શિક્ષકોનો અભાવ:મહુવા તાલુકાની 5 શાળામાં ધોરણ 1થી 5 વચ્ચે ફકત એક જ શિક્ષક

મહુવા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પેથાપુર પ્રાથમિક શાળા - Divya Bhaskar
પેથાપુર પ્રાથમિક શાળા
  • મૂડતની પેથાપુર પ્રાથમિક શાળાની શિક્ષિકા ઉમરપાડા ખાતે પરત મુકાતા હાલ બાળકો પ્રવાસી શિક્ષકના ભરોસે
  • અન્ય 5 શાળા પણ એવી​​​​​​​ છે જેમાં માત્ર એક શિક્ષક અને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે એક પ્રવાસી શિક્ષક

મહુવા તાલુકામાં જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાની ચોંકાવનારી વિગતો એવી છે કે તાલુકાની 5 શાળામાં ધોરણ 1થી 5માં માત્ર એક જ શિક્ષક બાળકોને અભ્યાસ કરાવે છે, જેમાં પેથાપુર પ્રાથમિક શાળામાં તો હાલ સરકારી મહેકમ જ શૂન્ય છે. માત્ર પ્રવાસી શિક્ષક ભરોસે જ શાળા ચલાવવાની નોબત આવી છે, જ્યારે 5 શાળાઓ એવી છે જેમાં ધોરણ 1થી 5માં માત્ર એક શિક્ષક અને એક વૈકલ્પિક વ્યવસ્થા તરીકે પ્રવાસી શિક્ષકથી શાળા ચલાવવામાં આવતી હોય ત્યારે બાળકોના અભ્યાસના પાયામાં જ ખલેલ પડી રહી છે.

એકબાજુ બદલીઓના ખેલ માટે તાલુકામાં ખાલી જગ્યાઓ નહિ બતાવવાની રમત અને શાળામાં શિક્ષકોનો અભાવ ઘણું બધું સૂચવી જાય છે. મહુવા તાલુકામાં વધ-ઘટ કેમ્પ,વિદ્યાસહાયક ભરતી કેમ્પમાં સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાના દિવ્ય ભાસ્કરના અહેવાલોમાં પર્દાફાશ થયા બાદ બદલીઓ પામેલ શિક્ષકો મૂળ સ્થાને રવાના થયા છે. ત્યારે હાલ મહુવા તાલુકાના કાછલ ગામે બદલી બાદ ધોરણ 1થી 5માં માત્ર એક જ શિક્ષકના મુદ્દે આવેદનપત્રથી લઈ આંદોલન સુધી ચીમકી પહોંચી ગઈ હતી.

ત્યારે આ મુદ્દે દિવ્ય ભાસ્કર દ્વારા તપાસ હાથ ધરતા તાલુકાની શાળાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. મહુવા તાલુકાની આંગલધરા, સણવલ્લાની 2 શાળા, દેદવાસણ તેમજ મૂડત ગામ મળી કુલ પાંચ જેટલી શાળાઓમાં ધોરણ 1થી 5ની શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે. જે પૈકીની મૂડત ગામની પેથાપુર શાળામાં તો સરકારી મહેકમ જ હાલ શૂન્ય છે. પેથાપુર શાળાના વિવાદિત બદલીથી આવનાર શિક્ષિકા ઉમરપાડા હાજર થઈ જતા હાલ પ્રવાસી શિક્ષકના ભરોસે જ શાળા ચાલે છે, જ્યારે પાંચ એવી શાળા છે જેમાં પણ નિયમિત શિક્ષકની સાથે એક એક પ્રવાસી શિક્ષક છે.

મહુવા તાલુકાની શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવા છતા પણ કેમ્પમાં ખાલી જગ્યાઓ નહીં બતાવવામાં આવતી હોવાનો ગણગણાટ છે. બીજી બાજુ આદિવાસી વિસ્તારમાં એક જ શિક્ષક પાંચ ધોરણ ભણાવતા હોય ત્યારે બાળકોને ભણતરના કેવો ન્યાય મળતો હશે એ કલ્પના કરી શકાય છે.ત્યા રે આવનારા દિવસોમાં તાલુકામાં પ્રાથમિક શિક્ષણની ક્ષતિઓ બાબતે ગ્રામજનો પણ જાગૃતતાના મૂડમાં આવી રહ્યા હોય ત્યારે આ ગંભીર બાબતે પણ ગ્રામજનો જાગૃતતા દેખાડશે તેવા ભણકારા સંભળાય રહ્યા છે.

પાંચ શાળા તો પ્રવાસી શિક્ષકોના ભરોસે જ ચલાવવી પડે
સરકારી પ્રાથમિક શાળામાં અવારનવાર મિટિંગ કે તાલીમનો સિલસિલો ચાલુ રહે છે. ત્યારે માત્ર એક જ શિક્ષક ધરાવતી શાળાના શિક્ષકો મિટિંગ કે તાલીમમાં જાય તો નજીકની અન્ય શાળાના શિક્ષક ભણાવવા આવે જ્યારે પાંચ શાળા તો પ્રવાસી શિક્ષકોના ભરોસે જ ચલાવવી પડે છે.

શાળામાં પ્રવાસી શિક્ષક મુકવામાં આવ્યા છે
મહુવા તાલુકામાં ધોરણ 1 થી 5માં એક જ શિક્ષક હોય તેવી શાળામાં પ્રવાસી શિક્ષક મુકવામાં આવ્યા છે. કેટલીક શાળામાં શિક્ષકો વયમર્યાદાને કારણે અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા ફક્ત એક જ શિક્ષક રહેવા પામ્યા છે, જે માટે પ્રવાસી શિક્ષક તેમજ કાયમી શિક્ષકની મંજૂરી માટે તજવીજ હાથ ધરી છે. - કેતનભાઈ ચૌધરી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી,મહુવા

અન્ય સમાચારો પણ છે...