મોસમનો માર:મહુવાના ગામોમાં આંબા પર હાલ માંડ 30 થી 50 % જ કેરી બચી, નુકસાનની બીકે વેપારીઓએ ખેડૂતને આપેલું એડવાન્સ લીધા વિના જ વાડી છોડી

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સિઝનમાં વાતાવરણમાં નિરંતર ફેરફાર નોંધાતા આંબાના મોર ખરી પડ્યા, પરિણામે કેરીના પાક ઓછો
  • અન્ય વેપારીઓની અગાઉ થયેલા સોદાની રકમ ઘટાડવા ખેડૂતોને આજીજી
  • ખેડૂતોનું પણ સારી આવક મે‌ળવવાનું સપનું રોળાયું

મહુવાના ગામોમાં આંબાવાડીઓ રાખેલ વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, જ્યારે ખેડૂતને પણ કેરીની આવકમાં મોટો ઘટાડા સહન કરવાનો વારો આવ્યો છે. આંબા પરનો મોર ખરી જતા, પાક માંડ 30થી 50 ટકા જ બચ્યો છે. મોટી રકમની બોલી સાથે વેપારીઓ રાખેલ વાડીઓમાં કેરીનો પાક બહુ ઓછો બચ્યો હોય, સોદા પેટે આપેલ બાનુ પરત લીધા વિના જ ખેડૂતને કહ્યા વગર વાડી છોડી રહ્યા હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે.

ઘણા ગામોમાં વેપારીઓ આંબાવાડીમા પાક ઓછો રહ્યો હોવાથી ખેડૂતોને સોદા સમયે નક્કી થયેલ રકમ ઓછી કરવા આજીજી કરી રહ્યા છે. કેરીના વેપારીઓના મતે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કેરીનો 30થી 50 ટકા ઓછો ઉતરવાની શક્યતા છે. ખેડૂતોને પણ સારી આવક થવાની આશાનું સ્વપ્ન રોડાયું છે. મહુવા તાલુકાના 69 ગામોમાં 600 થી વધુ નાની મોટી કેરીની આંબાવાડીઓ આવેલ છે. જેથી દર વર્ષે મહુવા તાલુકામા કેરીનુ સારું એવુ ઉત્પાદન થતુ હોય છે. પરંતુ આ વર્ષે ચિત્ર બદલાઈ ગયું છે.

ખેડૂતોએ અગાઉથી આંબાવાડી રાખનાર વેપારીઓએ આપી દેતા હોય છે. પરંતુ કેરીનો પાક માંડ ઉતારે એવી સ્થિતિ હોવાથી વેપારીઓ વાડી છોડવા સિવાય વિકલ્પ બચ્યો નથી. ખેડૂતો પ્રથમ આંબાવાડીઓ મોરથી ખીલી ઉઠી હોવાથી વેપારીઓને સોદો કરી બાનું પણ ચૂકવાયું હોવાથી, સારી આવક મળવાની આશા પર પાણી ફરી ગયું છે. જેથી કેરીના ભાવો પણ આ વર્ષે આસમાને રહેશે.

આંબાવાડી રાખનાર વેપારીઓને વાતાવરણમાં થયેલ ફેરફાર અને રોગના પરિણામે મોટી નુકશાની વેઠવાની નોબત આવતા, ઘણા વેપારીઓતો મોર ઓછા આવતા સોદો અધવચ્ચેથી છોડી બાના પેટે આપેલ રકમ પણ લીધા વિના ચાલ્યા ગયા છે. તો ઘણા વેપારીઓએ ખેડૂતો સાથે મિટિંગ કરી સોદા સમયે નક્કી થયેલ રકમમા ફેરફાર કરવા વિનંતી કરી રહ્યા છે.

ગત વર્ષ કરતા આ વર્ષે કેરીના પાકને યોગ્ય વાતાવરણ નહી મળતા આંબાવાડીમાં કેરીનું બંધારણ યોગ્ય રીતે થઈ શક્યુ નથી. શરૂઆતના સમયમાં યોગ્ય વાતાવરણ ન મળતા આંબાવાડીઓમાં યોગ્ય ફુટ જોવા મળી ન હતી. બાદમાં થોડો સમય સારું વાતાવરણ જોવા મળતા સારી ફૂટ જોવા મળી હતી. પરંતુ ત્યારબાદ અચાનક ધૂમમસના વાતાવરણમાં કોઈ કારણસર મોર બળવા લાગ્યા હતા. જે અટકાવવા માટે ખેડૂતોએ મોંઘી દવાનો પણ છટકાવ કરવામા આવ્યો છતાં પાક બચાવી શક્યા નથી.

આ વખતે અડધા ભાવે જ વાડી આપી
આમચક ગામના ખેડૂતે જણાવ્યુ કે ગત વર્ષે મારી 11 વીંઘા આંબાવાડીનો 4 લાખ રૂપિયામા સોદો થયો હતો. ઝાડમાં નહિવત કેરી જોવા મળતા આ વર્ષે એજ વાડી ફક્ત 2 લાખ રૂપિયામા આપવાની ફરજ પડી છે. અન્ય પાકોમાં જો નુકશાન થાય તો, આ વર્ષે સરકાર કેરીના પાકમાં પણ સર્વે કરી ખાસ પેકેજ જાહેર કરાય તેવી અમારી માંગ છે.

ગત વર્ષે 8 હજાર મણ કેરી ઉતરી, આ વર્ષે માંડ 3 હજાર મણ
મારી 100 વીંઘાની આબાવાડી છે, ગત વર્ષે 8000 મણ કેરીનો પાક ઉતાર્યો હતો. આ વખતે માંડ 3000 મણ જેટલો પાક ઉતરે તેવી સ્થિતિ પણ નથી. મોંઘી ટ્રીટમેન્ટ કરાવવા છતાં કેરીનો પાક બચી શક્યો નથી. જોકે હું દર વર્ષે કેરીનો તૈયાર પાક થયા બાદ જ વેપારીને સાથે વાડીનો સોદો કરું છું. મને આશા કરતા ઘણું મોટું નુકસાન થયું છે. - સંદીપ પટેલ, ખેડૂત, નિણત ગામ

વાડી રાખનાર ભાવ ઘટાડવા કહી રહ્યા છે
મારી 10 વીંઘા આંબાવાડી કાછલ ગામે આવેલ છે. જે વાડીનો સોદો વેપારી સાથે 3 લાખમાં કર્યો હતો. જેમાંથી 1.50 લાખ વેપારીએ આપ્યા હતા. અને 1.50 લાખ હજી બાકી છે, પરંતુ વાડીમા મોર ઓછા થતા વેપારીએ ભાવમાં ફેરબદલ કરવા માટે અવારનવાર મારી સાથે મિટિંગ કરી છે. દર વર્ષે એક જ વેપારી અમારી વાડી રાખે છે. જેથી વેપારી સાથેના સંબંધને લઈ મિટિંગમાં સિઝન પૂર્ણ થયા બાદ આનો યોગ્ય રસ્તો કાઢવાનું નક્કી કરવામા આવ્યુ છે. - પોરસભાઈ મોગલ, ખેડૂત, મહુવા

4.50 લાખમાં રાખેલી વાડીમાં હાલ 2.50 લાખનો જ માલ છે
આંગલધરા ગામે આવેલ પ્રવિણભાઈની 12 વીંઘા આંબાવાડી 4.50 લાખમાં રાખી હતી.જેમા મોર બળી જતા તેમજ ઓછા આવતા હાલ વાડીમા ફક્ત 2.50 લાખ જેટલા રૂપિયાનો જ માલ છે. જેને લઈ તેમણે આ વર્ષે મોટી નુકશાની વેઠવી પડશે. - નઈમભાઈ, કેરીના વેપારી

વેપારી વાડી છોડી જતા રહ્યા, ફોન પણ રિસીવ કરતા નથી
ડુંગરી ગામે 6 વીંઘા આંબાવાડી જે વેપારીએ 2.50 લાખમા રાખ્યા બાદ, 10 હજાર રૂપિયા બાના પેટે આપ્યા હતા.પણ ઓછો ઉતરવાની સ્થિતિ સર્જાતા વેપારી વાડી છોડી જતા રહ્યા છે, મારો ફોન પણ રિસીવ કરતા નથી. બાના પેટે આપેલ રકમ પણ પરત લેવા આવ્યા નથી. - મોહનિશ ચૌહાણ, ખેડૂત

3 લાખમાં રાખેલી વાડીમાં 2 લાખની કેરી પણ બચી નથી
તરકાણી ગામે આવેલ આંબાવાડી 3 લાખ રૂપિયામા રાખી હતી. જેના પર હાલ 2 લાખથી પણ ઓછા રૂપિયાનો માલ બચ્યો છે, જેથી મોટુ નુકશાન વેઠવુ પડશે. કેરીનો પાક આ વર્ષે 50 ટકા જેટલો ઓછો છે. જેથી સારી કેરીનો ભાવ ગત વર્ષ કરતા ડબલ રહેશે. - રાજકુમાર રાજપૂત, વેપારી, અનાવલ

અન્ય સમાચારો પણ છે...