સ્ટેટ હાઈવે બંધ કરાયો:મહુવા તાલુકાના 6 કોઝવે ગરક અનેક ગામ સંપર્કવિહોણા થયા

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓવરફ્લો પુલ બેરિકેટથી બંધ કરી પોલીસ ગોઠવાઇ - Divya Bhaskar
ઓવરફ્લો પુલ બેરિકેટથી બંધ કરી પોલીસ ગોઠવાઇ
  • કોષ ખાડનો પુલ ગરક થતા સ્ટેટ હાઈવે બંધ કરાયો

મહુવા તાલુકામા અને ઉપરવાસમાં વર્ષેલ ભારે વરસાદના પરિણામે સોમવારના રોજ મહુવા તાલુકાના 12 જેટલા ગામોને જોડતા 6 કોઝવે પાણીમા ગરક થઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ હતુ.કોઝવે પાણીમા ગરક થઈ જતા ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા તો ઘણા ગામોના વાહન ચાલકોએ કામ અર્થે જવા માટે લાંબો ફેરાવો લેવો પડ્યો હતો.

મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર તરકાણી ગામની સીમમાં આવેલ કોષ ખાડી પરનો પુલ પાણીમાં ગરક થતા પોલીસ બંદોબસ્ત મૂકી સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો.પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના ગામોમા અને ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી સતત ધોધમાર વરસાદ વર્ષી રહ્યો છે.મેઘરાજાની આ ધમાકેદાર ઈનિંગને લઈ ઠેર ઠેર જળબંબાકારની સ્થિતી સર્જાઈ છે.

તાલુકાના ગામોને જોડતા આંતરિક માર્ગો અને સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે જેના પરિણામે વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી.તો બીજી બાજુ વરસાદની આ ધમાકેદાર ઈનિંગ જોઈ જગતનો તાત આનંદિત થઈ ગયો હતો. ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે ઉપરવાસમાંથી નીકળતી નદીઓ બેઉ કાંઠે છલકાઈ ઉઠી છે.

મહુવા તાલુકાના ગામોમાંથી પસાર થતી ઓલણ,અંબિકા,પૂર્ણા,કોષ ખાડી અને કાવેરી નદીઓમાં પુરના દર્શન થયા હતા. નદીઓમા પુર આવતા તેમાંથી નીકળતા નાળા અને કોતરો પણ છલકાઈ ઉઠ્યા હતા જેના પરિણામે નદી અને ખાડી તેમજ કોતરો પર આવેલ લો લેવલ કોઝવે પાણીમાં ગરક થઈ ગયા હતા.નદીમાં આવેલ પૂરના પરિણામે મહુવા તાલુકાના 12 થી વધુ ગામોને જોડતા 6 જેટલા લો લેવલ કોઝવે પાણીમા ગરક થઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ હતુ.

મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર તરકાણી ગામની સીમમાં આવેલ કોષ ખાડી પરનો પુલ પણ પાણીમાં ગરક થઈ ગયો હતો.જેથી સલામતીના ભાગ રૂપે તંત્ર દ્વારા સ્ટેટ હાઈવે બંધ કરી પુલના બંને છેડે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.સ્ટેટ હાઈવે બંધ થતા પુલના બને છેડે વાહનોની કતાર લાગી ગઈ હતી.

આ કોઝવે પાણીમાં ગરક થયા

  • ધામખડી અને બેડા રાયપુરાને જોડતો ઓલણ નદી પરનો પુલ પાણીમાં ગરક
  • ઘાણી અને બામણામાર ને જોડતો ઓલણ નદિ પરનો કોઝવે
  • ભગવાનપુરા અને સાંબા ગામને જોડતો ઓલણ નદિ પરનો કોઝવે
  • સેવાસણ અને વાછરવાડ ગામને જોડતો ટોકરવા ખાડી પરનો કોઝવે
  • નળધરા અને ડુંગરી ગામને જોડતો ધુમાસી ખાડી પરનો કોઝવે
  • મહુવરીયા અને હળદવા ગામની વચ્ચે કોતર પર આવેલ કોઝવે
  • આંગલધરા બે ફળિયાને જોડતો કાવેરી નદી પરનો કોઝવે.
અન્ય સમાચારો પણ છે...