તૈયારી શરૂ કરી:હીરાબુર્સનું કામ 100% પૂર્ણ થતાં BUC મળ્યું હવે ઓફિસ હરાજીમાં 12% GST નહીં લાગે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી માર્ચ-એપ્રિલમાં ઉદઘાટન કરવા મેનેજમેન્ટ કમિટીએ તૈયારી શરૂ કરી
  • 500 ઓફિસમાં ફનિર્ચરનું કામ શરૂ, વધુ 500 ઓફિસમાલિકોએ અરજી કરી

શહેરના ખજોદ વિસ્તારમાં નિર્માણાધિન ડાયમંડ બુર્સનું 100 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને એસએમસી દ્વારા બીયુસી પણ આપી દેવામાં આવ્યું છે. 500 ઓફિસોમાં ફર્નિચરનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને વધુ 500 ઓફિસના માલિકોએ ફર્નિચર બનાવવા માટે અરજી કરી છે.

કુલ 4200 હીરા વેપારીઓએ મળીને ખજોદ ડ્રીમ સિટીમાં સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું 100 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને પાલિકા દ્વારા બીયુસી પણ આપી દેવામાં આવ્યું છે. હવે વર્ષ 2023માં ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવાનું આયોજન કમિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાલ 500 ઓફિસોનું ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે અને 500 ઓફિસ માલિક દ્વારા ફર્નિચર બનાવવા માટેની પરવાનગી માંગવામાં આવી છે. ડાયમંડ બૂર્સમાં 60 હજાર સ્ક્વેરફૂટમાં કસ્ટમ હાઉસ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

સેઈફ ડિપોઝિટ વોલ્ટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર 8થી વધારે બેન્ક, હોટલ, રેસ્ટોરન્ટ, મેડિકલ ઈમરજન્સી માટે ક્લિનિક,મેડિકલ સ્ટોર સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે. સાથે સાથે ડાયમંડ બુર્સમાં જ્વેલરી મોલ પણ બનાવવામાં આવ્યો છે, જેમાં કુલ 27 સ્ટોર હશે. બીયુસી આવી ગયું હોવાથી હવે જ્યારે ઓફિસનું ઓક્શન કરવામાં આવશે ત્યારે 12 ટકા જીએસટી લાગશે નહીં.

60 હજાર સ્ક્વેરફૂટમાં કસ્ટમ હાઉસ પણ તૈયાર
ડાયમંડ બુર્સના ચેરમેને દરેક સભ્યોને લેટર મોકલ્યો છે, જેમાં કહેવાયું છે કે, ઘણા અસામાજિક તત્વો સુરત ડાયમંડ બુર્સની છબીને હાની પહોંચાડવાના પ્રયાસો કરી રહ્યા હતા. જો કે, આજે હકીકત એ છે કે, બુર્સનું તમામ કામ પૂર્ણ થઈ ગયું છે અને પાલિકા તરફથી બીયુસી પણ આપી દેવાયું છે. આ સાથે જ હવે ઉદઘાટનનો માર્ગ પણ મોકળો થઈ ગયો છે. આગામી માર્ચ-એપ્રિલ 2023થી સુરત ડાયમંડ બુર્સની શુભ શરૂઆત સાથે ઉદ્દઘાટન સમારોહનું આયોજન કરવામાં આવશે.’

અન્ય સમાચારો પણ છે...