કાર્યવાહીની માગ​​​​​​​:3.87 કરોડના ખર્ચે મંજૂર થયેલો વલવાડા પુલ છેલ્લા 5 વર્ષથી અધૂરો

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુના સાંકડા પુલ પરથી પસાર થનાર વાહનચાલકોને અવારનવાર નાના અકસ્માતો થઇ રહ્યા છે, એજન્સી સામે કાર્યવાહીની માગ

મહુવા તાલુકાના વલવાડા ગામે 3.87 કરોડના ખર્ચે બનનાર પુલની કામગીરી કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈ પાંચ વર્ષથી વધુ સમયથી ખોરંભે પડી છે, જેને લઈ વાહન ચાલકોએ જુના સાંકડા પુલ પરથી પસાર કરી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જવાબદાર તંત્ર આવી એજન્સી સામે લાલ આંખ કરી કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરે એવી માગ વાહન ચાલકો સેવી રહ્યા છે. મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર વલવાડા ગામની સીમમાથી પસાર થતી ઓલણ નદી પર વર્ષો પહેલા બનાવેલ સાંકડા પુલને લઈ વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ઉપરાંત સાંકડા પુલને લઈ અવારનવાર સર્જાતા અકસ્માતને લઈ કલાકો સુધી પુલ પર ભારે ટ્રાફિક જામ થઈ જાય છે. જેને લઈ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ જાય છે.વાહનચાલકોને પડતી હાલાકી અંગે સ્થાનિક ધારાસભ્યને રજુઆત કરાતા ધારાસભ્ય દ્વારા સરકારમા રજૂઆત કરતા વર્ષ - 2016-17 માં વલવાડા ઓલણ નદી પર નવા પુલ માટે 3.87 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી અને આ પુલ નિર્માણની કામગીરી પ્રથમ ત્રિશુલ કન્સ્ટ્રકશન કં.ને આપવામાં આવી હતી. 12 મીટર ઊંચો અને 105 મીટર લંબાઈ ધરાવતો આ પુલ નિર્માણની કામગીરી કામ કરનાર એજન્સી દ્વારા તા-3/01/2018 ના પૂર્ણ કરવાની હતી.

પરંતુ કામ કરનાર એજન્સીની બેદરકારીને લઈ આ પુલ નિર્માણની કામગીરી સમય મર્યાદા પહેલા પૂર્ણ થઈ શકી નથી. આ કામકરનાર એજન્સીની કહેવાતી લાલીયાવાડીનુ માઠુ પરિણામ હાલ નિર્દોષ વાહન ચાલકો ભોગવી રહ્યા છે. પાંચ વર્ષથી વધુ સમયથી ખોરંભે પડેલ કામગીરીને લઈ વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સાંકડા પુલને લઈ વાહન ચાલકો ઘણીવાર અકસ્માતના ભોગ પણ બની રહ્યા છે. ત્યારે વાહન ચાલકોને પડતી હાલાકીના નિરાકરણ માટે તંત્ર સત્વરે પુલની અધૂરી કામગીરી શરૂ કરાવે એવી માગ વાહનચાલકો સેવી રહ્યા છે.

પુલની કામગીરી ફરી અટકી ગઇ
2016-17માં પુલ નિર્માણની કામગીરી પ્રથમ ત્રિશુલ કન્સ્ટ્રકશનને આપવામાં આવી હતી. ત્યારબાદ પુલની કામગીરી અટકી ગઈ હતી. ત્યારબાદ બે વર્ષ પહેલાં ફરી કામગીરી શરૂ થઈ હતી અને એક-બે માસ બાદ ફરી કામગીરી અટકી ગઈ છે, જે પુલ દોઢ થી બે વર્ષની સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો હતો તે પુલ આજે પાંચ વર્ષથી વધુ સમય થવા છતા પણ અધુરો છે. કામ કરનાર એજન્સીની લાલીયાવાડીનો ભોગ હાલ નિર્દોષ વાહન ચાલકો સેવી રહ્યા છે.
નવો પુલ બનવો ખૂબ જ જરૂરી
મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર વલવાડા ગામેથી રોજબરોજના હજારો વાહન ચાલકો પસાર થાય છે, જેથી આ સાંકડા પુલના સ્થાને નવો પુલ બનવો ખૂબ જ જરૂરી છે. કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર થયેલ પુલ નિર્માણ માટે છેલ્લા પાંચ વર્ષમા બે એજન્સી આવી ગઈ છતા પુલની કામગીરી અધૂરી છે. વાહન ચાલકોએ સાંકડા પુલ પરથી પસાર થવુ પડે છે જેને લઈ ઘણીવાર અકસ્માતના પણ ભોગી બને છે જેને લઈ જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતા દાખવી સત્વરે આ પુલ નિર્માણની અટકેલ કામગીરી શરૂ કરાવે એ અત્યંત જરૂરી છે. > સ્નેહલભાઈ પટેલ, માજી સરપંચ, પુના

અન્ય સમાચારો પણ છે...