કાર્યવાહી:લાકડાં ભરેલો ટેમ્પો છોડવા 5 હજારની લાંચ લેતા મહુવાનો 1 વનકર્મી ઝડપાયો, બીજો ભાગી છુટ્યો

મહુવા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાબી બાજુથી દર્શન ચૌધરી અને તરુણ નેતા - Divya Bhaskar
ડાબી બાજુથી દર્શન ચૌધરી અને તરુણ નેતા
  • દર્શન ચૌધરી ઝડપાયો જ્યારે છટકાની ગંધ આવી જતાં બીટ ગાર્ડ તરૂણ નેતા ફરાર

મહુવા વનવિભાગની કચેરીમાં ફરજ બજાવતા ફોરેસ્ટર અને એક અધિકારીની લાંચ લેવાના કેસમાં સંડોવણીના બનાવને હજી થોડો સમય વિત્યો, ત્યાં મહુવા વનવિભાગની કચેરીના અન્ય એક કર્મચારી 5 હજારની લાંચ લેતા એસીબીની ટીમે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ફરીયાદી જલાવ લાકડાનો ધંધો કરતા હોય તેઓએ ગઇ 23 નવેમ્બરના રોજ ચિખલી વિસ્તારમાંથી પંચકુટી જલાવ લાકડાનો ટેમ્પો ભરી ડ્રાયવરને સુરત સચિન જીઆઇડીસી ઔદ્યોગિક એકમમાં ખાલી કરવા માટે મોકલ્યો હતો. તે વખતે સણવલ્લા ગામ દુધ મંડળી સામે મહુવા ફોરેસ્ટના બીટ ગાર્ડ તરુણભાઇ ઠાકોરભાઈ નેતાએ ટેમ્પા ચાલકને લાકડા ભરેલ ટેમ્પા બાબતે પુછ-પરછ કરી દાખલાની માંગણી કરી હતી.

ટેમ્પા ચાલકે પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ જેથી તરુણભાઈએ ટેમ્પા ચાલકના મોબાઇલ ફોનથી ફરીયાદીના મોબાઇલ ફોન ઉપર કાયદેસરની કાર્યવાહી નહી કરવા માટે 10 હજારની લાંચની રકમની માંગણીની વાતચીત કરેલ અને રકઝકના અંતે 5 હજાર નક્કી કરવામાં આવ્યા હતા. લાંચિયા બીટ ગાર્ડે ફરીયાદીનો મોબાઇલ નંબર ટેમ્પા ચાલક પાસેથી લઇ ફરીયાદી સાથે રૂપિયા લઈ પતાવટ માટે વાતચીત કરી, લાંચની રકમ 5,000 ની માંગણી કરેલ હતી. જેથી ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે ફરીયાદ આધારે ગુરુવારના રોજ લાંચનુ છટકુ ગોઠવતા બીટ ગાર્ડ તરુણ નેતાએ કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર દર્શન કનુભાઈ ચૌધરીને લાંચની રકમ 5000 રૂપિયા આપી દેવા જણાવેલ હોય, મહુવા વનવિભાગની કચેરીમાં દર્શન કનુભાઈ ચૌધરીએ લાંચની રકમ સ્વીકારતા એસીબીની ટીમે ગોઠવેલ છટકામાં રંગે હાથ ઝડપાઇ ગયા હતા. જોકે લાંચિયો બીટ ગાર્ડ તરુણ નેતાને છટકાની ગંધ આવી જતાં ફરાર થઈ ગયો હતો. એસીબીએ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અગાઉ ACBમાં ફરિયાદ કરનારને વનવિભાગ દ્વારા દબડાવાયા હતા
થોડા સમય અગાઉ મહુવા વનવિભાગના ફોરેસ્ટર અને આરએફઓ લાંચ લેતા ઝડપાયા હતા, જે પ્રકરણમાં વન વિભાગના અધિકારીઓએ ફરિયાદી પર દબાણ બનાવવા તેની શોમિલ પર જ કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં પણ આ પ્રકારનું પુનરાવર્તન થાય તો નવાઈ નહીં જેવી અટકળો ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...