સમસ્યા:માર્ગ પરના પાણી અને કીચડને કારણે સરકારી વાહનના પૈંડા થંભી જતાં અધિકારીઓએ ટ્રેક્ટરમાં બેસી તપાસ માટે જવું પડ્યું

મહુવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રેક્ટરમા બેસી ઘટના સ્થળે જતા મહુવા મામલતદાર સહિતના અધિકારીઓ - Divya Bhaskar
ટ્રેક્ટરમા બેસી ઘટના સ્થળે જતા મહુવા મામલતદાર સહિતના અધિકારીઓ
  • આમચક ગામે વરસાદમાં મકાન ધરાશયી થવાથી વૃદ્ધાનું મોત થતાં સરકારી ટીમ સ્થળ તપાસ માટે નીકળી હતી
  • જાતે હાલાકી ભોગવતા પ્રજાની પરેશાનીનો અહેસાસ થયો
  • જોકે મુશ્કેલી વેઠીને પણ અધિકારીઓએ કામગીરી પુર્ણ કરી

મહુવા તાલુકાના આમચક ગામે ભારે વરસાદમા ઘર તૂટી જતા ઘરમાં રહેતી વૃદ્ધ મહિલાનુ દિવાલ નીચે દબાઈ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ.મહુવા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચવા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદ અને કાદવ કિચડને લઈ સરકારી વાહન ઘટના સ્થળે જઈ ન શકતા ટ્રેક્ટરમાં બેસી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકામા ભારે વરસાદને લઈ આમચક ગામે મણીનગર ફળિયામા આવેલ ઘર ભારે વરસાદમા શુક્રવારના રોજ ધરાશાયી થઈ ગયુ હતુ. ઘર ધરાશાયી થતા ઘરમાં રેહતા 72 વર્ષીય વૃદ્ધા નંદુબેન દયાળજીભાઈ પટેલ દિવાલ નીચે દબાઈ જતા તેમનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતુ. ઘટના અંગે મહુવા મામલતદાર સહિત તાલુકા વિકાસ અધિકારીને જાણ થતા તેઓ સરકારી વાહન લઈ ઘટના સ્થળે જવા નીકળ્યા હતા. પરંતુ આમચક ગામ પહોંચતા મણીનગર ફળિયામા જતા જ માર્ગ પર વરસાદી પાણી ભરાતા સરકારી વાહનના પૈડા દોઢ કિલોમીટર પહેલા જ થંભી ગયા હતા, અને ત્યાંથી જવુ અત્યંત મુશ્કેલ હતુ.પરંતુ મહુવા મામલતદાર ભારતીબેન રાણા, તાલુકા વિકાસ અધિકારી આર. એચ. રાઠવા, સર્કલ એ.એલ.પરમાર, નાયબ મામલતદાર મહેશભાઈએ ઘટના સ્થળે જવાનુ નક્કી કરી ટ્રેક્ટર અને ટ્રેલર બોલાવી તેમા બેસી તમામ અધિકારીઓ ઘટના સ્થળે ગયા હતા. ત્યાં જઈ જરૂરી કામગીરી હાથ ધરી હતી. મહુવા મામલતદાર સહિત તાલુકા વિકાસ અધિકારીની આ કામગીરી જોઈ તાલુકાની જનતા સહિત આમચક ગ્રામજનો આંનદીત થઈ ગયા હતા અને તેમની કામગીરી બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...