કામગીરી:બદલી રદ કરી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યવાહક પ્રમુખના પત્ની પરત કાછલ મુકાયા

મહુવા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેમ્પમાં 6 શાળાના શિક્ષકો સાથે અન્યની પણ બદલી કરી દેવાઈ હતી
  • ખોટી રીતે બદલી કરી આંગલધરા ગયેલા શિક્ષકને પણ પરત સેવાસણ મુકાયા

મહુવા તાલુકાની પ્રાથમિક શાળામાં ખોટી રીતે વધ બતાવી કરેલ બદલી અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમા પ્રસિદ્ધ થતા જ જવાબદારો દોડતા થઈ ગયા હતા.અને રેલો આવતા જ અધિકારીઓએ પોતાના બચાવ માટે નીતિ નિયમો વિરુદ્ધ થયેલ બંને બદલીના હુકમો રદ કરી ગુરુવારે બન્ને શિક્ષકોને પરત મૂળ જગ્યાએ મૂકી દેવામાં આવ્યા છે.જેથી તાલુકાના મહત્તમ શિક્ષકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.આતો માત્ર નમુનારૂપ ખોટી બદલીઓ રદ થઈ બીજી નિયમ વિરૂદ્ધ થયેલ બદલીઓ સામે પણ આવી કાર્યવાહી ક્યારે કરવામાં આવશે એવા પ્રશ્નો તાલુકાના શિક્ષકોમાં ચર્ચાયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકામાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં શિક્ષકોની બદલીમાં વધ-ઘટના નામે તરખટ ચાલતું જ હતું ત્યારે તાલુકાના કાછલ ગામે શિક્ષિકાની ખોટી રીતે વધ બતાવી બદલી થતા ગામના સરપંચ સહિત વાલીઓ વિરોધ સાથે મેદાનમાં ઉતરી મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી આંદોલનની ચીમકી આપી દીધી હતી.આ બાબતે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ અન્ય એક સેવાસણના શિક્ષકની પણ ખોટી રીતે થયેલ બદલીનુ પ્રકરણ બહાર આવ્યું હતુ.શિક્ષકોના હિતમાં મહુવા તાલુકામા ખોટી રીતે થતી બદલીઓના ખેલ અંગે દિવ્ય ભાસ્કરમા બુધ અને ગુરુવારના રોજ અહેવાલ પ્રસિદ્ધ થયો હતો.

દિવ્ય ભાસ્કરમા અહેવાલ પ્રસિદ્ધ થતા જ ખોટી રીતે બદલી કરનાર અને કરાવનારોમા ફફડાટ ફેલાય ગયો હતો.અને આ વિવાદ વધુ વકરે તે પહેલાં જ પ્રકરણ પર ઠંડુ પાણી રેડતા હોય એમ બન્ને બદલીના હુકમો ગુરુવારના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા રદ કરી બંને શિક્ષકોને મૂળ શાળામાં હાજર થવાનો હુકમ કર્યો હતો.અને બંને શિક્ષકો જેતે શાળામાં પરત હાજર થઈ ગયા હતા.

મહુવા તાલુકાના શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ આ ખોટી બદલીના હુકમો રદ કરવામાં આવ્યા તે તો માત્ર નમૂના રૂપ દાખલાઓ છે અન્ય બોગસ બદલીઓના હુકમો રદ ક્યારે થશે.અને આ બદલીઓ બાબતે મહુવા તાલુકા સહિત જિલ્લામાં કમિટી બનાવી ઉચ્ચસ્તરીય તપાસ હાથ ધરવામાં આવે તો ઘણા ભોપાળાઓ બહાર આવવાની શક્યતા છે.

પતિ-પત્નીની એક શાળામાં જવાની લાલસામા ખોટા રસ્તાનો સહારો
મહુવા તાલુકાની કાછલ પ્રાથમિક શાળાના શિક્ષિકા જેમની ખોટી રીતે બદલી કરવામાં આવી હતી અને રેલો આવતા જ બદલી હુકમ રદ કરવામાં આવ્યો છે. એ શિક્ષિકા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યવાહક પ્રમુખના પત્ની છે. શાળામાં જોડુ કરવાની લાલશામા ખોટા રસ્તાનો સહારો લીધો તે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સેનાપતિ માટે કેટલું યથા યોગ્ય ?

બદલીના હુકમ પર પણ પ્રા. શિક્ષણ અધિકારીના જ હસ્તાક્ષર !
મહુવાના શિક્ષકોના વધ-ઘટના નામે બદલીના હુકમો રદ કરી મૂળ શાળામાં મુકવાના હુકમમાં પણ અનેક વિસંગતતા સાથે જવાબદારોનો લૂલો બચાવ કરવામાં આવ્યો હોવાનું જણાય રહ્યું છે.હુકમમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે સદર પ્રકરણમાં શાળામાં ધોરણ 1 થી 5 માં બે શિક્ષકો જ હોવા છતાં વધ બતાવી અન્ય શાળામાં બદલી કરવામાં આવી હોવાની જાણ જિલ્લા કચેરીને પ્રિન્ટ મીડિયાની માધ્યમથી થઈ.વધ-ઘટ કેમ્પમાં શરતચુકથી બદલી થઈ હોય પરત શાળામાં મુકવામાં આવે છે.સવાલ એ ઉદ્દભવ્યો છે કે તાલુકા શિક્ષણ કચેરી દ્વારા આ વિવાદિત બદલીઓ બાબતે વધની જાણ કરવામાં આવી ન હતી,તો બદલી કરાવવા કોણ ગયુ ? બદલીના હુકમ પર પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના જ હસ્તાક્ષર હતા ત્યારે આ માત્ર એક શરતચૂક કે પછી બંધ બારણે ખેલાયેલ ખેલ એવા પ્રશ્નો પણ કાછલ ગામના વાલીઓમા ચર્ચાયા હતા.

અન્ય સમાચારો પણ છે...