દીપડાને ઝબ્બે કરવા રજૂઆત:મહુવા ગામે ફરતા દીપડાથી ગ્રામજનો ભયભીત

મહુવા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાચબી ફળિયામાં પાંજરું મૂકી દીપડાને ઝબ્બે કરવા રજૂઆત કરાઈ

મહુવા ગામે રહેણાંક તેમજ ખેતરાળ વિસ્તારમાં બિન્દાસ્ત ફરતા દીપડાને લઈ હાલ ગ્રામજનો ભયના ઓથમા જીવી રહ્યા છે.ગામમાં બિન્દાસ્ત ફરતો દીપડો વાહન ચાલકના કેમેરામા કેદ થઈ ગયો છે.જેને લઈ હાલ મહુવા ગ્રામજનો ખેતરે જવાનુ પણ ટાળી રહ્યા છે ત્યારે મહુવા વનવિભાગ દ્વારા બિન્દાસ્ત ફરતા દીપડાને પાંજરે પુરી ગ્રામજનોને ભયમુક્ત કરે એવી માંગ ગ્રામજનો સેવી રહ્યા છે.

મહુવા ગામે કાચબી ફળિયામાં ઘણા દિવસોથી કદાવર દીપડો રહેણાંક તેમજ ખેતરાળ વિસ્તારમા બિન્દાસ્ત ફરી રહ્યો છે. ઘણી વાર શિકારની શોધમાં આ કદાવર દીપડો રહેણાક વિસ્તારમા પણ ધસી આવે છે અને પાલતુ મરઘાનો શિકાર કરે છે. અવારનવાર દીપડાના હુમલા તેમજ વહેલી સવારે તેમજ સાંજે રહેણાક વિસ્તારમા બિન્દાસ્ત ફરતા દેખાતા દીપડાને લઈ ગ્રામજનોમા ભયનો માહોલ છવાઈ ગયો છે. હાલ ખેડૂતો દિવસ દરમ્યાન ભેગા મળી ખેતરે કામ અર્થે જાય છે જ્યારે રાત્રી દરમ્યાન તો ખેડૂતો ખેતરે જવાનુ ટાળી રહ્યા છે.

મહુવા કાચબી ફળિયામાંથી એક ખેડૂત કાર લઈ રાત્રી દરમિયાન પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન એક કદાવર દિપડો બિન્દાસ્ત કાચા માર્ગની બાજુમાં બેસી રહ્યો હતો, જે દીપડો જોઈ કાર ચાલક ભયભીત બની ગયા હતા. જોકે ત્યારબાદ હિંમત કરી આ દીપડાને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો. ઘટના બાદ ભયભીત બનેલ ગ્રામજનોએ વનવિભાગને મહુવા ગામે કાચબી ફળિયામાં પાંજરું મૂકી દીપડાને ઝબ્બે કરવા રજૂઆત કરી હોવાનુ જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...