મહુવા તાલુકાના વહેવલ ગામની સીમમાં જંગલમાં વાંસદા તાલુકાના ચાપલધરાના ગામના 48 વર્ષીય પુરુષે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી ઝાડે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે તો મહુવા પોલીસે વ્યાજે ધીરનાર આરોપી વિરુદ્ધ દુષપ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વ્યાજખોરોના ત્રાસથી આપઘાતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયા બાદ વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવવાનો વધુ એક બનાવ બનવા પામ્યો છે.
વાંસદા તાલુકાના ચાપલધરા ગામના ડુંગરી ફળિયાના ઠાકોરભાઈ સુખાભાઈ પટેલ (48)ને ગામના જ રહીશ મોહનભાઇ છીબાભાઈએ વ્યાજપેટે ત્રણ લાખ રૂપિયા આપેલા જે પૈકી એક લાખ રૂપિયા પરત ચૂકવી દીધેલ હતા.
ઠાકોરભાઈએ અન્ય લોકો પરથી પણ ઉછીના રૂપિયા લીધેલા હોય અને ઘરના ગાય અને બકરા વેચી દીધેલા હોય છતાં પૈસાની સગવડ થાય તેમ નહિ હોવાથી બાકીની રકમ મેળવવા માટે વ્યાજે આપનાર મોહનભાઇ છીબાભાઈ દ્વારા ઠાકોરભાઈ પર પૈસા પરત કરવા ઘરે આવી તેમજ ફોન પર પૈસાની માંગણી કરી માનસિક દાબ દબાણ કરતો હોય ત્યારે ઠાકોરભાઇએ કંટાળી જઈ પોતાના હસ્તાક્ષરમાં ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી મહુવા તાલુકાના વહેવલ ગામની સીમના જંગલમાં મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર આવેલી સેન્ટ્રલ નર્સરીની બાજુમાં ઝાડ પર ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસે વ્યાજે આપનાર આરોપી વિરુદ્ધ દુષપ્રેરણાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.