સ્ટેટ જીએસટી વિભાગે બોગસ બિલિંગ કરનારાઓને ત્યાં દરોડા પાડવાનું ચાલુ રાખ્યુ છે. આજે વધુ 15 પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી અને આ તમામ પેઢીઓ બોગસ હોવાનું સપાટી પર આવ્યું હતું. આ પેઢીઓમાં કુલ 269 કરોડનું ટ્રાન્ઝેક્શન કરી દેવાયું હતું અને તેના આધારે રૂપિયા 37.56 કરોડની વેરાશાખ લેવામાં આવી હતી. આ સાથે છેલ્લાં એક અઠવાડિયાથી ચાલી રહેલા આ અભિયાનમાં કુલ રૂપિયા એક હજાર કરોડથી વધુના બોગસ ટ્રાન્જેકશન મળી આવ્યા છે.
સ્ટેટ જીએસટીની તપાસમાં 15 પેઢીઓમાંથી 13માં બોગસ ડોક્યુમેન્ટના આધારે પેઢીઓ ઊભી કરવામા આવી હોવાનું માલુમ પડયુ હતુ જ્યારે ત્રણ પેઢીઓમાં ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું ખુલ્યું હતું. આજની તપાસમાં 14 પેઢીના સંચાલકો મળ્યા નહતા. નોંધનીય છે કે, અધિકારીઓ હવે આ ક્રેડિટનો ઉપયોગ કરનારા એટલે કે ટેક્સની સામે આ ક્રેડિટનો લાભ લેનારાને શોધી રહી છે.
ઉસ્માન બગલા સહિતના હજી ફરાર
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ બોગસ બિલિંગના કેસમાં તપાસ કરવામાં આવી હતી જેમાં શરૂઆતના તબક્કામાં 14 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. બાદમાં ભાગનગરના ઉસ્માન બગલા અને સજ્જાદ રઊજાની અને સુફિયાનના નામ ખુલ્યા હતા. તપાસમાં મહિનો થવા છતા હજી આરોપીઓ પકડાયા નથી.
સીજીએસટીને દિલ્હીથી યાદી મળી રહી છે
સ્ટેટ જીએસટીની સાથે સાથે સીજીએસટી દ્વારા પણ દિલ્હીથી મળી રહેલી શંકાસ્પદ વેપારીઓની યાદીના આધારે તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓ આવી યાદીના આધારે સ્થળ પર જઈને તપાસ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.