તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુસાફરોને હેરાનગતિ:મહુવાના એસ.ટી. ડેપો સાથે ઓરમાયુ વર્તન, અનેક રૂટ બંધ

મહુવા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્રની અવળી નીતિથી પ્રાઇવેટ ઓપરેટરોને મળે છે મોકળું મેદાન
  • એસટીના રૂટ બંધ હોય મુસાફરોને હેરાનગતિ, રૂટ વધારવાને બદલે બંધ કરાયા

મહુવા એસ.ટી. ડેપોએ મહુવા-ભાવનગરના રૂટ વધારવા જોઇએ અને ગ્રામ્ય વિસ્તારના રૂટ શરૂ કરવા જોઇએ. મહુવા શહેરમાં પીકઅપ અને ડ્રોપ પોઇન્ટ ઉભા કરી મહુવા - ભાવનગર - મહુવા રૂટ શરૂ કરી મહુવા એસ.ટી.ડેપોએ પ્રાઇવેટ ઓપરેટરોને નાથવા જોઇએ. તેવી માંગ મુસાફરોમાં ઉભી થવા પામી છે.જિલ્લામાં વધુ નફો કમાતા મહુવાના એસ.ટી. ડેપો સાથે ઓરમાયુ વર્તન રાખવામાં આવતુ હોવાના કારણે એક વખતનો એ ગ્રેડનો ડેપો સી-ગ્રેડનો બની ગયો છે. મહુવા ડેપોમાં કર્મચારીઓ માટે આ સજાનુ સ્થળ હોય તેવુ વાતાવરણ ઉભુ કરવામાં આવ્યુ છે. આથી અધિકારી, કર્મચારી અને ક્રુ ને પણ મહુવા ડેપોના વિકાસમાં કોઇ રસ રહેવા પામ્યો નથી.

પ્રાઇવેટ ઓપરેટરોને નાથવા પણ એસ.ટી.તંત્રએ મહુવા શહેરમાંથી મીની બસના રૂટ શરૂ કરવા જોઇએ આ વ્યવસ્થાથી એસ.ટી. નિગમને વધુ મુસાફર મળે અને મુસાફરોને પણ આર્થિક ફાયદો થાય.નોન સ્ટોપ ઇન્ટરસીટી બસના જુદા જુદા રૂટ મહુવા શહેરને હાઇ-વે સાથે જોડતા સોસાયટીના રોડ જેમ કે, એસ.ટી. સ્ટેન્ડ થી ગાંધીબાગ-વી.ટી.નગર રોડ, શનીદેવ-ભાવનગર, એસ.ટી.સ્ટેન્ડથી- વાસીતળાવ-ગોરડીયા કોમ્પ્લેક્ષ-મગનભાઇનું સ્ટેચ્યુ - ગાયત્રીનગર -સ્વમીનારાયણ મંદિર-ભાવનગર, એસ.ટી. સ્ટેન્ડથી - કુબેરબાગ – ગાંધીબાગ-કોલેજચોક – મોટા જાદરા રોડ, ગોકુળનગર - ભાવનગર, એસ.ટી.સ્ટેન્ડથી- ભાદ્રોડ ગેઇટ- નવા ઝાપા- ખાર ગેઇટ-બારપરા-રામ પાસરા-કિશાન સોસા.-ભાવનગર એમ ચાર રૂટ બાયપાસ રોડ ઉપરથી ચલાવી અને પરત તે જ રૂટ ઉપર એસ.ટી. સ્ટેન્ડ પહોંચે તેવી માંગ મહુવા શહેરના મુસાફરોમાં ઉભી થવા પામી છે.

અગાઉ એસ.ટી. ડેપો દ્વારા આવી વ્યવસ્થા શરૂ કરાઇ હતી જેને સારો એવો પ્રતિસાદ પણ મળેલ પરંતું રોડના બહાના તળે પ્રાઇવેટ ઓપરેટરોના દબાણને કારણે બંધ કરવામાં આવેલ છે. મહુવાના મોટાભાગના રોડ ઘણા સમયથી આર.સી.સી. રોડ બની ચુક્યા છે. આથી વહેલી તકે ફરી વહેલી તકે હાઇ-વે તરફ જતા રોડ ઉપરથી મહુવા-ભાવનગર રૂટની બસ ચલાવવામાં આવે તેવી માંગ મુસાફરોના અને એસ.ટી.ના હીતમાં હોય એસ.ટી. તંત્ર દ્વારા વાહન અને ક્રુ ની ઘટ તેવા વિવિધ બહાના તળે મહુવા શહેરમાંથી રૂટ ચલાવવામાં આવતો નથી. જે બાબત એસ.ટી. તંત્ર સાથે પ્રાઇવેટ ઓપરેટરોની મીલી ભગતના કારણે રૂટ ચલાવવામાં આવતા નથી તેવા ગંભીર આક્ષેપો મુસાફરો કરી રહ્યા છે. તેમ છતાં એસ.ટી. તંત્રના પેટનું પાણી હલતુ નથી.

જીવના જોખમે કરવી પડે છે મુસાફરી
કોરોનાના કારણે છેલ્લા 10 મહિનાથી મોટા ભાગના ગ્રામ્ય રૂટો બંધ હોવાના કારણે મુસાફરોને પ્રાઇવેટ ટેમ્પા, છકરડામાં જીવના જોખમે મુસાફરી કરવી પડે છે. આથી એસ.ટી. તંત્રએ ગ્રામ્ય રૂટો વહેલી તકે શરૂ કરવા જોઇએ તેવી માંગ તાલુકાના મુસાફરોમાં ઉભી થવા પામી છે.

દર 30 મિનિટે ભાવનગર-મહવા રૂટ ચલાવો
દર અડધી કલાકે મહુવા - ભાવનગર - મહુવા વચ્ચે સામ સામા-સામી મીની બસના રૂટો નિયમિત પણે ચલાવવામાં આવે ઉપરાંત દર કલાકે નોનસ્ટોપ ઇન્ટરસીટી બસ ચલાવવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...