જમીનનું ભોપાળું:ભાઠાની જમીનના બોગસ દસ્તાવેજ કાંડમાં સાત સામે વધુ 1 ગુનો દાખલ, 1ની ધરપકડ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સબ રજીસ્ટ્રારની કચેરીમાં હજીરાની જમીનને બદલે ભાઠાના દસ્તાવેજ મૂકી દીધાં હતાં
  • ખજોદ- વેસુની જમીનના દસ્તાવેજમાં ચેડામામલે અગાઉ સાતેયની ધરપકડ કરાઇ હતી

સબ રજીસ્ટ્રાર કચેરીના રેકર્ડ રૂમમાંથી કરોડોની કિંમતના જમીનોના દસ્તાવેજો સાથે ચેડા કરવાના મામલે ઠગ ટોળકીનું ભાઠાની જમીનનું ભોપાળું સામે આવ્યું હતું. જેને લઈ અઠવાલાઇન્સ પોલીસમાં સબ રજીસ્ટ્રાર કચેરીના ઓફિસર જયેશકુમાર ભાટપોરીયાએ વધુ એક ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે નાની દમણના સૂત્રધાર અરવિંદ ઉર્ફે શીલા કાનજી પટેલ, વિજય છીબુ પટેલ, સંજય ઉર્ફે એસકે જવાહર શાહ, રાજેશ ઉર્ફે લાલી શશીકાંત મહેતા, કેતન રમણ પટેલ અને પ્રકાશ ઠાકોર રાઠોડ સહિત 7 જણા સામે ઠગાઈનો વધુ એક ગુનો નોંધ્યો છે.

હાલમાં સાતેય જણાની ક્રાઇમબ્રાંચે ખજોદ અને વેસુની જમીનોના દસ્તાવેજોમાં ચેડા કરવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી. વધુમાં પોલીસે જણાવ્યું કે સબ રજીસ્ટ્રાર કચેરીના રેકડ રૂમમાંથી 1961માં બનેલા હજીરાની જમીનના કિંમતી રેકર્ડને બદલી નાખી ચીટર ટોળકીએ ભાઠાની કિંમતી જમીનના બોગસ દસ્તાવેજો તૈયાર કરી દસ્તાવેજી રેકર્ડમાં મુકી દીધા હતા.

હાલમાં ક્રાઇમબ્રાંચે અરવિંદ ઉર્ફે શીલા કાનજી પટેલની ધરપકડ કરી બુધવારે કોર્ટમાં રજૂ કર્યો છે. જેમાં કોર્ટએ 25મી તારીખ સુધીના રિમાન્ડ આપ્યા છે. ક્રાઇમબ્રાંચની પૂછપરછમાં આરોપીઓએ ભાઠાની બે જમીનોના બોગસ દસ્તાવેજો સબ રજીસ્ટ્રાર કચેરીના રેકર્ડ રૂમમાં ચેડા કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેના આધારે અઠવા પોલીસે ગુનો દાખલ કર્યો છે. હજુ બીજી ડુમસ, ખજોદ, વેસુ સહિતની કિંમતી જમીનોમાં પણ ચીટર ટોળકીએ બોગસ દસ્તાવેજો કર્યો હોવાનું બહાર આવી શકે છે.

સૌથી પહેલાં ખેડૂતપુત્રની ધરપકડ કરાઇ હતી
આ કૌભાંડ મામલે પહેલાં ક્રાઇમબ્રાંચે વલસાડના ખેડૂત પુત્ર વિજય છીબુ પટેલની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી હતી. ત્યાર પછી બિલ્ડર સંજય શાહ પછી એક પછી એક કરી અત્યાર સુધીમાં ક્રાઇમબ્રાંચે 7 જણાની ધરપકડ કરી ચૂકી છે. ટૂંકમાં સાચા માલિકોની જમીન ઘોંચમાં નાખવા માટે કેટલાક બની બેઠેલા જમીન માલિકોએ બોગસ સાટાખત, એમયુઓ અને રજીસ્ટ્રડ વેચાણ દસ્તાવેજ તેના સાગરિતોના નામે બનાવ્યા છે. આવા તત્વોની સામે અલગથી લેન્ડગ્રેબીંગ એકટનો ગુનો પોલીસ ક્યારે દાખલ કરશે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...