સુરતનું ‘વીવનીટ’ એક્ઝિબિશન:ત્રણ દિવસમાં 30 લાખ મીટર કાપડ અને 6 લાખ સાડીના ઓર્ડર સાથે 100 કરોડનો બિઝનેસ થયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક્ઝિબિશનને સારો પ્રતિસાદ મળતાં આવતા વર્ષના 60 સ્ટોલ અત્યારથી બુક

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરત શહેરમાં ભારતનું પ્રથમ વિવ નીટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક્ઝિબિટર્સને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. ત્રણ દિવસના એક્ઝિબિશનમાં તમામ સ્ટોલ મળીને અંદાજે 30 લાખ મીટર કાપડ અને 6 લાખ સાડીનો ઓર્ડર મળ્યો હતો. વેપારીઓને પ્રતિસાદ સારો મળતા 60 વેપારીઓ દ્વારા એડવાન્સમાં ચેક આપીને આવતા વર્ષ માટે એડવાન્સમાં સ્ટોલ બુક કરાવી લીધા હતા. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, સુરત શહેરના 65 હજાર કાપડ વેપારીઓ પૈકી મોટા ભાગના વેપારીઓએ વિવનીટ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને એક્ઝિબિટર્સને ઢગલાબંધ ઓર્ડર આપ્યા હતા.

ભારતની 20 મોટી કાપડની મંડી જેવી કે જયપુર, બનારસ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઇથી બાયર્સે પ્રદર્શનની મુલાકાત લીધી હતી. દેશભરમાંથી બાયર્સ પ્રદર્શનમાં તો ઉમટ્યા જ હતા પણ બ્રિટન, દુબઇ અને ચાઇનાથી પણ બાયર્સ આ પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. દેશ–વિદેશમાંથી ઉમટી પડેલા બાયર્સ માટે આ પ્રદર્શનમાં રેપિયર જેકાર્ડમાંથી બનતું કાપડ તથા વોટરજેટ, એરજેટ, સાદા લૂમ્સ ઉપરની ચાર બાય એક ડોબિવ્યૂવ અને લેપેટવ્યૂવ ફેબ્રિકનું આકર્ષણ રહ્યું હતું.

ત્રણ દિવસમાં એક્ઝિબિટર્સને આશરે 30 લાખ મીટરથી વધુ ગ્રે ફેબ્રિકનો ઓર્ડર મળ્યો હતો. જ્યારે 6 લાખથી વધુ રેપિયર જેકાર્ડની સાડીના ઓર્ડર એક્ઝિબિટર્સને મળ્યા હતા. આ પ્રદર્શનમાં કાપડની વિવિધ ક્વોલિટીઓ જેવી ડોલા સિલ્ક, રશિયન સિલ્ક, ટિશ્યૂ સિલ્ક, પ્યોર વિસ્કોસ ઓર્ગેન્ઝા સિલ્ક, મુસ્લિન સિલ્ક, હેવી કોટન સિલ્ક, નેચરલ ક્રેપ અને ચિનોન શિફોનનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

કુલ 23 હજાર વેપારીઓએ મુલાકાત લીધી
ચેમ્બર ઓફ કોમર્સના ‌વીવનીટ એક્ઝિબિશનના ચેરમેન મયુર ગોળવાલાએ કહ્યું હતું કે, ‘આ એક્સપો દેશની જીડીપીમાં વધારો કરવામાં મદદ કરશે. એક્ઝિબિશનમાં પ્રથમ દિવસે 6150 અને બીજા દિવસે 15000 બાયર્સે મુલાકાત લીધી હતી. સોમવારે ત્રીજા દિવસે આખો દિવસ સતત વરસાદમાં પણ 6700 જેટલા વિઝીટરોએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આમ, ત્રણ દિવસમાં કુલ 23 હજાર લોકોએ મુલાકાત લીધી હતી. ચેમ્બરના ઈતિહાસમાં અત્યાર સુધીમાં એક્ઝિબિશનમાં આટલી મોટા પ્રમાણમાં મુલાકાતીઓ આવ્યા નથી.

વેગન યાર્નના કાપડનો 1 લાખ મીટરનો ઓર્ડર મળ્યો
વેગન યાર્નમાંથી વેગન કાપડ તૈયાર કરતાં પાયલ મારફતિયાએ કહ્યું હતું કે, સુરતમાં પ્રથમ વખત વેગન કાપડને ડિસપ્લે કરવામાં આવ્યું છે. આ વેગન કાપડ વેપારીઓને પસંદ આવી રહ્યું છે. દિલ્હીના બે વેપારીઓ દ્વારા એક લાખ મીટર વેગન કાપડનો ઓર્ડર આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...