માંગરોળ તાલુકાના વડ ગામે ખેતરે બાજરો કાપવા ગયેલી મહિલાના હાથમાં ડુક્કરોનો શિકાર કરવામાં વપરાતો લસણીયો બોમ્બ અજાણતામાં ફૂટી જતા મહિલા અને એક 9 વર્ષીય બાળકને ઈજાઓ થઈ છે.
વડ ગામના પીપળી ફળિયામાં રહેતા ગીતાબેન ચૌધરી ( 45) અન્ય મજૂરો સાથે ઇસનપુર ગામની સીમમાં ઝરા વાળી ખાડી પાસે ખેતરમાં બાજરાનો પાક કાપવા ગયા હતા. આ સમયે સાથે પૌત્ર રોનીકકુમાર ચૌધરી ઉંમર નવ સાથે આવ્યો હતો. આ સમયે ગીતાબેનને ખેતરમાં સૂતરી વીટેલ દડી મળી હતી. હકીકતમાં આ લસણિયો બોમ્બ હતો. જે ડુક્કરનો શિકાર કરવા કેટલાક ઇસમો બિન અધિકૃત રીતે વાપરી રહ્યા છે, પરંતુ તેમણે બોમ્બને ધ્યાન પર લીધો ન હતો અને બાજરી કાપવાનું કામ ચાલુ રાખ્યું હતું.
ત્યારબાદ રોનીકકુમારને લસણીયો બોમ્બ મળતા તે લઈ ગીતાબેનને બતાવવા ગયો હતો. જેથી ગીતાબેને બોમ્બ હાથમાં લઈ દબાવતા ફૂટયો હતો. જેમાં તેમને હાથના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેમજ નજીક ઉભેલા રોનીકકુમારને ગાલ અને કપાળ પર ઇજાઓ થઇ હતી. 108ની મદદથી બંનેને સારવાર માટે ઝંખવાવ રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યારે વધુ સારવાર માટે ગીતાબેનને સુરત સિવિલ લઈ જવા્યા છે. તેમજ રોનીકને સારવાર કરી રજા આપી છે. હાલ ગીતાબેનના પુત્ર કલ્પેશકુમારે માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.