માંગરોળ તાલુકાના આસરમા ગામ નજીક કીમ ખાડીના ટર્નિંગ પાસે ટેમ્પો ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા પતિ પત્ની અને બે પુત્રો ઈજાગ્રસ્ત થતાં તમામને અંકલેશ્વર ખાતે સારવાર માટે લઈ જવાયા છે, જ્યારે લોકોએ અકસ્માત કરનાર ટેમ્પો ચાલકનો પીછો કરતા સીમોદરા ગામ નજીક ટેમ્પો બિનવારસી મુકી ચાલક ફરાર થઈ ગયો હતો. મળતી વિગતો મુજબ મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ ગામના રાજુભાઈ મફાભાઈ સોલંકી કેરીના સીઝનલ ધંધા માટે કનવાડા ગામે કેરીની વાડી રાખી કેરીનો વેપાર કરે છે. તેમની સાથે તેમના માતા-પિતા અને નાનો ભાઈ આ કામમાં સહયોગ આપે છે.
રાજુભાઈ સોલંકી કનવાડા ગામેથી પોતાની બાઈક પર પત્ની અને બે પુત્રો સાથે સાંજે કોઠવા ગામે દરગાહના દર્શન કરવા નીકળ્યા હતા. આ સમયે આસરમા ગામ નજીક કીમ ખાડીના ટર્નિંગ પાસે ટેમ્પો નંબર G J 19 X 8045ના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે ગફલતભરી રીતે હંકારી બાઈક ચાલકને અડફેટે લીધો હતો. ત્યારે બાઇક પર સવાર રાજુભાઈ તેમજ તેમની પત્ની રેખાબેન બંનેને ઈજાઓ થઈ હતી સાથે બે નાના બાળકો રાહુલ અને રોનક બંનેને ઇજા થઇ હતી.
આ સમયે સ્થાનિક લોકોએ અકસ્માત કરનાર ટેમ્પો ચાલકનો પીછો કર્યો હતો. ત્યારે ટેમ્પોચાલક આસરમા ગામ નજીક પોતાનો ટેમ્પો બિનવારસી મૂકી ખેતરાડી રસ્તે ભાગી છૂટ્યો હતો. સ્થાનિક લોકોએ 108ને બોલાવી ઈજાગ્રસ્તોને અંકલેશ્વરની એક હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા. રેખાબેન તેમજ રાહુલને પગે ફેક્ચર થયું છે. આ ગુના સંદર્ભમાં પરિવારના સભ્ય અજયભાઈ મફાભાઈ સોલંકી માંગરોળ પોલીસ મથકમાં ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.