તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અચરજ:મહુવા સુગરના 60 વર્ષના MDએ વય મર્યાદાને કારણે રિટાયરમેન્ટ આપ્યુ ને સૂકાન 62 વર્ષીય MDને સોંપાયું

મહુવા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેની પર બે ટ્રક ભંગાર બારોબાર વેચવાનો આક્ષેપ થયો હતો તેમને જ નવા MD બનાવાયા

મહુવા સુગર ફેકટરીમાંથી 2 ટ્રક ભંગાર વજન કર્યા વિના, ચલણ કે ગેટ પાસ બનાવ્યા વિના બારોબાર વેચી દેવાનો આક્ષેપ 2016માં સુગરના એમડી પર થયો હતો. ત્યારબાદ એ એમડીએ રાજીનામુ આપી દીધુ હતુ. 2021માં એજ એમડીને ફરી મહુવા સુગરના એમડી બનાવી ખુરશી પર બેસાડી દેતા સભાસદો અને સુગરના કેટલાક ડિરેક્ટરોમાં પ્રમુખ ઉપપ્રમુખ વિરુદ્ધ ઉગ્રરોષ ભભૂકી ઉઠ્યો છે. એક બાજુ વય મર્યાદાને લઈ 60 વર્ષીય એમડીને રિટાયરમેન્ટ આપ્યુ, જ્યારે બીજી બાજુ 62 વર્ષીય એમડીને સુગરનું સુકાન સોપ્યુ જે બાબતને લઈ સભાસદોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

મહુવા સુગર ફેક્ટરીમાં વર્ષ 2014માં વજન કર્યા વિના તેમજ ચલણ બનાવ્યા વિના બે ટ્રક ભંગાર બારોબાર વેંચી દેવાનો આક્ષેપ 2016માં તે સમયના મહુવા સુગરના એમડી બી. આર. જાદવ પર થયો હતો. જે બાબતની તપાસ માટે તે સમયના પ્રમુખ માનસિંહ પટેલ, ઉપપ્રમુખ મુકુંદભાઈ પટેલ, માજી ઉપપ્રમુખ બલ્લુભાઈ પટેલ, સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના પ્રતિનિધિ અરવિંદભાઈ પટેલ, ડિરેક્ટર જીગરભાઈ નાયક મળી પાંચ ડિરેક્ટરની તપાસ કમિટી બનાવવામાં આવી હતી અને ત્યારબાદ 2016ના સપ્ટેમ્બર માસમાં મહુવા સુગરના એમડી બી.આર.જાદવે સુગરના એમડી પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. જેથી સુગરના કેટલાક ડિરેક્ટરો અને સભાસદોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.ત્યારબાદ મહુવા સુગરના એમ.ડી તરીકે કે. એન. કાપસેની નિમણૂંક કરવામાં આવી હતી અને તેમના 58 વર્ષ પૂર્ણ થતાં બે વર્ષનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યુ હતુ. અને સુગરના એમડી તરીકે ચાલુ રખાયા હતા. ત્યારબાદ તેમના 60 વર્ષ થતાં તેમને સુગર દ્વારા વય મર્યાદાને લઈ રિટાયરમેન્ટ આપવામાં આવ્યુ હતુ.

તેઓ રિટાયર્ડ થતાં સુગરના પ્રોડકશન મેનેજર ભનેશભાઈ પટેલને ઈ. એમડી તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો હતો અને શુક્રવારના રોજ ફરી મહુવા સુગરના એમ.ડી તરીકે ભંગાર ચોરીનો આક્ષેપ બાદ રાજીનામુ મુકનાર એમ.ડી બી. આર. જાદવની નિમણૂક કરવામાં આવી હતી, જેને લઈ ફરી મહુવા સુગરના કેટલાક ડિરેક્ટરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કેટલાક સભાસદોમા પણ સુગરના પ્રમુખ ઉપપ્રમુખના આ નિર્ણય સામે નારાજગી જોવા મળી રહી છે. હાલ મહુવા સુગરના સભાસદોમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

સુગરમા વય મર્યાદાનો કોઈ નિયમ લાગતો નથી ?
મહુવા સુગરના 60 વર્ષીય એમડી કે. એન. કાપસેને સુગરના સત્તાધીશો દ્વારા વય મર્યાદાને લઈ નિવૃત્તિ આપવામાં આવી હતી, જ્યારે ભંગાર ચોરીનો જે એમ. ડી પર આરોપ લાગ્યો હતો તે 62 વર્ષીય એમડીને મહુવા સુગરના એમ.ડી બનાવવામા આવ્યા છે. જોકે, સુગરમા વય મર્યાદાનો કોઈ નિયમ લાગતો નથી પરંતુ સુગરના સત્તાધીશોના આ નિર્ણયને લઈ સભાસદોમા ભારે નારાજગી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...