વિશ્વ મહિલા દિવસ:આંખોની રોશની ન હોવા છતાં મહુવાની આ 2 મહિલાએ જીવનને ઝળહળતું રાખ્યું

મહુવા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુઃખને મે દુઃખ ન માન્યું એથી જ તો હંમેશા હસતી રહી: નમ્રતાબેન પટેલ

જીંદગીમાં જીંદગીને ભરતી રહી,આફતો સામે હંમેશા લડતી રહી,દુઃખને મેં દુઃખ ન માન્યુ એથી જ તો આજદિન સુધી હસ્તી રહી. આ શબ્દો છે મહુવા તાલુકાના માછીસાદડા ગામના પ્રજ્ઞાચક્ષુ નમ્રતાબેન પટેલના તેમણે સાત વર્ષની ઉંમરે તેમણે પહેલા ધોરણમાં અંધજન શાળામાં પ્રવેશ મેળવ્યો. અને અભ્યાસની સાથે સંગીતમાં રસ દાખવી માત્ર સાત વર્ષની ઉંમરે જ રાજ્યકક્ષાએ સુગમ સંગીતમાં ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.

ત્યારબાદ 2001માં અમદાવાદમાં યોજાયેલી બલાઇન્ડ સુગમ સંગીત સ્પર્ધામાં બીજો ક્રમાંક અને સુગમ ગીતમાં પ્રથમ ક્રમ મેળવ્યો તે બાદ પણ અનેક સફળતા મેળવી પોતાનું નામ રાજ્ય કક્ષાએ ગુંજતુ કર્યું છે.નમ્રતાબેન પટેલ બી.એ,બી.એડ. અને વિસારદની પદવી પ્રથમ વર્ગ સાથે મેળવી છે. ત્યારબાદ તેઓ 2008થી ધરમપુર ખાતે સંગીત શિક્ષિકા તરીકે વિદ્યાર્થીઓને સંગીતનું જ્ઞાન પીરસી રહ્યા છે. અને કપરી પરિસ્થતીમાં પણ સફળતા મળી શકે એ વાતને સાબિત કરી રહ્યા છે.

ખામીને ખૂબી બનાવી હિંમતભેર સામનો કરો તો સફળતા મળે : દર્શનાબેન નાયકા
મહુવા તાલુકાના કાછલ ગામે ગરીબ પરિવારમા જન્મેલ પ્રજ્ઞાચક્ષુ દર્શનાબેન વિક્રમભાઈ નાયકાએ નાનપણમાં જ પિતાની છત્ર છાયા ગુમાવતા તેઓ દુઃખના ડુંગર નીચે દબાય ગયા હતા. છતા પણ હિંમત હાર્યા વિના સગા સંબંધી અને મિત્રોની મદદથી એચએસસીનો અભ્યાસ પૂર્ણ કરી મ્યુઝિક ક્ષેત્રે પોતાની અલગ છાપ છોડવાના હેતુથી સંગીત વિષય પસંદ કર્યો હતો. અને એમ.એસ યુનિવર્સિટીમાં 5 વર્ષનો મ્યુઝિક કોર્સ હોસ્ટેલમા રહી પૂર્ણ કરી માસ્ટર ઈન પર્ફોમિંગ આર્ટની ડીગ્રી મેળવી હતી. કોલેજ કાળ દરમિયાન ટ્રેનની મુસાફરીથી લઈ હોસ્ટેલમા વિતાવેલ 5 વર્ષના સમયગાળા દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. છતા પણ હિંમત હાર્યા વિના આગળ વધતા રહ્યા હતા. આખરે દિલ્હી નોયડામાં લેવાયેલ ઈન્ટરવ્યુ પાસ કર્યા બાદ તેમની પસંદગી મ્યુઝિક ટીચર તરીકે વાંસદા તાલુકામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમા ફરજ બજાવી રહ્યા છે. તેમણે જણાવ્યુ હતુ કે પોતાની ખામી અંગે વિચારી દુખી થવા કરતા ખામીને ખૂબી બનાવી હિંમત પૂર્વક મુશ્કેલીનો સામનો કરવાથી જીવનમાં સફળતા જરૂર મળે છે.

અન્ય સમાચારો પણ છે...