ફરિયાદ:લીમોદરાના પૂર્વ સરપંચ અને હાલ કોમ્પ્યુટર ઓપરેટર મહિલાએ યોજનાના લાભ માટે પરિવારના 3 ફોર્મ ભર્યા

વાંકલ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામના સરપંચ અને ચૂંટાયેલા સભ્યોએ ટીડીઓ અને કલેક્ટરને ફરિયાદ કરી ઓપરેટરને બદલવા માગ કરી

માંગરોળ તાલુકાની લીમોદરા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરે માનવ ગરિમા યોજના હેઠળ મળતા લાભ માટે પોતે અને પોતાના ઘરના ત્રણ સભ્યોના અરજી ફોર્મ ભરી દીધા છે પરંતુ ગરીબ લાભાર્થીઓના અરજી ફોર્મ ભરતાં નથી અને ગરીબ લાભાર્થીઓ પાસે વિવિધ યોજના હેઠળ અરજી ફોર્મ ભરવાના આડેધડ પૈસા વસૂલી રહ્યા હોવાની ફરિયાદ ગામના ચૂંટાયેલા સરપંચ અને સભ્યોએ ટીડીઓ અને કલેક્ટરને કરી ઓપરેટર બદલવા માગ કરી છે.

લીમોદરા ગ્રામ પંચાયતના સરપંચ ભારતીબેન નાનુભાઈ રાઠોડ અને ગ્રામ પંચાયતના સદસ્ય હસમુખભાઈ પટેલે ટીડીઓ અને કલેકટરને ફરિયાદ કરી જણાવ્યું કે લીમોદરાના સરપંચ તરીકે અગાઉની ટર્મમાં રહેલા અને હાલ ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા ભારતીબેન પટેલ મનમાની ચલાવી આડેધડ ખોટું કરી રહ્યા છે

તેઓ માનવ ગરિમા યોજના હેઠળ ગામના લાભાર્થીઓને મળવા પાત્ર લાભોની અરજીના ફોર્મ ભરતા નથી અને પોતે સક્ષમ હોવા છતાં યોજનાઓનો લાભ લેવા ઓનલાઈન ફોર્મ તેમણે ભર્યું છે સાથે તેમના દિયર શૈલેષભાઈ પટેલ અને ભાભી મીનાક્ષીબેન પટેલ તેમજ કાકાની દીકરી પંક્તિબેન પટેલ સહિત કુલ ચાર અરજી ફોર્મ પોતાના જ કુટુંબના સભ્યોના ભર્યા છે, જ્યારે ગામના લાભાર્થીઓ જે ખરેખર જરૂરિયાત મંદ છે.

તેવા લોકોના ફોર્મ નહીં ભરી ગરીબ લોકોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ બાબતે યોગ્ય તપાસ થાય તો અગાઉ પણ તેમણે સગા સંબંધીઓના ફોર્મ ભરી ગેરકાયદેસર લાભ લીધા હોવાનું બહાર આવે તેમ છે. અમે પોતે ચૂંટાયા પછી ગ્રામ પંચાયતના ઓપરેટરની નિમણૂંક અંગે અધિકારીઓ પાસે માહિતી માગી છે પરંતુ આ બાબતે કોઈ માહિતી આપવામાં આવતી નથી.

આખરે આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર ગાંધીનગર, માંગરોળના સ્થાનિક ધારાસભ્ય ગણપતભાઈ વસાવા વગેરેને ફરિયાદ કરી છે. જો આ બાબતે ગરીબોના હિતમાં ભ્રષ્ટાચાર આચરનાર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ન છૂટકે સરપંચ અને સભ્યોએ ગાંધી ચીંધ્યા માર્ગે ધરણા વિરોધ પ્રદર્શન જેવા કાર્યક્રમો કરશે. સરકારી કચેરીઓ સામે કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આવકના પ્રમાણપત્ર માટે ચાર્જ પણ લે છે
ઓપરેટર ભારતીબેન પટેલ દ્વારા ઈશ્રમ કાર્ડ બનાવવા રૂપિયા 50, આવક પ્રમાણપત્રનું ફોર્મ અને પ્રમાણપત્ર ફી ₹20 અને 70 લેે છે. રેશનકાર્ડ બનાવવા અને રેકોર્ડમાં નામ ઉમેરવા 300 અને રૂપિયા 80 લેે છે. આયુષ્યમાન કાર્ડ બનાવવા રૂપિયા 70 ઓનલાઈન મરણ પ્રમાણપત્રની ફી ₹ 30 અને ઓનલાઈન આકારણીની ફી ₹ 20 લેે છે. અન્ય ગ્રામ પંચાયતોમાં આ પ્રમાણેનો ચાર્જ લેવામાં આવતો નથી.

અન્ય સમાચારો પણ છે...