જયદીપસિંહ પરમાર
170 મહુવા વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ત્રણ ઉમેદવારો વચ્ચે ત્રિ પાંખીયો જંગ ખેલાવવાનુ નક્કી થઈ ગયુ છે. જેથી હવે 138 ગામોમા ધીરે ધીરે ચૂંટણી માહોલ જામવા લાગ્યો છે. અને શિયાળાની ઠંડી સાથે સાથે ગામડાનુ વાતાવરણ પણ પલટાઈ રહ્યુ છે. ઠંડીમાં ગરમી મેળવવા માટે તાપણા સાથે બાકડા બેઠક તેમજ ખાટલા બેઠકો શરૂ થઈ ગઈ છે. તો વિધાનસભાની ચૂંટણીને લઈ યુવાનોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને વિકાસની વાતોના મુદ્દા સાથે રાજકીય સમીકરણો વિચારી રહ્યા છે. કોઈ ગામડામાં જોરદાર રાજકીય ગરમાવો છે, તો વળી ક્યાંક વાતાવરણ નીરસ પણ છે. દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ દ્વારા આ અંગે ગ્રાઉન્ડ રિપોર્ટ શરૂ કર્યો છે. મહુવા વિધાનસભા બેઠકના કયા ગામડામાં ચૂંટણી સંદર્ભે કેવો માહોલ પ્રવર્તિ રહ્યો છે, એ તમને ઘર બેઠા જણાવીશું.
વિવિધ ગામોમાં છે આ મુજબ ચૂંટણીનો માહોલ
દેદવાસણ - મહુવાનું દેદવાસણ ગામમાં 1800 જેટલા મતદારો છે. ચૂંટણી જાહેર થતા જ ગામમાં રાજકીય ચહલ પહલ તો શરૂ થઈ ગઈ છે, પરંતુ ગામમાં બે ભાગલા નહી પડે અને ગ્રામજનો અંદરોઅંદર એકબીજાના દુશ્મન નહી બને તે માટે ગામના યુવાનોએ ગ્રાઉન્ડ પર એક મીટિંગનું આયોજન કરી તેમાં સર્વ સંમતિથી ઉમેદવાર નક્કી કરી તેની તરફેણમાં મતદાન કરવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. તો ગામમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા અંગે પણ હાલ ખેડૂતોમા ચર્ચા ચાલી રહી છે.
નળધરામાં વાતાવરણ નિરસ -મહુવા તાલુકાનુ નળધરા ગામ 3000 થી વધુ વસ્તી ધરાવતુ ગામ છે. આ ગામમાં હાલ ચૂંટણીને લઈ ગ્રામજનોમા ઉત્સાહ જોવા મળ્યો નથી.આગામી એક સપ્તાહ સુધી વાતાવરણ નીરસ જ રહેવા અંગે ગ્રામજનો જણાવી રહ્યા છે. ઉમેદવારો દ્વારા ગામનો સંપર્ક પણ કરવામાં આવ્યો નથી, હાલ ગ્રામજનો શેરડી રોપણી અને ડાંગર કાપણીમા વ્યસ્ત હોવાનુ સરપંચ અતુલભાઈ ચૌધરીએ જણાવ્યુ હતું.
ડુંગરીમાં બેઠકોનો દોર શરૂ - કોઈ પણ ચૂંટણી હોઈ મહુવા તાલુકાના ડુંગરી ગામમાં ગરમાટો આવી જ જાય છે, અને ચૂંટણીને લઈ ગામમાં અલગ જ માહોલ હોય છે. ગ્રામજનો ભેગા મળી તાપણા સાથે રાત્રી બેઠકનો દોર શરૂ કરી દીધો છે. વિકાસ બાકી રહેલા કામો અંગેની ચર્ચામાં પણ નવા યુવાન મતદારો ઉત્સાહ પૂર્વક ભાગ લઈ રહ્યા છે. ખેતરના અમુક રસ્તા બાબતે ચર્ચા છે. ચૂંટણીને લઈ હાલ ગામમા કોઈ આંતરિક વિવાદ નથી.
મહુવામાં અાગેવાનોની દોડઘામ - ચૂંટણી જાહેર થતા જ ગામના રાજકીય અગ્રણીઓ દોડતા થઈ ગયા છે. તાલુકા મથક હોવાથી મોટા નેતાઓ મહુવામાં બેસી ચૂંટણી રણનીતિ ઘડી રહ્યા છે.તો સરકારી તંત્ર પણ ચૂંટણી કામગીરીમા મંડી પડયુ છે. હોટલ,દુકાનો,ચા ની લારીઓ પર ચૂંટણીની જ ચર્ચા જ ચાલી રહી છે. ગામમાં પ્રાથમિક સુવિધાની તેમજ આ વખત કોણ બાજી મારશે, જે બાબતે ગ્રામજનોમા ચર્ચા ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.