તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:પ્રાકૃતિક ખેતી કરીને 10 વીઘામાં 350 મણ કેરીનું ઉત્પાદન

મહુવા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરતભાઈએ ગૌમૂત્ર આધારિત જવારણ બનાવીને આંબા પર થતા કિટનાશકો પર મેળવ્યું નિયંત્રણ

આજના આધુનિક યુગમાં ઝેરમુક્ત ખોરાક માટે પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે. આજની ઝડપી જીવનશૈલીમાં લોકો ખાનપાનની બાબતે જાગૃત થયા છે, ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી મુક્તિ મેળવવા મોટી સંખ્યામાં જાગૃત્ત થઈ રહ્યાં છે, ત્યારે મહુવા તાલુકાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રકૃતિ તરફ પ્રયાણ કરી રહ્યા છે.

મહુવા તાલુકાના સણવલ્લા ગામના રહેવાસી અને વ્યવસાયે શિક્ષક એવા ભરતભાઈ પટેલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને 10 વીઘા જમીનમાં 350 મણ કેરીનું મબલખ ઉત્પાદન મેળવ્યું છે. પોતાની વાડીમાં રાજાપુરી, કેસર, તોતાપુરી, દાડમ, લંગડો, આમ્રપાલી જેવી વિવિધ કેરીનું ઉત્પાદન લે છે, અને ગુણવત્તાયુક્ત કેરીની ખેતીમાં ગૌમૂત્ર આધારિત જવારણનો ઉપયોગ કરીને આવકમાં વૃદ્ધિ કરી છે. શિક્ષકની ફરજની સાથે આજે તેમની ‘નંદનવન ગીર ગૌ-શાળા’માં 18 નાના-મોટા ગૌવંશ થકી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે.

ભરતભાઈએ જણાવ્યુ હતુ કે છ વર્ષ પહેલા ભરૂચ ખાતે ગ્રામ વિકાસ શિબિરમાં જવાનું થયુ ત્યાં પ્રાકૃતિક ખેતી કરતા અનેક ખેડૂતોના અનુભવો સાંભળીને ખેતી કરવાનો દૃઢ નિર્ધાર કરીને એક ગાય પાળી અને પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી.ગાય આધારિત ખેતી પદ્ધતિ દ્વારા આંબાના પાકમાં કેરીનું મબલખ ઉત્પાદન કરી શકાય તે અંગે પ્રકાશ પાડતા તેઓ કહે છે કે, મે-જૂનમાં કેરીનો ઉતારો આવ્યા બાદ આંબાના ઝાડની ઉંચાઈ પ્રમાણે છાંયડાના એક મીટર અંદરના ઘેરાવામાં ગૌમુત્ર, ગોબર, છાશ અને ઘનજીવામૃત નાખવાથી ચોમાસામાં કિટકો થડમાં આવે ત્યારે રોગ નિયંત્રણનું ઉત્તમ કામ કરે છે.

ગૌમૂત્ર તથા ખાટી છાશમાંથી બનાવવામાં આવતા જવારણ (પ્રાકૃતિક કીટનાશક) વિશે વિગતો આપતા કહે છે કે, એક ડ્રમમાં વિવિધ ફળોનો રસ લઈને તેમાં ગૌમુત્ર તેમજ છાશ ભેળવીને આઠ મહિના સુધી રાખવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલા જવારણનો આંબામાં જ્યારે મોર બેસે ત્યારે છંટકાવ કરવામાં આવે છે, જેથી મધમાખી, પતંગીયા જેવા મિત્રકિટકો આકર્ષાય છે. જેથી ફલાવરીંગનું કામ સરળ થાય છે.

અન્ય પાક પણ મેળવે છે
ભરતભાઈ કહે છે કે ગાય આધારિત ખેતી ખેડૂતો માટે આશિર્વાદ સમાન બની છે. ઉત્પાદન વધતાની સાથે આવકમાં પણ વધારો થયો છે. આંબાની ખેતીની સાથે ભરતભાઈ ગાય આધારિત ખેતપદ્ધતિ થકી પોતાની વાડીમાં ભીંડા, શેરડી, જમરૂખ જેવા પાકોનું પણ ઉત્પાદન લઈ રહ્યા છે. આ ઉપરાંત જીવામૃતનું વેચાણ કરીને પણ પૂરક આવક મેળવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...