભાઈ પટેલ કોરોના સંક્રમિત થયા બાદ ગડત સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની તબિયત વધુ બગડતા 13 એપ્રિલના રોજ વધુ સારવાર માટે સુરત ખાતે લઈ જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાજ તેમનુ મોત નિપજ્યું હતુ. ત્યારબાદ માતા સીતાબેન પટેલ અને પિતા જયંતીભાઈ પટેલ સંક્રમિત થતા તેમને નવસારી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન પતિ પત્ની બંનેનું મોત નિપજતા આખો પરિવાર વિખેરાઈ ગયો હતો.જેને લઈ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આઘાતઃઃ અનાવલ ગામમાં મુસ્લિમ પરિવારના 4 ના મોતથી શોકનો માહોલ
મહુવા તાલુકાના અનાવલ ગામે રહેતા મુસ્લિમ પરિવારના માતા પિતા અને પુત્રને કોરોના ભરખી ગયો હતો જેના આઘાતમાં પરિવારના અન્ય સભ્યનું પણ મોત નિપજ્યું હતુ. ચાર દિવસની અંદર એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી પરિવારજનો તેમજ ગ્રામજનોમા શોકનો માહોલ છવાઈ ગયો હતો. પ્રથમ નઝમાબેન શેખનું અવસાન થયુ હતુ. ત્યારબાદ એક જ દિવસે મુસ્લિમ અગ્રણી રફ્યુદ્દીન શેખ અને નઈમ શેખનું અવસાન થયુ હતુ. પિતા અને પુત્રનું એક જ દિવસે અવસાન થતા આઘાતમાં રફ્યુદ્દીનભાઈના ભાઈ મહયુદ્દીનભાઈ શેખનું પણ મોત નિપજ્યું હતું.

કોમી એકતાઃ હિન્દુ માતા-પુત્રીના અગ્નિ સંસ્કાર કરતાં મુસ્લિમ અગ્રણીઓ
કોરોના કહેર વચ્ચે મહુવા તાલુકાના અનાવલ ગામે કોમી એકતાના પણ દર્શન થયા હતા. મુસ્લિમ સમુદાયના મહોલ્લામાં રહેતા ગાંધી પરિવારના માતા અને પુત્રનું અવસાન થતા મુસ્લિમ સમાજના આગેવાનોએ હિન્દુ વિધિ મુજબ અગ્નિ સંસ્કાર કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. અનાવલના નવિનભાઈ ગાંધી અને તેમની માતા મંજુલાબેન ગાંધીનું અવસાન થયા બાદ તેમના અંતિમ સંસ્કાર માટે કોઈ આગળ ના આવતા આ મુશ્કેલીના સમયમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ આગળ આવી હિન્દુ વિધિ મુજબ માતા અને પુત્રના અંતિમ સંસ્કાર કર્યા હતા.

લાઇવ 2 - સમય - બપોરે 2.15 વાગ્યે, સ્થળ - શેખપુર ગામનું એક ફળિયું
માતાવિહોણી બે પુત્રીઓના પિતાને પણ કોરોના ભરખી ગયો

શેખપુર ગામે બીજી ઘટનામાં માતા વિનાની બે પુત્રીઓના લાડકવાયા પિતાને કોરોના ભરખી ગયો છે. 2017માં માતાનું બીમારીમાં અવસાન થયા બાદ પિતા જ બંને દીકરીઓને માતાની જેમ ઉછેરતાં હતાં. હાલ બંને દીકરીઓ પૈકી મોટી દીકરી રિતુલ માઈક્રોબાયોલોજીનો અભ્યાસ કરે છે જ્યારે બીજી દીકરી નિટની પરીક્ષાની તૈયારી કરી રહી છે. કોરોનામાં અવસાન પામેલ પિતાને યાદ કરતા પુત્રી રીતુલે જણાવ્યું હતું કે મારા પિતાની મને ડોક્ટર બનાવવાની ઈચ્છા હતી. હાલ હું માઈક્રોબાયોલોજીનો અભ્યાસ કરંુ છું પરંતુ પિતાની ઈચ્છા પૂરી કરવા માટે હવે ફરી નિટની પરીક્ષા આપી ડોક્ટર બનીશ. માતા અને પિતાની છત્રછાયા ગુમાવનાર બંને બહેનો હાલ પોતાના કાકા સાથે રહે છે.

અન્ય સમાચારો પણ છે...