માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામના હનુમાનજી મંદિરે જનજાતિ સુરક્ષા મંચ કાર્યકર સંમેલનમાં ધર્મ પરિવર્તન કરી અનામત સહિત ડબલ લાભ લેનારા લોકોને અનુસૂચિત જનજાતિમાંથી દૂર કરવાની પ્રબળ માગ સાથે સંતો અને આગેવાનોએ ધર્મ પરિવર્તન કરાવનારા સંગઠનો વિરુદ્ધ પ્રહારો કર્યા હતા. હાલના સમયે કેટલાક લોકો પોતાની સંસ્કૃતિ છોડી ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મનો અંગીકાર કરી રહ્યા છે તેવા 80 ટકા લોકો આદિવાસી જનજાતિના અનામત સહિતના લાભો ખોટી રીતે લઈ રહ્યા છે ત્યારે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આ મુદ્દે દેશ વ્યાપી આંદોલન શરૂ કરાયું છે, જેના ભાગરૂપે ઝંખવાવ ખાતે અરવિંદભાઈ વસાવા, ચંપકભાઈ ચૌધરી સહિત જન જાતિ સુરક્ષા મંચના સભ્યો દ્વારા શોભાયાત્રા અને સંમેલનનું આયોજન ઝંખવાવ હનુમાનજી મંદિરે કરાયું હતું.
ભારતમાતા અને ભગવાન બિરસા મુંડાની શોભાયાત્રા નીકળી હતી. સંમેલનમાં ગુજરાત પ્રાંતના સહ સંયોજક ભગુભાઈ ચૌધરીએ ધર્મ પરિવર્તન કરી અનામત સહિતના અનેક ખોટા લાભો લેનારા લોકો વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. ધરમપુરના જશોદા દીદી મોતીરામ મહારાજ સહિત વક્તાઓએ ખોટા લાભ લેનારા વિરુદ્ધ પ્રહારો કર્યા હતાં. અધ્યક્ષસ્થાનેથી સંસદ સભ્ય પ્રભુભાઈ વસાવાએ સંબોધન કરતા જણાવ્યું કે આખા દેશ લેવલે ધર્મ પરિવર્તન કરનારા લોકો દ્વારા અનુસૂચિત જનજાતિ સમાજના હક્ક અને અધિકારો ઉપર તરાપ મારવામાં આવી રહી છે જેને લઇ જનજાતિ સુરક્ષા મંચ દ્વારા સંમેલનોનું આયોજન થઈ રહ્યું છે.
દેશમાં જે જ્ઞાતિને લઘુમતીનો દરજ્જો અપાયો છે છતાં ધર્મ પરિવર્તન કરી ડબલ લાભ લઈ ખરા આદિવાસીના હક અને અધિકારો પર તરાપ મારવામાં આવી રહી છે. ધર્મ પરિવર્તન કરવું એ રાષ્ટ્રહિત માટે નુકસાનકારક છે.સંમેલનમાં ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી વિપુલભાઈ પટેલ વિઠ્ઠલભાઈ ચૌધરી જગદીશભાઈ પટેલ અતુલભાઇ પટેલ જન જાતિ કલ્યાણ આશ્રમના યોગેશભાઈ ગામીત ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.