વાલીઓમાં નારાજગી:કાછલમાં શિક્ષકની વધ ન હોવા છતાં બદલી કરાતા વાલીઓમાં નારાજગી

મહુવા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલ શાળામાં ધોરણ 1થી 5માં 41 વિદ્યાર્થીઓ સામે ફક્ત એક જ શિક્ષક અને તેમની પાસે આચાર્યનો ચાર્જ

મહુવા તાલુકાની જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં વધ-ઘટના નામે કાછલ ગામના બાળકોના ભાવિને દાવ પર લગાડી ખોટી રીતે શિક્ષિકાની બદલી કરવામાં આવી હોવાની લેખિત ફરિયાદ કાછલ ગામના વાલીઓ દ્વારા મુખ્યમંત્રીને કરાતા જિલ્લાની પ્રાથમિક શિક્ષણ કચેરીથી ચાલતા બદલીના ચક્રવ્યૂહનો ભાંડો ફૂટવા પામ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ સુરત જિલ્લાથી લઈ મહુવા તાલુકામાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના શાળાના શિક્ષકોની બદલીના ખેલ માટે અવારનવાર વિવાદોનું ભૂત ધૂણતું રહે છે. ત્યારે મહુવા તાલુકાના કાછલ ગામેથી શિક્ષિકાના બદલી મુદ્દે મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવતા ચકચાર મચી છે. કાછલ ગામના સરપંચ સહિત માજી સરપંચ અને વાલીઓ દ્વારા મહુવા તાલુકા વિકાસ અધિકારી અને મહુવા તાલુકા શિક્ષણ અધિકારીને લેખિત આપી તપાસની માગ કરી છે.

બાળકોના વાલીઓ દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ મહુવા તાલુકાની કાછલ પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 5માં 41 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં ધોરણ 1થી 5 માટે બે શિક્ષકો ફરજ બજાવતા હતા. પરંતુ બે શિક્ષકો પૈકી જૂન-2022માં શિક્ષિકા વિણાબેન નારણભાઇ પટેલની અન્ય શાળામાં બદલી થતાં ધોરણ 1થી 5ના બાળકોનું શિક્ષણકાર્ય ખોરંભે પડી ગયું હતું.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ફરિયાદમાં જણાવ્યા મુજબ કાછલ પ્રાથમિક શાળામાં કોઈ પ્રકારની વધ નહીં હોવા છતાં પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા 9/06/2022ના હુકમ મુજબ બદલી કરવામાં આવી છે.‎ ત્યારે શાળામાં કોઈ વધ જ નથી. તો શાળામાં વધ બતાવી બદલીનો ઓર્ડર કરવાનો પ્રશ્ન જ નથી‎ રહેતો. શાળામાં ફરજ બજાવતા હતા એ શિક્ષિકા વીણાબેન પટેલની બદલી નિયમ વિરુદ્ધ‎ ગેરકાયદેસર છે ત્યારે આ બાબતે ઉચ્ચસ્તરીય તપાસની માગ કરવામાં આવી છે.

વધ તરીકે બદલી‎ કરાવી શિક્ષિકા જૂન-2022માં છૂટા થઈ જતા કાછલ શાળામાં ધોરણ 1 થી 5 વચ્ચે માત્ર એક જ‎ શિક્ષક હોય અને તે પણ આચાર્ય તરીકે ફરજ બજાવતા હોય પૂરતા શિક્ષકો વિનાના બાળકોના‎ શિક્ષણ પણ માઠી અસર પહોંચી છે. ધોરણ 1માં પ્રવેશ લેનાર બાળકો કોરોનાને લીધે સીધા બીજા‎ ધોરણમાં પ્રવેશ અને હાલ નિયમ વિરુદ્ધ બદલી થતા પાયાના શિક્ષણમાં કચાશ રહેવા પામી છે.‎

ગ્રામજનોએ અરજ કરી છે કે ખોટી રીતે બદલી થઈ છે તે તાત્કાલિક અસરથી રદ કરી શાળામાં‎ હાજર કરવામાં આવે. અંતે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે સરકાર દ્વારા શિક્ષકની નિમણૂક‎ આ માસના અંત સુધીમાં નહિ કરવામાં આવે તો ના-છૂટકે શાળાને તાળાબંધી, ઉપવાસ કે‎ ગાંધીચીંધ્યા માર્ગે જલદ આંદોલન કરવાની ફરજ પડશે.‎

બદલી કેમ્પમાં શાળાનું નામ જ હતુ નહીં તો બદલી કઇ રીતે થઇ?
કાછલ પ્રાથમિક શાળાના શિક્ષિકાની વધ તરીકે બદલીમાં તપાસ કરતા ચોંકાવનારી વિગતો એવી મળી છે કે તા-24/05 2022 ના કામરેજ તાલુકામાં યોજાયેલા વધ-ઘટ સરભર કેમ્પમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી મહુવા દ્વારા 6 જેટલી શાળાના માત્ર 6 જ શિક્ષકોને હાજર રહેવા જાણ કરવામાં આવી હતી. ત્યારે કાછલ શાળામાં શિક્ષકની વધ હતી જ નહીં તો પ્રશ્ન એ ઉદ્દભવે છે કે કેમ્પમાં શિક્ષકની બદલી કઇ રીતે કરવામાં આવી?

બદલીનો ઓર્ડર કઈ રીતે થયો તે મને ખબર નથી
કાછલના સરપંચ અને વાલીઓ દ્વારા લેખિત રજૂઆત મને મળી છે, જે બાબતે ઉપલી કચેરીને જાણ કરી દેવા શે અને બદલી માટે મારા તરફથી કોઈ સૂચના આપવામાં આવી નથી. બદલીનો ઓર્ડર કઈ રીતે થયો તે મને ખબર નથી. વધમાં આવતા શિક્ષકોને મેં જાણ કરી હતી પરંતુ વધમાં નથી આવતા તે શિક્ષકોને મેં કોઈ પણ પ્રકારે જાણ કરી નથી. કેતન ચૌધરી મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી

શિક્ષક નહીં મૂકાય તો 1 લી ઓગસ્ટે શાળાને તાળાબંધી
કાછલ શાળાના શિક્ષકની ખોટી રીતે વધ બતાવી ગેરકાયદેસર બદલી કરાઈ છે, જે બાબતે ટીડીઓથી લઈ મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરવામાં આવી છે. બાળકોના ભાવિ સાથે ચેડા થયા છે ત્યારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે અને 30 તારીખ સુધીમાં શિક્ષક નહિ મૂકવામાં આવે તો 1 ઓગષ્ટ શાળાને તાળા બંધી કરી આંદોલન કરાશે . નરેનભાઈ ચૌધરી વાલી,કાછલ

અન્ય સમાચારો પણ છે...