• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 1 Inch Rain In The City, 10 Gates Of Ukai Opened For The First Time In The Season And Released One Lakh Cusecs Of Water, Tapi Will Flow On Two Banks Today

મેઘાની રમઝટ:શહેરમાં 1 ઇંચ વરસાદ, સિઝનમાં પહેલીવાર ઉકાઇના 10 દરવાજા ખોલી એક લાખ ક્યુસેક પાણી છોડાયું, તાપી આજે બે કાંઠે વહેશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સોમવારે દિવસભર શહેરમાં વરસાદી માહોલ રહેતાં વાહનચાલકોએ રેઈનકોટ-છત્રીનો સહારો લેવો પડ્યો હતો, જ્યારે પારેવડાંઓએ વરસાદની મજા માણી હતી. - Divya Bhaskar
સોમવારે દિવસભર શહેરમાં વરસાદી માહોલ રહેતાં વાહનચાલકોએ રેઈનકોટ-છત્રીનો સહારો લેવો પડ્યો હતો, જ્યારે પારેવડાંઓએ વરસાદની મજા માણી હતી.
  • ડેમની સપાટી 341.39 ફૂટ પર પહોંચી, ભયજનક સપાટીથી માત્ર 3.50 ફૂટ દૂર હોવા છતાં સુરત માટે હાલ જોખમ નહીં
  • રાત્રે પાણીની આવકમાં વધારો થતાં રૂલ લેવલ મેઇન્ટેઇન કરવા દરવાજા ખોલાયા

સોમવારે આખો દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં સરેરાશ 1 ઈંચ વરસાદ થયો હતો. આગામી દિવસમાં ઉપરવાસમાં વરસાદની આગાહી અને ઉકાઇ ડેમની સપાટી રૂલ લેવલ 340 ફૂટથી 1.50 ફૂટ ઉપર પહોંચી જતાં આખરે રૂલ લેવલ મેઇનટેઇન કરવા સોમવારે મોડી રાત્રે 11 કલાકે ડેમના 10 ગેટ 4 ફૂટ ખોલીને 1 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું.

મોડીરાતે 1 લાખ ક્યુસેક આવક શરૂ થતાં સોમવારે બપોરે 2 વાગ્યાથી ડિસ્ચાર્જ વધારાયો હતો. જો કે, શહેરીજનોને અફવાથી દૂર રહેવા તંત્રે અપીલ કરી છે. હાલ સુરત માટે કોઇ ચિંતાનું કારણ નથી. 6થી 8 કલાક બાદ તાપી બે કાંઠે વહેતી જોવા મળશે. નોંધનીય છે કે, આગામી બે દિવસ ઉકાઇ ડેમના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ હાલમાં ડેમ ભયજનકથી માત્ર 3.50 ફૂટ જ દૂર હોવાથી તંત્ર એલર્ટ થઇ ગયું છે. તકેદારીરૂપે આખરે 1 લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતાં 17થી 19 સારા વરસાદની શક્યતા
શહેરમાં દિવસભર કાળાદિંબાગ વાદળો વચ્ચે સરેરાશ 1 ઇંચ વરસાદ વરસ્યો છે. સોમવારે શહેરનું મહત્તમ તાપમાન 27.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.2 ડિગ્રી નોંધાયું હતું. દક્ષિણ-પશ્ચિમ દિશાથી 8 કિ.મીની ઝડપે પવનો ફૂંકાયા હતા. હાલમાં ગુજરાતની ઉપર લો પ્રેશર સિસ્ટમ છે. વધુ એક લો પ્રેશર બંગાલની ખાડીમાં સક્રિય થઇ છે. જેથી આગામી 17થી 19 વચ્ચે વરસાદનો વધુ એક સારો રાઉન્ડ આવે તેવી શક્યતા છે.

સોમવારે શહેરમાં સેન્ટ્રલમાં 20 મીમી, વરાછા-એ અને બીમાં 11 મીમી, રાંદેરમાં 26 મીમી, કતારગામમાં 9 મીમી, ઉધનામાં 34 મીમી, લિંબાયતમાં 5 મીમી, અઠવામાં 14 મીમી વરસાદ વરસ્યો હતો. વિયર કમ કોઝવે 7.16 મીટરથી ઓવરફલો થઇ રહ્યો છે. સુરત જિલ્લામાં સાર્વિત્રક વરસાદ નોંધાયો હતો. બારડોલીમાં 4 મીમી, ચોર્યાસી-કામરેજમાં 22 મીમી, મહુવામાં 4 મીમી, માંડવીમાં 18 મીમી, માંગરોળમાં 17 મીમી, ઓલપાડમાં 35 મીમી, પલસાણામાં 10 મીમી અને ઉમરપાડામાં 18 મીમી વરસાદ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...