તહેવારમાં મોટી જાનહાનિ ટળી:સુરતના કીમમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગની ચપેટમાં 10 મકાનો પણ ખાક થઈ ગયા, ફાયરની 10થી વધુ ટીમે ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો

સુરતએક મહિનો પહેલા
ગોડાઉનથી શરૂ થયેલી આગ મકાનો સુધી પહોંચી
  • ગોડાઉનમાં આગથી 10 મકાનોની બારીઓ, દરવાજા પાણીની ટાંકી, દીવાલોને ભારે નુકસાન

સુરતના કીમ ગામમાં લાકડાના એક ગોડાઉનમાં ભીષણ આગ લાગતા આસપાસના 10 મકાનોને ઝપેટમાં આવી ગયા હતા. જોકે 10 થી વધુ ફાઇર ફાઇટરોની ટીમે ભારે જહેમત બાદ વહેલી સવારે આગને કાબુમાં લીધી હતી. જેથી નવા વર્ષના દિવસે જ મોટી જાનહાનિ થતા ટળી ગઈ હતી. જોકે ગોડાઉનની બાજુમાં આવેલા 10 જેટલા મકાનોને આગથી નુકસાન થયું હતું.

ગોડાઉનની આગ આસપાસના મકાનોમાં પ્રસરી
કીમમા હરી હરનગર-1માં આવેલા કોન્ટ્રાકટરના લાકડાના ગોડાઉનમાં બુધવારે રાતે આગે લાગી હતા. ગોડઉનની અંદર બાંધકામ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા લાકડાના ટેકા વ્યાપક પ્રમાણમાં હતા. ગણતરીની મિનિટમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ઘારણ કરી લીધું હતું. આસમાન આંબતી આગની જ્વાળાના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસના વિસ્તારના લોકો બચાવમાં આવી જઇ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પરંતુ ભીષણ આગ બેકાબૂ બની હોવાથી ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

મકાનમાં આગ ફેલાતા સ્થાનિક લોકોની ઘરવખરીને નુકસાન
મકાનમાં આગ ફેલાતા સ્થાનિક લોકોની ઘરવખરીને નુકસાન

આગ કાબૂમાં નહીં આવતા લોકોમાં નાસભાગ મચી
ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં નહીં આવતાં લોકોમાં નાસભાગ મચી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઘટનાસ્થળે દોડી ગયેલા કીમના સરપંચ શૈલેષ મોદી દ્વારા આગને કાબૂમાં લેવા માટે અન્ય ફાયરબ્રિગેડની ટીમની મદદ મંગાતા 10થી વધુ ફાયરબિગેડની ટીમ કીમ દોડી આવી હતી. બેકાબૂ આગને ઠારવાના પ્રયાસ કર્યો હતો. વહેલી સવાર સુધી ભારે જહેમતના અંતે આગને કાબૂમાં લેવાઇ હતી. જોકે ત્યાં સુધી મોટા પાયે નુકસાન થતા લોકો જાયે તો જાયે કહાં જેવી સ્થિતિમાં મુકાઇ ગયા હતા.

10 જેટલા મકાનોને ભારે નુકસાન
આગના પગલે ગોડાઉનની આસપાસ આવેલા 10 મકાનોની બારીઓ, દરવાજા પાણીની ટાંકી, મકાનોની દીવાલો સહિતને ભારે નુકસાનના પગલે ગરીબ પરિવારોની દિવાળીનો તહેવાર બગડ્યો હતો. જોકે કીમના સરપંચની સમય સૂચકતાના પગલે તમામ લોકોને બહાર સુરક્ષિત કાઢી લેતા જાનહાનિ ટળી હતી. આથી વહીવટી તંત્રએ રાહતનો દમ લીધો હતો. સ્થાનિક સરપંચે નુકસાનનો રિપોર્ટ કર્યા બાદ પણ ઓલપાડ ટીડીઓ તેમજ મામલતદારે સ્થળ નિરીક્ષણ નહીં કરતા લોકોમાં રોષ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...