મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ગેરકાયદેસર બદલીના કરતૂતોનો ભાંડો તો ફૂટ્યો જ છે ત્યારે શિક્ષકોના કાયદેસરના કામો પણ સમયસર કરાવવા હોય તો બની બેઠેલા શિક્ષક નેતાઓને ગાંધીછાપનુ નૈવેદ્ય ચઢાવવું પડતું હોવાનું શાળાઓની મુલાકાત દરમિયાન કેટલાક શિક્ષકો જણાવી રહ્યા છે અને કેટલીક બાબતો તેની ચાડી પણ ખાઈ રહી છે.
મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગના કેટલાક બની બેઠેલા શિક્ષકો માત્ર પૈસાની ભાષા જ સમજે છે આ શબ્દો તાલુકામાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકોના છે.મહુવા તાલુકા પંચાયત શિક્ષણ વિભાગમાં તાલુકા પ્રાથમીક શિક્ષણ અધિકારી પાસે માત્ર એક જ કારકુન છે.જે તાલુકા પંચાયતના અલગ અલગ ટેબલના ચાર્જ ધરાવે છે ત્યારે શિક્ષણના કેટલાક વહીવટી કામો બની બેઠેલા શિક્ષક નેતાઓના હવાલે જ હોવાનું જાણવા મળ્યું છે.
મહુવા તાલુકાની શાળામાંથી વયમર્યાદાના કારણે નિવૃત થાય તો તેના પેન્સન ચાલુ કરાવવા ચપ્પલ ઘસવા પડે છે અને શિક્ષકના રૂપમાં બની બેસેલ નેતાઓને જ્યાં સુધી ભોગ નહિ ધરાવવામા આવે ત્યાં સુધી ફાઈલ આગળ ખસતી જ નહીં હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.હદ તો ત્યારે થાય કે પગાર ધોરણમાં ગ્રેડ છોડવા માટે પણ વ્હાલા દવલાની નીતિ જ અપનાવી ગાંધીછાપનો પ્રભાવ જ રહેતો હોવાનું જાણવા મળ્યું છે.વર્ષ 2002ની ભરતીના શિક્ષકનો 9 નો ગ્રેડ બાકી હોય અને 2010ની ભરતીના શિક્ષકોને એ મળી જાય તેવા કિસ્સા પણ બહાર આવ્યા છે.
આ ઉપરાંત જીપીએફ ઉપાડવાનું હોય કે એરિયર્સ લેવાનું હોય ગાંધીછાપ વિના કામ નહીં થતું હોવાના ઘણા શિક્ષકોના મુખે સાંભળવા મળ્યુ છે.આ ઉપરાંત ઘણા શિક્ષકોના એરિયસ કઢાવવા માટે પણ પ્રસાદ ધરાવવો પડે છે.જેને લઈ શિક્ષકો હેરાન પરેશાન થઈ ગયા છે.ત્યારે આ ગંભીર બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ ટીમ બનાવી મહુવા તાલુકાના શિક્ષકોને થતા અન્યાય બાબતે તપાસ હાથ ધરી કસૂરવાર શિક્ષકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માંગ જાગૃત શિક્ષકો કરી રહ્યા છે.
કામોમાં વ્લાહા-દવલાની નીતિ ચાલે છે ?
મહુવા તાલુકામા જૂથ વીમા માટે 2019મા નિવૃત થયેલ શિક્ષકોના બાકી હોય તેઓ કચેરીના ચક્કર કાપે જ્યારે તેના પછીના નિવૃત થયેલ શિક્ષકોને જૂથ વીમાના રૂપિયા આસાનીથી મળી જાય.એ કયા જાદુથી શક્ય છે એ નિવૃત શિક્ષકોને આજદિન સુધી સમજાયુ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.