સમસ્યા:ખરવાણ મંડળી છઠ્ઠા દિવસે બંધ, સભાસદો મુશ્કેલીમાં, મંડળીના સભાસદોનુ દૂધ આજુબાજુની દૂધ મંડળી સ્વીકારતી નથી

મહુવા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવા તાલુકાના ખરવાણ ગામે આવેલ દૂધ મંડળી પર છઠ્ઠા દિવસે પણ ખંભાતી તાળા લટકતા જોવા મળતા ગરીબ સભાસદો મુશ્કેલીમા મુકાઈ ગયા છે.દૂધ મંડળી પર દૂધ ન સ્વિકારાતા કેટલાક સભાસદો બાજુના ગામોમાં આવેલ મંડળી પર દૂધ ભરવા ગયા હતા પરંતુ ત્યાં પણ તેમનુ દૂધ ન સ્વિકારાતા તેઓએ વિલા મોઢે પરત આવવુ પડયુ હતુ.ત્યારે ખરવાણ દૂધ મંડળીનુ દૂધ સુમુલ દ્વારા સત્વરે સ્વિકારવામાં આવે એવી માંગ ગરીબ સભાસદો સેવી રહ્યા છે.

ખરવાણ દૂધ મંડળીના 450 થી વધુ સભાસદો મંડળીમા દરરોજ 5000 લીટર થી વધુ દૂધ ભરે છે.પરંતુ ત્રણ વાર ગુણવત્તા ચકાસણીમા ખરવાણ દૂધ મંડળીનુ દૂધ બિન ગુણવત્તાયુક્ત આવતા તા-29 ડિસેમ્બર સાંજથી સુમુલ દ્વારા ખરવાણ દૂધ મંડળીનુ દૂધ સ્વીકારવાનુ બંધ કરી દિધુ હતુ.છઠ્ઠા દિવસે પણ સુમુલ દ્વારા ખરવાણ દૂધ મંડળીનુ દૂધ સ્વીકારવાનુ શરૂ ન કરતા ગરીબ સભાસદો મુશ્કેલીમા મુકાઈ ગયા છે.અને તેમણે દેવાના ડુંગર નીચે દબાવવાની નોબત આવી છે.સતત 6 દિવસથી સભાસદોનુ રોજનુ હજારો લીટર દુધ વેડફાઈ રહ્યુ છે.

સોમવારે સવારે કેટલાક સભાસદો પોતાનુ દૂધ લઈ બાજુમા આવેલ બીલખડી ગામની દૂધ મંડળીમા દૂધ ભરવા માટે ગયા હતા પરંતુ ત્યાં પણ બીલખડી ગામના કેટલાક સભાસદોએ વિરોધ કરતા તેમનુ દૂધ સ્વીકારવામાં આવ્યુ ન હતુ જેના પરિણામે ગરીબ સભાસદોએ નિરાશ થઈ પરત ફરવુ પડયુ હતુ.ત્યારે સભાસદોની દયનીય હાલતનો ઉકેલ આવે અને સુમુલ દ્વારા સત્વરે ખરવાણ દૂધ મંડળીનુ દૂધ સ્વીકારવામાં આવે એવી માંગ ગરીબ સભાસદો સેવી રહ્યા છે.

મારે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું
હું દરરોજ સવાર સાંજ 6 લીટર જેટલુ દૂધ ખરવાણ દૂધ મંડળીમા ભરૂ છુ.મારું ઘર આ દૂધની આવક પર જ ચાલે છે.દૂધ મંડળી બંધ થઈ જતા છેલ્લા 6 દિવસથી દૂધનો બગાડ થઈ રહ્યો છે.ત્યારે રાજકીય અને સહકારી આગેવાનો અમારા ગરીબ સભાસદોનુ વિચારી અમારું દૂધ ફરી શરૂ કરાવે એ જરૂરી છે. ભગુભાઈ પટેલ, સભાસદ કોડ-780

અન્ય સમાચારો પણ છે...