ફરિયાદ:જોળમાં બોગસ દસ્તાવેજો ઊભા કરી સાડા પાંચ વીઘા જમીન ભત્રીજાઓએ વેચી મારી

મહુવા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભત્રીજા, તલાટી સહિત 10 વિુરદ્ધ ગુનો દાખલ

મહુવા તાલુકાનાં જોળ ગામે સર્વે નંબર 239, 240, બ્લોક નંબર 280 વાળી વણવહેંચાયેલી જમીન ખોટી સહી અને ખોટા બોગસ દસ્તાવેજ બનાવી વેચી દેતાં 86 વર્ષીય વૃદ્ધે તેના ભત્રીજાઓ અને તત્કાલિન તલાટી સહિત 10 સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

હાલ નવસારી જિલ્લાના જમાલપોરમાં રહેતા અને મૂળ મહુવા તાલુકાનાં કાની ગામના વતની બળવંતભાઈ ઉર્ફે બલ્લુભાઈ નાયક (ઉ.વર્ષ 86) નિવૃત્ત જીવન ગુજારે છે. મહુવા તાલુકાના જોળ ગામે સર્વે નંબર 239, 240 અને બ્લોક નંબર 280થી નોંધાયેલી જૂની શરતની હે.આરે. 1-45-00 એટલે કે અંદાજિત સાડા પાંચ વીઘા જેટલી જમીનના મૂળ માલિક બળવંતભાઈના માતા પાલીબેન ઉર્ફે પાર્વતિબેન લલ્લુભાઈ નાયકના નામે ચાલી આવી હતી.

વર્ષ 1987-88માં બળવંતભાઈના ભાઈ બાબુભાઈ લલ્લુભાઈ નાયક તેના સંતાનો સુશિલાબેન બાબુભાઈ નાયક, કિરણભાઈ બાબુભાઈ નાયક, જયેશભાઈ બાબુભાઈ નાયક અને રાજેન્દ્રભાઈ બાબુભાઈ નાયકે ભેગા મળી ઉપરોક્ત જમીન પચાવી પાડવાના ઇરાદે માતા પાર્વતિબેનની જગ્યાએ અન્ય વ્યક્તિએ બોગસ અંગૂઠાનું નિશાન કરી તત્કાલિન તલાટી કમ મંત્રી અનિલભાઈ ગોપાળભાઈ દેસાઈ (રાણત)એ વસિયતનામાનું રજીસ્ટર કરાવેલ હતું. બોગસ વસિયતનામાને આધારે બાબુભાઈ લાલુભાઈ નાયકે રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરાવ્યુ હતું, જેની 135 (ડી) મુજબની નોટિસની બજવણીમાં પણ બળવંતભાઈ તથા તેમના બીજા મોટાભાઈ રમણભાઈ લલ્લુભાઈ પટેલની ખોટી સહી કરી હોવાનું જાણવા મળ્યું હતું.

આ ઉપરાંત આ નોટિસમાં મણિબેન લલ્લુભાઈ પટેલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આવી કોઈ વ્યક્તિ વારસદાર તરીકે ન હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. બાદમાં બાબુભાઈ નાયકનું 1992માં અવસાન થતાં સુશિલાબેન બાબુભાઈ નાયક, કિરણ બાબુભાઈ નાયક, જયેશભાઈ બાબુભાઈ નાયક અને રાજેન્દ્રભાઈ બાબુભાઈ નાયકે ખોટી વારસાઈ કરાવી હતી.

વર્ષ 2012માં આ જમીન રમણબેન ભીખુભાઈ પટેલ (રહે ડુંગરા, તા. કામરેજ)ને વેચી તેમના નામનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો, જેમાં સાક્ષી તરીકે કમલેશ ઈશ્વર પટેલ અને ભરત ઈશ્વર પટેલે સહી કરી હતી. આમ વણ વહેંચાયેલા જમીનના હિસ્સાને પચાવી પાડવાના બદઈરાદાએ ખોટી સહી અને બોગસ દસ્તાવેજો ઊભા કરી વેચી દીધી હોવાની ફરિયાદ નોંધાય છે.

આમની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ
સુશિલા નાયક, કિરણ નાયક, જયેશ નાયક, રાજેન્દ્ર નાયક, ભીખુભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, ભરતભાઈ પટેલ (તમામ રહે કાની, મહુવા), તલાટી કમ મંત્રી અનિલભાઈ દેસાઈ જમીન વેચાણ લેનાર રમણબેન પટેલ સામે ંમહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...