બુધવારે મોડીરાતે સુરત શહેર-જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. ચોર્યાસી તાલુકામાં અઢી ઇંચ, ઉમરપાડામાં સવા બે ઇંચ, માંગરોળ તાલુકામાં પોણા બે ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે સુરત શહેરમાં ૧ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જો કે, મોડીરાતે વાવાઝોડા જેવા માહોલ વચ્ચે વરસાદ થયા બાદ ગુરુવારે દિવસભર ઉઘાડ રહ્યો હતો.
કેટલાક વિસ્તારોમાં ઝાપટા જ પડ્યા હતા. જિલ્લામાં બુધવારે રાત્રે ૧૨થી ગુરુવારે સવારે ૬ વાગ્યા સુધીમાં ચોર્યાસી તાલુકામાં ૬૫ મીમી, ઉમરપાડામાં ૫૫ મીમી, માંગરોળમાં ૪૩ મીમી, માંડવીમાં ૨૬ મીમી, સિટીમાં ૨૨ મીમી, મહુવામાં ૧૮ મીમી, કામરેજમાં ૧૧ મીમી અને ઓલપાડમાં ૧૦ મીમી વરસાદ વરસ્યો હતો. ગુરુવારે શહેરનું મહત્તમ તાપમાન ૩૨.૬ ડિગ્રી અને લઘુત્તમ ૨૨.૮ ડિગ્રી નોંધાયું હતું.
સવારે ભેજનું પ્રમાણ ૮૯ ટકા અને સાંજે ૬૮ ટકા રહ્યું હતું. સાઉથ વેસ્ટ દિશાથી ૬ કિ.મીની ઝડપે પવનો ફૂંકાાયા હતા. શહેરમાં નવજીવન સર્કલ પાસે એક ઝાડ તૂટી પડ્યું હતું તો ગોપીપુરામાં એક જર્જરિત મકાનનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો.કર્ણાટક દરિયા કિનારા સુધી મોન્સૂન રેખા: હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતથી કર્ણાટક દરિયા કિનારા સુધી મોન્સૂન રેખા બની છે. જેથી દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.