સરકારી કચેરી પર બાકી લેણું વસુલ કરવામા વામણા પુરવાર:બામણિયા અને અનાવલમાં સરકારી કચેરીનું વીજબીલ બાકી

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જનતા પાસે વીજબીલની કડક ઉઘરાણી કરતી વીજકંપની
  • એક કચેરીનું 40 હજાર તો બીજી કચેરીનું 30 હજારનું બીલ બાકી

મહુવા તાલુકામાં સમયમર્યાદામાં વીજબીલ નહિ ભરી શકનાર ગરીબ જનતાના જોડાણ દૂર કરી કરી શૂરવીરતા દાખવનાર વિજકંપનીના અધિકારીઓ સરકારી કચેરી પર જ વિજકંપનીના બાકી લેણું વસુલ કરવામા તદ્દન વામણા પુરવાર થતા ચાલતી બેધારી નીતિ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકામાં ગરીબ વીજગ્રાહકો સમયમર્યાદામાં વીજબીલ ભરવાનું રહી જાય તો યુદ્ધના ધોરણે વીજકંપનીના અધિકારીઓ વીજજોડાણ કાપી પરિવારોને મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે. સમયમર્યાદામાં વીજબીલ નહિ ભરવું એ યોગ્ય નથી અને તંત્ર કાર્યવાહી કરે એ જરૂરી છે.

પરંતુ સરકારી કચેરી જ વીજકંપનીના દંડની રકમ નહિ ભરે ત્યારે વીજકંપનીના અધિકારીઓ પીછેમૂડની સ્થિતિમાં આવી ઘૂંટણીયે બેસી જતા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છેકે મહુવા તાલુકામા બામણિયા સબ ડિવિઝનના તાબામાં આવતા વલવાડા પશુ દવાખાના ખાતે કર્મચારી પર વીજચોરી બાબતે તા-25/08/2021ના રોજ 1,46,697 રૂપિયાનો દંડ થયો હતો જે પૈકી માત્ર 25 હજાર રૂપિયાની જ વસૂલાત કરવામાં આવી છે.

બાકીના રૂપિયા વસૂલાત કરવામાં તેમજ કડક કાર્યવાહી કરવામાં જવાબદાર અધિકારીઓ સદંતર નિષ્ફળ સાબિત થઈ રહ્યા હોવાનુ તાલુકાની જનતાને લાગી રહ્યુ છે. તો વધુમાં વલવાડા પશુ દવાખાનાના નિર્માણ ટાણે સાંઈ કન્સ્ટ્રકશન નામની એજન્સી દ્વારા લેવામાં આવેલ હંગામી વીજ જોડાણનું પણ 40,300 રૂપિયાનું વીજબિલ બાકી છતાં વસૂલ કરવામાં આવ્યું નથી. ઉપરાંત તાલુકાના અનાવલ પશુ દવાખાના ખાતે પણ વેટરનરી ડિસ્પેન્સરી નામના વીજમીટરનો પણ હેતુફેર તરીકે ઉપયોગ કરાતા વીજકંપની દ્વારા કરવામાં આવેલ દંડમાં 30 હજાર રૂપિયાનું લેણું બાકી છે.

ગરીબ જનતા પર વિજબીલ કે દંડની વસૂલાત માટે કડકાઈ દેખાડતા વીજકંપનીના બામણિયા સબ ડિવિઝન અને અનાવલ સબ ડિવિઝનના અધિકારીઓ કેમ ઢીલા પડી રહ્યા છે જે તાલુકાની જનતાને આજદિન સુધી સમજાતુ નથી. ત્યારે જવાબદારો બાકી લેણું વસૂલ કરવા બાકી દારો સામે ક્યારે લાલ આંખ કરશે એ જોવુ રહ્યુ.

બાકી દંડની રકમની રિકવરી બાકી છે જેની પ્રોસેસ ચાલી રહી છે
વલવાડા પશુ દવાખાનાના મીટરમાં થતી વીજ ચોરી આઈસી ચેકિંગમાં પકડાઈ હતી, જેમને કરેલા દંડમાં 25 હજારની રકમ ભરવામા આવી છે, જે જલદી ભરી દેવાની બાંહેધરી આપવામાં આવી છે. બાકી દંડની રકમની રિકવરી બાકી છે જેની પ્રોસેસ ચાલે છે. ભાવેશભાઈ પટેલ, જે.ઈ બામણિયા સબ ડિવિઝન

અન્ય સમાચારો પણ છે...