કોરોના કાળથી બંધ પડેલ વર્ષોથી ચાલતી ઉકાઈથી મહુવા થઈ સાંજે 7:10 વાગ્યે નવસારી જતી બસ ફરી શરૂ કરવાની માંગ મુસાફરો દ્વારા કરવામાં આવી છે.આવનાર દિવસોમાં આ બસ સેવા શરૂ કરવામાં ન આવે તો મુસાફરો દ્વારા ચક્કા જામની ચીમકી ઉચ્ચારી હતી.
નવસારી ડેપોની ઉકાઈથી મહુવા થઈ નવસારી દરરોજ સાંજે 7:10 વાગ્યે જતી મુસાફરો માટે ઉપયોગી બસ કોરોના કાળથી બંધ થઈ હતી.જે બસ શરૂ થઈ નથી જેને લઈ મુસાફરો અને વિદ્યાર્થીઓએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફરો દ્વારા ધ્યાન દોરવા છતા બસ શરૂ થઈ નથી. જેને લઈ દરરોજ મુશ્કેલી વેઠતા મુસાફરોમા તંત્ર વિરુદ્ધ રોષ છે.
સત્વરે આ બસ શરૂ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત મુસાફરો દ્વારા નવસારી મહુવા ઈન્ટરસીટીનો સમય 6 વાગ્યાનો છે જેનો સમય પણ 6.30 વાગ્યાનો કરવાની માંગ કરી હતી. મહુવાથી નવસારી જતી બસનો સમય શનિવારે શાળા છૂટયા બાદ 11.30 વાગ્યાનો કરવા રજૂઆત કરી હતી.
દુકાન વહેલી બંધ કરી બસ પકડવી પડે છે
હું કોરોના કાળ પહેલા દરરોજ મહુવાથી દુકાન બંધ કરી નવસારી જવા માટે સાંજે 7 વાગ્યા બાદ જતી બસનો ઉપયોગ કરતો હતો.કોરોના બાદ ધંધા ફરી ધમધમવા માંડ્યા છે. પરંતુ સાંજની બસ બંધ થઈ જતા અમારે વહેલી દુકાન બંધ કરી 6 વાગ્યે નવસારી જતી ઈન્ટરસિટી બસ પકડવી પડે છે.આ બસ બંધ થતા મારા જેવા અનેક મુસાફરોએ ભારે હાલાકી ભોગવવી પડે છે જેથી આ બસ ફરી શરૂ થવી અત્યંત જરૂરી છે. - અબ્દુલભાઈ ખલિફા, મુસાફર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.